ગલતી જીવન કા હિસ્સા હૈ, ઇસકે બિના અધૂરા હર કિસ્સા હૈ

કોન્ટ્રોવર્સી-સનસનાટી, જેમની પ્રકૃતિ છે, બેફામ સ્ટેટમેન્ટ કરી દેવા એ જેમનો સ્વભાવ છે, ધર્મ
નિરપેક્ષતાનો દાવો કરીને જે જાણે-અજાણે સનાતન ધર્મ-ભારતીયતા અને હિન્દુત્વનો વિરોધ કરે છે, છતાં
ફિલ્મમેકર કે દિગ્દર્શક તરીકે જેમનું નામ આદરથી લેવું પડે એવા મહેશ ભટ્ટ આજે 73 વર્ષ પૂરા કરે છે.
દીકરી આલિયા ભટ્ટના લગ્ન કપૂર ખાનદાનમાં થઈ ચૂક્યા છે, એ મા બનવાની છે અને બેબીબમ્પના
ફોટા દર ત્રીજે દિવસે ગુગલ પર ફરતા રહે છે ત્યારે એક માણસ પોતાના જીવનને આત્મકથા સ્વરૂપે
બજારમાં મૂકે, વેચે એ કથાને સનસનીખેજ બનાવીને ચાટ મસાલો ભભરાવીને લોકો સુધી પહોંચાડે ત્યારે
એક સવાલ એવો ઉઠે છે કે શું આપણે આપણા જીવન વિશે બધાને બધું કહેવું જોઈએ? મહેશ ભટ્ટે
પોતાની ફિલ્મોમાં પોતાની આત્મકથાને એકથી વધારે વાર લોકો સુધી પહોંચાડી છે. એમની ફિલ્મ
‘જખ્મ’, ‘જનમ’, ‘અર્થ’ અને ‘ડેડી’ જેવી ફિલ્મોની સાથે સાથે હજી હમણા જ રજૂ થયેલી વેબસીરિઝ
‘રંજીશ હી સહી’માં એમણે પોતાના પિતા સાથેના, પત્ની સાથેના અને પ્રેમિકા અથવા પાર્ટનર સાથેના
સંબંધોને છડેચોક ખૂલ્લા મૂકી દીધા છે.

દરેક માણસના જીવનની એક કથા હોય છે. એ કથા ક્યારેક સંઘર્ષથી ભરેલી હોય છે તો ક્યારેક
સનસનાટીપૂર્ણ. આપણે બધાએ કંઈક એવું તો કર્યું જ છે જેને કારણે આપણે પસ્તાયા હોઈએ. દિલ તૂટ્યું
હોય, પાઠ શીખ્યા હોઈએ, આર્થિક કે ઈમોશનલ નુકસાન ભોગવ્યું હોય… પરંતુ, મોટાભાગના લોકો
પોતાના જીવન વિશે આવી કોઈક વાત કહેતા અચકાય છે. જ્યારે જ્યારે સફળ કે પ્રસિધ્ધ લોકોની
આત્મકથા કે જીવનકથા લખાય છે ત્યારે એમાં પસંદગી કરેલી કેટલીક બાબતોને સહજ રીતે કાઢી
નાખવામાં આવે છે. એનો સૌથી મોટો દાખલો તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘સંજુ’ છે…

ગાંધીજી કહેતા, ‘જે કરતાં ન ગભરાયા, એ કહેતાં શું કામ ગભરાવું પડે?’ વ્યક્તિ તરીકે આપણા
જીવનમાં આપણે કરેલી ભૂલોની જવાબદારી અને એના પરિણામોનો સ્વીકાર આપણે કરવો જ પડે.
માણસ તરીકે આપણા બધા પાસે કોઈક એવી નબળી ક્ષણ છે, કોઈક એવી ભૂલ કે એવી પરિસ્થિતિ છે જે
ક્યારેક આપણે લીધે તો ક્યારેક બીજા કોઈકને લીધે સર્જાઈ હશે, પરંતુ એને નકારી કે સંતાડી દેવાથી એ
દબાઈ કે ભૂલાઈ જશે એવું માની લેવું બેવકૂફી છે. માણસ જેમ મોટો થાય, અનુભવોમાંથી પસાર થાય,
જિંદગી જીવે અને પોતાની જિંદગીને બીજાની જિંદગી સાથે સરખાવતો થાય-સમજતો થાય, પછી એને
પોતાની જિંદગી વિશે વિચારવાની એક જુદી દૃષ્ટિ મળે છે. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ પોતે જ
કસ્તુરબા સાથે કરેલા નાનકડા ગેરવર્તનની વાત પ્રામાણિકતાપૂર્વક લખી છે. એમણે સ્વીકાર્યું છે કે, ત્યારે
એમનું વર્તન અયોગ્ય હતું! આપણામાંના કેટલા સફળ કે પ્રસિધ્ધ થઈ ગયા પછી પાછા ફરીને પોતે
જીવેલા જીવનને કે અણસમજમાં, ગેરસમજમાં થઈ ગયેલી ભૂલનો નિખાલસતાપૂર્વક સ્વીકાર કરી શકે?

એથી આગળ વધીને વિચારવાની વાત એ છે કે, કદાચ કોઈ આવો સ્વીકાર કરે કે પોતાના જીવન
વિશેની કોઈ વાતને ડર્યા વગર જાહેર કરે તો આ સમાજના કહેવાતા ઠેકેદારો એ વાતને કેટલી સહજતા કે
સમજદારીથી સ્વીકારી શકે? કોઈ એક માણસ પોતાની ભૂલ પછી જાતે જ એ ભૂલ કબૂલ કરીને એમાંથી
બહાર આવવા માગે, કશું જુદું જીવવા માગે તો એને એ રીતે જીવવાની તક આ સમાજ આપે છે ખરો?
સફળ, પ્રસિધ્ધ કે લોકપ્રિય વ્યક્તિ પણ, ક્યારેક બાળક હતી, યુવાન હતી કે ટીનએજમાં હતી. ત્યારે તો
એ એક સામાન્ય બાળક કે યુવાન હશે ને? બીજા યુવાનો કે બાળકોથી થતી ભૂલો એ વ્યક્તિએ પણ કરી
હોય એવું બને… સત્ય તો એ છે કે, આજે એ વ્યક્તિ સફળ અથવા પ્રસિધ્ધ છે કારણ કે, એણે એ સમયે
કરેલી ભૂલમાંથી બોધપાઠ શીખીને એ વ્યક્તિએ પોતાની જાતને સમય-સમયાંતરે વધુ બહેતર, વધુ
રિફાઈન્ડ, વધુ પરફેક્ટ અને વધુ સારી બનાવવાનો પ્રયાસ કર્યો છે. આપણા સમાજના કેટલાક લોકોને
દરેક વ્યક્તિના ભૂતકાળને ઉખેડી-ઉખેડીને એમાંથી ઝીણી ઝીણી બાબતો શોધીને એને અપમાનિત
કરવાની મજા આવે છે. એમની વિકૃત મનોદશા એનાથી સંતોષાય છે. પોતે સફળ નથી થઈ શક્યા અથવા
‘ક્યાંક’ નથી પહોંચી શક્યા એ વાતનો અફસોસ એટલો બધો હોય કે જેણે જીવનમાં કંઈ મેળવ્યું છે એવી
વ્યક્તિને અપમાનિત કરીને એમની ઈર્ષાળુ મનોવૃત્તિને કડવો સંતોષ થાય છે.

જે સફળ છે એને પોતાના ભૂતકાલને છુપાવવામાં કોઈ રસ ન હોવો જોઈએ કારણ કે દુનિયાની
કોઈ સફળ વ્યક્તિ ભૂલ કે સંઘર્ષ કર્યા વગર આગળ વધી શકી નથી. સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક
એ છે કે, જે પોતાની ભૂલમાંથી શીખ્યા છે-પોતાના ગુનાહમાંથી બહાર નીકળીને શુધ્ધતા-પ્રામાણિકતા
તરફ આગળ વધ્યા છે એ સફળ થયા છે, જ્યારે પોતાની ભૂલ કે ગુનો છુપાવીને જે લોકોએ સજ્જનતા
અને સારાઈનું મોહરું પહેર્યું છે એ બધા કદાચ દુનિયાની નજરે સફળ હોઈ શકે, પરંતુ ભીતરથી એમને
પોતાની ભયાનક નિષ્ફળતાનો અહેસાસ છે જ.

ભૂલ સ્વીકારવાથી મોટો પશ્ચાતાપ અને પોતે જે કર્યું છે એની જવાબદારી લેવાથી મોટી હિંમત
જગતમાં બીજી કોઈ નથી. જો આપણે જ આપણા ભૂતકાળને નકારી દઈએ તો એમાંથી આપણે જે
શીખ્યા છીએ એ જ્ઞાન અને સમજણ દુનિયા સાથે કેવી રીતે વહેંચી શકીએ? આ જગતમાં આવેલા દરેક
માણસની જવાબદારી છે કે એ જ્યારે જગત છોડીને જાય ત્યારે પોતાના જીવનમાંથી મળેલું જ્ઞાન કે
સમજણ એણે આવનારી પેઢીઓ માટે મૂકીને જવાનું છે… ગુનાહનો ગર્વ ન જ હોઈ શકે, અંગત
સંબંધોમાંથી સનસનાટી ન જ નીપજાવી શકાય, ભૂલને ગ્લોરિફાઈ કરીને નવી પેઢીને ઉશ્કેરવી એ સમાજ
પ્રત્યેની બેવફાઈ છે, પરંતુ પોતાની ભૂલ કે તૂટેલા સંબંધમાંથી આવનારી પેઢી માટે સમજણ અને
સારાઈનું, પ્રામાણિકતા અને પ્રેમનું જીપીએસ તૈયાર કરીને એમને સાચી રાહ પર ચાલવામાં મદદ કરવી
એ આપણા અસ્તિત્વનો અર્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *