જિંદગી ઝિંદા-દિલી કા હૈ નામ; મુર્દા-દિલ ખાક જિયા કરતે હૈં

‘આમ તો અમે સાથે જ જન્મ્યા છીએ અને હું માનું છું ત્યાં સુધી અમે સાથે જ મરીશું, પરંતુ એક
શક્યતા છે કે, સઆદત હસન મરી જાય અને મન્ટો ન મરે. સાચું પૂછો તો મને આ વિચાર બહુ ડરાવે છે
કારણ કે, ‘સઆદત’ સાથે દોસ્તી નિભાવવામાં ‘મન્ટો’એ કોઈ કસર નથી છોડી. અગર સઆદત મરી ગયો
અને મન્ટો જીવતો રહ્યો તો એ એવી વાત છે જેમ ઈંડાની કોચલું બચી જાય અને અંદરની જર્દી ખતમ
થઈ જાય પછી એને ફેંકી દેવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય બચતો નથી…’

સઆદત હસન મન્ટો ઉર્દૂ સાહિત્યનું એક એવું નામ જેણે અત્યંત ક્રાંતિકારી નવલિકાઓ આપી.
એમની ટૂંકી વાર્તાઓએ એ સમયના સાહિત્યને જાણે કે, ઊંઘમાંથી બેઠું કરીને સત્યનું દર્શન કરાવ્યું.
1934થી 55ના સમયગાળા દરમિયાન એમણે ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, સિનેમાની સ્ક્રીપ્ટ
અને બીજું કેટલુંય લખ્યું… એમના જીવન પરથી બે હિન્દી ફિલ્મો બની છે. એમનું કામ, લખાણ
ગુજરાતી સહિત વિશ્વની 18થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયું છે. (આવતીકાલે એમની મૃત્યુ તિથિ
છે.) 42 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા મન્ટો, 26ની ઉંમરે ગુજરી ગયેલા કલાપી, લેડી ડાયના 36, વિન્સેટ
વાનગોગ 37, મીના કુમારી 39, સંત જ્ઞાનદેવ 21, રાણી લક્ષ્મીબાઈ 30, મેરેલિન મોનરો 36, ગુરૂદત્ત
39, પાનસિંગ તોમર 49, ફ્રાન્ઝ કાફકા 41, પરવીન શાકિર 42, એન સેક્સટન 46, અમૃતા શેરગીલ
28, રાવજી પટેલ 29, કેપ્ટન વિક્રમ બત્રા 24, હેમંત કરકરે 53, મેજર શૈતાન સિંઘ ભાટી 37, સ્વામી
વિવેકાનંદ 39… આવાં તો કેટલાંય નામ લઈ શકાય કે જેમની ઉંમર આ પૃથ્વી ઉપર શારીરિક સ્વરૂપે
સાવ ઓછી હતી, પરંતુ આ બધાં નામ એવાં છે જેમને એમના મૃત્યુ પછીના પાંચ-સાત કે દસ દાયકા
પછી પણ લોકો આદરપૂર્વક યાદ કરે છે!

રિષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’માં ગુલઝાર સાહેબ સહિત પાંચ લેખક હતા. જેમાંથી કોઈ એક
વ્યક્તિનો ડાયલોગ અમર થઈ ગયો, ‘બાબુ મુશાય, જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ…’ આપણે
બધા આ ‘બડી’ જિંદગીનો અર્થ પૈસા કમાવા, બેન્ક બેલેન્સ કે પદ અને પ્રતિષ્ઠા સાથે જોડી દઈએ છીએ,
પરંતુ સમજવાની જરૂર એ છે કે, ત્રણ ટર્મ સુધી ગુજરાતના સીએમ રહેલા માધવસિંહ સોલંકી કે
બોલિવુડના પહેલાં સુપર સ્ટાર રાજેશ ખન્ના ઘણું લાંબું જીવ્યા, પરંતુ અંતે ગુમનામી અને એકલતામાં
એમણે પોતાની જિંદગીના વર્ષો પૂરાં કર્યા. લાંબું જીવનાર દરેક વ્યક્તિ સુખી અને આનંદમય જીવન જીવે
જ છે એવું તો ન જ માની લેવાય ને?

માણસ પોતાના જીવનમાં શું કરે છે એના ઉપર એના મૃત્યુ પછીના આદર કે સન્માનનો આધાર
રહે છે. પૈસા કમાઈ લેવાથી, પદ, પ્રતિષ્ઠા કે પાવર હાંસિલ કરી લેવાથી કદાચ લોકો આપણી આગળ
પાછળ ફરે કારણ કે, એમને આપણી પાસેથી કશું જોઈએ છે, પરંતુ જેને કોઈ પાસેથી કશું નથી જોઈતું
અને ફક્ત સ્વબળે જીવનમાં આગળ વધવું છે કે, પોતાની ટર્મ્સ પર જિંદગી જીવવી છે એવા લોકો ટૂંકી
જિંદગીમાં ખૂબ આકરી કિંમત ચૂકવીને આ જગત છોડી જતા હોય છે!

ક્યારેક એવો વિચાર આવે કે, આવા લોકોને ક્યાંક ભીતરથી એવો અવાજ સંભળાતો હશે કે
એમની પાસે બીજા લોકો જેટલો સમય નથી… બીજા લોકો જે 70 વર્ષમાં કરે એ એમણે 35 વર્ષમાં
કરવાનું છે, કદાચ એટલે જ એમની સ્પીડ (ઝડપ), અને એનર્જી (ઊર્જા) પણ બીજા લોકોથી વધારે હોય
છે.

આવા લોકો જુદા હોય છે, પરંતુ એમનું આ જુદાપણું સમાજ સ્વીકારી શકતો નથી. અતિશય
બુધ્ધિશાળી વ્યક્તિ સામાન્ય રીતે વિદ્રોહી હોય છે. સમાજના જડ નિયમો સામે એનો વિદ્રોહ સમાજ
દબાવી દેવાનો પ્રયાસ કરે છે. જેને કારણે આવા લોકોનું અંગત જીવન વિખરાયેલું, ગૂંચવાયેલું અને ક્યારેક
અતિશય સંઘર્ષમય-પીડાદાયક બની રહે છે. આવા લોકો બુધ્ધિથી નહીં, હૃદયથી વિચારે છે. અતિશય
બુધ્ધિ હોવા છતાં, એમનું હૃદય અથવા મન એમના વિચારોને કંટ્રોલ કરે છે જેને કારણે આવા અતિશય
બુધ્ધિશાળી લોકો ઈમ્પલસિવ અને ટેમ્પરામેન્ટલ હોય છે. ઈમ્પલસિવ અને ટેમ્પરામેન્ટલ લોકો
સમાજના ડાહ્યા, ગણતરીબાજ, સમજદાર કે વ્યવહારું લોકોથી ભિન્ન હોય એ સ્વાભાવિક છે. એમની
અભિવ્યક્તિ કે પરિસ્થિતિ માટેનું રિએક્શન પણ અન્ય લોકોથી જુદું હોય, તીવ્ર હોય અને ક્યારેક વિક્ષિપ્ત
કે એગ્રેસિવ હોય એ પણ સ્વાભાવિક છે. આવા લોકો સમાજની, સરકારની, ધર્મની તો ક્યારેક સાવ
અંગત લોકોના અપમાન અને તિરસ્કારનો ભોગ બને છે. મન્ટો, વાનગોગ, અમૃતા શેરગીલ, એન
સેક્સટન જેવા સર્જકોએ મેન્ટલ ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લેવાનો સમય પણ આવ્યો કારણ કે, એમની
વાતો લોકોને ગળે ઉતરતી નહોતી.

સમયથી આગળ જન્મેલા અને સમયથી આગળ વિચારતાં આવાં લોકો પોતાના સમયમાં
ઓળખાતા નથી, પરંતુ એમના ગયા પછી એમના સર્જનો ક્લાસિક તરીકે સદીઓ સુધી સચવાય છે અને
આવનારી પેઢીઓને એમના દાખલા અપાય છે! આપણા સમાજની આ કઈ રીત છે? જે-તે વ્યક્તિને
એના સમયમાં તિરસ્કાર, અપમાન અને અવહેલનાનો સામનો કરવો પડે, જેને પછીથી સર્જક, કલાકાર,
ભગવાન કે મહાન વ્યક્તિના બિરુદ આપીને એમને માથે બેસાડવામાં આવે!

આનું કારણ કદાચ એ છે કે આવી વ્યક્તિઓ જીવંત હોય ત્યારે એમના ક્રાંતિકારી વિચારોથી
સમાજના સડી ગયેલા, રૂઢિચુસ્ત વિચારોના પાયા હચમચે છે. સ્થાપિત હિતોને ભય લાગે છે કે, જો
લોકો જાગી જશે તો એમણે ગોઠવેલી આ ઈલ્યુઝિવ (ભ્રામક) સિસ્ટમ તૂટી પડશે. એમનું વર્ચસ્વ ઘટી
જશે. આવાં બની બેઠેલા, સ્થાપિત હિતોએ સમાજમાં ઊભી કરેલી ખોટી માન્યતાઓને જો આવા
ક્રાંતિકારી લોકો ખોટી પાડશે તો સમાજ વ્યવસ્થાના નામે ચાલી રહેલું તૂત ભાંગી પડશે.

જે લોકોએ આવો પ્રયાસ કર્યો છે એમની પાસે જિંદગીના નામે વર્ષો ભલે થોડાં હોય, એમણે જે
કામ કર્યું છે એ માટે એ અવિસ્મરણિય છે…

આપણે કેટલાં વર્ષો જીવીએ છીએ એના કરતાં કેવાં વર્ષો જીવીએ છીએ, એના ઉપર ફોકસ કરીએ
તો કદાચ આપણે પણ આપણને મળેલા વર્ષોનો સાચો ઉપયોગ કરીને જિંદગીને સફળ કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *