ફિર આપ કે નસીબ મેં યે બાત હો ન હો…

હિન્દી સિનેમાના સુવર્ણકાળમાં જે દિગ્દર્શકોએ યાદગાર ફિલ્મો આપી એમાંના એક રાજ
ખોસલા. એમનો જન્મ લુધિયાણામાં થયો. શાસ્ત્રીય સંગીતમાં ટ્રેઈન, ઓલ ઈન્ડિયા રેડિયો પર
સંગીત વિભાગ સંભાળતા રાજ ખોસલાએ જીવનમાં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે, એ ફિલ્મો
બનાવશે… ફિલ્મોમાં એમનો રસ જરૂર હતો. એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમની મુલાકાત દેવ
આનંદ અને ગુરૂદત્ત સાહેબ સાથે થઈ. મિત્રતામાં એક દિવસ એમણે જણાવ્યું કે, એમને ફિલ્મોમાં રસ
છે. ગુરૂદત્ત સાહેબે એમને પોતાના સહાયક તરીકે બોલાવી લીધા. ગુરૂદત્ત એક એવા કલાકાર હતા
જેમને નવા નવા કલાકારોને પ્લેટફોર્મ આપવામાં રસ હતો. એમણે જોયું કે, રાજ ખોસલાએ ફિલ્મ
આર્ટ્સના બેનર હેઠળ ગીતા બાલી અને દેવ આનંદને લઈને એક ફિલ્મ બનાવી, ‘મિલાપ’ જે સફળ
ન થઈ શકી, પરંતુ ફિલ્મ ખરાબ નહોતી. એમણે ગુરૂદત્ત ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ રાજ
ખોસલાને દિગ્દર્શક તરીકે ફિલ્મ આપી. એ ફિલ્મમાં વહીદા રહેમાન પણ પહેલીવાર હિન્દી સિનેમાના
પડદે રજૂ થયા. ‘સીઆઈડી’ (1956). એ ફિલ્મ સુપરહિટ પૂરવાર થઈ અને એ પછી રાજ
ખોસલાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી, જેમાં ‘કાલા પાની’ (મધુબાલા), ‘બમ્બઈ કા બાબુ’
(સુચિત્રા સેન), ‘વો કૌન થી’, ‘મેરા સાયા’, ‘અનિતા’ (સાધના), ‘દો રાસ્તે’, ‘પ્રેમ કહાની’ (મુમતાઝ),
‘કચ્ચે ધાગે’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘દો પ્રેમી’ (મૌસમી ચેટર્જી), ‘દોસ્તાના’, (ઝીનત અમાન) ‘શરીફ
બદમાશ’ (હેમા માલિની), ‘દાસી’ (રેખા), ‘મૈં તુલસી તેરે આંગન કી’ (નૂતન) જેવી ફિલ્મો માટે રાજ
ખોસલાને આજે પણ યાદ કરવામાં આવે છે. રાજ ખોસલા એક સારા દિગ્દર્શક અને લેખક હતા.

જાણીતા સંગીતકાર મદનમોહન એક ધૂન લઈને દિગ્દર્શક રાજ ખોસલા પાસે ગયા. કોણ જાણે
કયા મૂડમાં રાજ ખોસલાએ એ ધૂન રિજેક્ટ કરી નાખી. બહુ ઓછા લોકો જાણે છે કે રાજ ખોસલા
પોતે ઓલ ઈન્ડિયા રેડિયોના અપ્રુવ્ડ સિન્ગર હતા. એમની સંગીતની સમજ ઘણી સારી હતી એટલે
એમણે રિજેક્ટ કરેલી ધૂન વિશે આગળ ચર્ચા કરવાની કોઈ ગૂંજાઈશ રહેતી નથી, પરંતુ પોતાની ધૂન
વિશે અત્યંત આત્મવિશ્વાસ ધરાવતા મદનમોહન એ ધૂન લઈને ફિલ્મના હીરો મનોજકુમાર પાસે
ગયા. એમણે મનોજકુમારને એ ધૂન સંભળાવી. મનોજકુમાર ત્યારે સ્ટાર હતા અને એમની પણ
સંગીતની સમજ ખૂબ સારી હતી. રાજ ખોસલાને સમજાવવા માટે મનોજકુમાર અને મદનમોહન
ફરી પાછા એ ધૂન લઈને ગયા. રાજ ખોસલા સાહેબે ધૂન સાંભળી અને પછી પોતાની ચપ્પલ કાઢીને
પોતાના માથામાં મારી. એમણે કહ્યું, ‘આટલી સારી ધૂન મેં કેવી રીતે રિજેક્ટ કરી હતી!’ એ ધૂન હતી, ‘લગ
જા ગલે ફિર યે હસીં રાત હો ના હો…’

કેટલીકવાર આપણા બધા સાથે આવું થાય છે. કશીક અદભૂત વસ્તુ, અણમોલ વિચાર કે
મહત્વના સંબંધને આપણે ઝાઝું સમજ્યા વગર જ રિજેક્ટ કરી નાખીએ છીએ. કોઈ બીજી વ્યક્તિ એ
વસ્તુને જુદી રીતે જુએ, કે એને આપણી સામે જુદી રીતે મૂકે ત્યારે આપણને સમજાય કે આપણે કેટલી
મહત્વની બાબતને નગણ્ય કરી નાખી! આનું કારણ કદાચ એ છે કે, આપણી પાસે એક પરસેપ્શન છે.
માણસ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ છે. આપણને નજર સામે જેટલું દેખાય એટલું જ
ઓળખવા કે અનુભવવાની આપણને ટેવ પડી ગઈ છે. સત્ય તો એ છે કે, મોટાભાગની અનુભૂતિ,
આપણી સમજણ અને પરસેપ્શનની બહાર જ હોય છે.

રાજ ખોસલાએ એટલિસ્ટ મનોજકુમારની વાત સાંભળવાની તૈયારી બતાવી, તો એમને એક
અમર ધૂન મળી. આપણે મોટેભાગે આપણા અભિપ્રાય પછી કોઈને સાંભળવા તૈયાર જ નથી હોતા.
આપણને લાગે છે કે, આપણે જે માનીએ છીએ અથવા જે ધારીએ છીએ એ જ અંતિમ સત્ય છે અને
એમાં કોઈ ફેરફારની જરૂર નથી કદાચ, આ જડતાને કારણે જ કેટલીયે મહત્વની બાબતો આપણા
સુધી પહોંચતા પહેલાં જ વિખરાઈ જાય છે.

એની સાવ વિરુધ્ધ બાજુ એ છે કે, કેટલાક લોકો દરેક બાબતમાં અનેક લોકોના અભિપ્રાય
પૂછે છે. પોતે યોગ્ય વિચારે છે કે નહીં, પોતે જે કરે છે એ યોગ્ય છે કે નહીં એ વિશે હંમેશાં કોઈકનું
એન્ડોર્સમેન્ટ, સહમતિ અને સપોર્ટ જોઈતા હોય છે. આવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય
છે અને એ પહેલી નિષ્ફળતાથી જ ગભરાઈ જાય છે. બીજી વખત પ્રયાસ કરવાની હિંમત તો કરવી
જ પડે, બીજો પ્રયાસ પણ નિષ્ફળ થાય, ત્રીજો, ચોથો, પાંચમો પ્રયાસ પણ નિષ્ફળ થઈ શકે, પણ
દરેક વખતે એ નિષ્ફળતામાંથી કશુંક શીખવાની આપણી તૈયારી હોવી જોઈએ. મોટાભાગના લોકો
એવું માને છે કે, સફળતા જ ધ્યેય છે, પરંતુ સત્ય એ છે કે, મુંબઈ ધડાકામાં દાઉદને મળેલી સફળતા
કોઈ મહાન અચિવમેન્ટ નથી!

આપણે કેટલીકવાર બીજા લોકોના અભિપ્રાયથી એટલા બધા દોરવાઈ જઈએ છીએ કે
આપણો પોતાનો અભિપ્રાય ભૂંસીને અન્ય લોકોની દ્રષ્ટિએ આપણને મૂલવવા લાગીએ છીએ. દરેકના
માપદંડ અલગ હોય છે. કોઈને 80 વર્ષે કામ કરતા બચ્ચન સાહેબ લોભિયા લાગે, તો કોઈને એમનો
આ ઉત્સાહ પ્રેરણાદાયી લાગે. દરેક પાસે પોતાનો અભિપ્રાય હોય છે, એ અભિપ્રાય એમના
અનુભવમાંથી મળેલું જ્ઞાન છે. આપણો અનુભવ એનાથી જુદો હોઈ શકે, આપણી માન્યતા પણ જુદી
હોઈ શકે અને એ જુદી માન્યતા કે જુદો અભિપ્રાય પ્રગટ કરતાં અચકાવવું કે ડરવું નહીં. આપણી વાત
તદ્દન ખોટી હોય તો પણ એક વિચાર તરીકે સામેની વ્યક્તિ સામે મૂકી જોવામાં ખોટું શું છે?

જરા વિચારી જુઓ, રાજ ખોસલાને આપણાથી સલાહ ન અપાય, એમણે રિજેક્ટ કરેલી ધૂન
ખરાબ જ હશે… એવું વિચારીને જો મનોજકુમારે પ્રયાસ પણ ન કર્યો હોત તો આપણને એક અમર
ગીત ન મળ્યું હોત! બાય ધ વે, આજે રાજ ખોસલાનો જન્મદિવસ છે. જો એ હોત તો 98 વર્ષના
હોત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *