પ્રકરણ – 16 | આઈનામાં જનમટીપ

સફેદ રંગની અલ્કાઝાર ગાડીમાં બેહોશ મંગલસિંઘ પાછળની સીટમાં પગે ફ્રેક્ચર અને હોસ્પિટલના કપડાં
પહેરીને પડ્યો હતો. આગલી સીટમાં બેઠેલો માણસ વારેવારે પાછળ ફરીને જોઈ રહ્યો હતો. મંગલસિંઘને સિટબેલ્ટ
બાંધીને એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે, એ હલે તો પણ સીટ પરથી લસરીને નીચે ન પડે.

પાછળની સીટ ખોલીને સેવન સીટર ગાડીમાં પાછળ બેઠેલો એક માણસ સતત મંગલસિંઘ પર વોચ રાખી
રહ્યો હતો. ગાડી 120ની સ્પીડે સડસડાટ જઈ રહી હતી. મુંબઈ શહેરનો ટ્રાફિક વટાવીને હવે ગાડી થાણેના રસ્તે
થઈને યેવાઈ, વડપે અને પડઘા તરફ આગળ વધી રહી હતી. મહારાષ્ટ્રનો આ એક એવો હિસ્સો હતો જે રસ્તે બહુ
લોકો પ્રવાસ કરતા નથી. નાના નાના ગામોમાં થઈને સિંગલ પટ્ટીના રસ્તા પર ગાડી ભયાનક ઝડપે આગળ વધી રહી
હતી. રાત પહેલાં મંગલસિંઘને કોઈપણ સંજોગોમાં એક એવા સેફ હાઉસમાં પહોંચાડવાનો હતો જ્યાં એને માટે
નાનકડી હોસ્પિટલ જેવો એક રૂમ અને બે ડૉક્ટરને તૈયાર રાખવામાં આવ્યા હતા. મંગલ મરી જાય તો દિલબાગસિંઘ
આખા મુંબઈને સળગાવી શકે એ વાતની રાહુલ તાવડેને બરાબર ખબર હતી. રાહુલ તાવડેનો પક્ષ, જે અત્યારે
મહારાષ્ટ્રમાં બહુમતિમાં હતો. એના હિન્દુ નેતાઓ અને દિલબાગ વચ્ચે સારી એવી સાંઠગાંઠ હતી, રાહુલ કોઈ ભૂલ
કરવા નહોતો માગતો, પરંતુ મંગલસિંઘ મોઢું ખોલે તો ઘણા બધા લોકો ફસાઈ જાય એવી એને ખબર હતી. એણે
કોઈને ય પૂછ્યા વગર મંગલસિંઘને હોસ્પિટલમાંથી ઉઠાવી લીધો હતો. અત્યારે કોઈની સાથે વાત કરવા જેટલો સમય
નહોતો કારણ કે, મંગલસિંઘ જે રીતે ઈમોશનલ થઈને કન્ફેશન કરવાની ધમકી આપી ચૂક્યો હતો એ પછી રાહુલ એક
મિનિટ પણ વેડફવા નહોતો માગતો. મંગલ મુંબઈથી ત્યાં પહોંચે ત્યાં સુધીમાં એણે મહારાષ્ટ્રના એક નાનકડા ગામડામાં
અદ્યતન સુવિધાઓ સાથે કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી દીધી હતી.

‘એ બદલાવા માગતો હતો, કન્ફેશન કરવા માગતો હતો, એને તક મળવી જ જોઈએ’ કહેતાં કહેતાં શ્યામાનું
ગળું ભરાઈ આવ્યું, એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. શ્યામાને પોતાને નવાઈ લાગી કે જે માણસે એની સાથે
અમાનુષી વર્તન કર્યું એને માટે પોતાને દુઃખ કેમ થઈ રહ્યું હતું!

નાર્વેકરને એવી બરાબર ખબર હતી કે, મંગલસિંઘને હોસ્પિટલમાંથી લઈ જવાનું કાવતરું રાહુલ તાવડે સિવાય
બીજું કોઈ કરી શકે જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર સામે સીધો આક્ષેપ કરવો શક્ય નહોતો. એની પહોંચ
અને ક્રૂરતા બંને વિશે નાર્વેકર બરાબર જાણતો હતો. મંગલસિંઘ નહીં માને તો એને પતાવી નાખતા રાહુલને એક ક્ષણ
પણ ખચકાટ નહીં થાય એ વાતની ખાતરી સાથે નાર્વેકર અતિશય બેચેન હતો. એ ફોન મૂકીને વણીકર પાસે ગયો.
વણીકર નિરાંતે ફોનના સ્ક્રીન ઉપર કોઈ રીલ જોઈ રહ્યો હતો.

‘સર…’ નાર્વેકરનો અવાજ ઉશ્કેરાટમાં ઊંચો થઈ ગયો, ‘મંગલસિંઘ ગાયબ છે.’
‘શું… શું વાત કરે છે.’ લોક-અપમાં બેઠેલા દિલબાગ અને વિક્રમજિતે આ સાંભળ્યું. ખૂણામાં બેઠેલો દિલબાગ
દોડીને સળિયા પાસે આવ્યો. સળિયા તોડી શકાતા હોત તો તોડી નાખ્યા હોત એવી તાકાતથી એણે લોક-અપના
દરવાજાને હચમચાવ્યો. દિલબાગને સળિયા પાસે ઊભેલો જોઈને વણીકર શિયાંવિયાં થઈ ગયો, ‘ધીરે બોલ.’ એણે
નાર્વેકરને કહ્યું.

‘ક્યા હુઆ મંગલ કો.’ દિલબાગે રાડ પાડી.
‘કુછ નહીં.’ વણીકરે ડરતાં ડરતાં કહ્યું, ‘વો જરા… મતલબ કી.’ એને જવાબ સૂઝ્યો નહીં.
‘મેં સાંભળ્યું.’ વિક્રમજિતે બૂમો પાડવા માંડી, ‘ભૈયાજી હોસ્પિટલ મેં નહીં હૈ. કોણ લઈ ગયું?’ એણે પૂછ્યું,
‘પોલીસ પહેરો હતો ને? તમારો જ માણસ ફૂટી ગયો. બાકી હોસ્પિટલની ભીડમાંથી કોઈ એને કાઢી જાય…’
‘આમાં પેલી ડૉક્ટરણીનો હાથ છે.’ દિલબાગે કહ્યું, ‘મને ખબર જ હતી કે જીવ બચાવીને એ સંત બનવાનો
ઢોંગ કરે છે, પણ છેલ્લે તો એ પોતાનું વેર લઈને જ રહી.’
‘ડૉ. શ્યામાએ કંઈ નથી કર્યું.’ નાર્વેકરે આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘એ તો બિચારી…’
‘કોઈ બિચારી નથી.’ દિલબાગને ખાતરી હતી કે જે કંઈ થયું છે એમાં શ્યામાનો જ વાંક છે, ‘તમે મને ચોવીસ
કલાક માટે છોડો.’ દિલબાગે અકળાઈને કહ્યું, ‘હું મંગલને શોધીને એને સુરક્ષિત જગ્યાએ પહોંચાડીને પાછો આવીશ.’
‘અરે યાર…’ વણીકર ગભરાઈ ગયો. એની પાસે રાહુલ તાવડેની સૂચના હતી. એક તરફથી દિલબાગનું ન
સાંભળે તો આ માણસ કંઈપણ કરી શકે એમ હતો, બીજી તરફ હોમ મિનિસ્ટરે આડકતરી રીતે એને નહીં છોડવાની
અને એના ઉપર પગલાં લેવાની સૂચના આપી જ દીધી હતી. વણીકરને સૂડી વચ્ચે સોપારી જેવી મૂંઝવણ થઈ ગઈ.
એણે નાર્વેકર તરફ જોયું. નાર્વેકર એની મૂંઝવણ સમજી ગયો. એને એક તરફથી હસવું આવ્યું અને બીજી તરફથી વર્દી
પહેરી હોવા છતાં ગુંડાઓની ગુલામી કરતાં આ ઉપરી અધિકારી તરફ ચીડ ચડી ગઈ.
‘એવું તો ન થઈ શકે.’ નાર્વેકરે સહેજ વિચારીને વણીકરને બદલે જવાબ આપ્યો, ‘પણ હા, તમને કોના પર શક
છે એ કહો તો અમે અમારી રીતે તપાસ…’

‘પોલીસ કેવી તપાસ કરે છે એ ખબર છે મને.’ દિલબાગ હવે ઉશ્કેરાઈ ગયો હતો. એ પોતે સળિયા પાછળ
હતો અને એનો એકનો એક દીકરો ગૂમ હતો. ફ્રેક્ચર અને અધૂરી ટ્રીટમેન્ટ સાથે એને કોઈ ઊઠાવી ગયું હતું એ વાતે
દિલબાગનો જીવ તાળવે ચોટ્યો હતો. આ બે જણાં હજી ચર્ચા કરતાં હતા એ જોઈને એને એટલો ગુસ્સો આવ્યો કે
એનું ચાલ્યું હોત તો એણે આ બંને જણાંના ગળાં દબાવી દીધા હોત. એણે ફરી સળિયા હચમચાવ્યા, ‘મને ચોવીસ
કલાક આપો.’ ગુસ્સાને ગળી જઈને એણે લગભગ વિનંતીના સૂરમાં કહ્યું, ‘મારા દીકરાને કંઈ થઈ જશે તો…’ આટલું
બોલતાં બોલતાં તો એ રાક્ષસ જેવા માણસના ગળામાં ડૂમો ભરાઈ ગયો, ‘હું એ ડૉક્ટરનો જીવ લઈ લઈશ.’ એણે કહ્યું.
‘હું તમને ફરી કહું છું, ડૉક્ટરે કંઈ નથી કર્યું.’ નાર્વેકરે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એણે જાણી જોઈને
મંગલસિંઘના કન્ફેશનવાળી વાત દિલબાગને કહેવાનું ટાળ્યું. એણે ધીરેથી કહ્યું, ‘તમને છોડવાનો હુકમ નથી.’
વણીકરની આંખો પહોળી થઈ ગઈ, છતાં નાર્વેકર કહેતો રહ્યો, ‘તમે જેના જોર પર કૂદો છો એ જ માણસે તમારી સાથે
કડક વર્તન કરવાની સૂચના આપી છે.’ દિલબાગ એની સામે જોઈ રહ્યો, ‘આ બધા કોઈના થયા નથી ને કોઈના થશે
નહીં.’
‘કોની વાત કરો છો?’ દિલબાગે પૂછ્યું. નાર્વેકર જવાબમાં માત્ર હસ્યો. દિલબાગ વધુ ઉશ્કેરાઈ ગયો, ‘તમે મને
ગમે એટલું ભડકાવો, હું કંઈ તમારી વાતમાં આવી જાઉ એમ નથી.’
‘નહીં માનતા.’ નાર્વેકરે કહ્યું, ‘અત્યારે તો તમારે મંગલસિંઘની ચિંતા કરવી જોઈએ. જેના ઉપર શક કરો છો ને
એણે તો જીવ બચાવ્યો છે, ને જેના પર ભરોસો છે એણે જ તમારો ભરોસો તોડ્યો છે એમ કહું તો શું કરશો?’
‘તમને લાગે છે કે, રાહુલ…’ હવે વિક્રમજિતથી બોલ્યા વિના ન રહેવાયું. સામાન્ય રીતે દિલબાગ વાત કરતો
હોય ત્યારે વિક્રમજિત આમન્યા રાખતો, બાઉજી વાત કરતા હોય ત્યારે ભાગ્યે જ કોઈ વચ્ચે બોલતું, પણ અત્યારે
નાર્વેકરની વાત સાંભળીને વિક્રમજિતને લાગ્યું કે કદાચ એ સાચું કહી રહ્યો હતો.

‘મેં કોઈનું નામ નથી લીધું.’ નાર્વેકરે કહ્યું, ‘તમારે જ વિચારવું જોઈએ કે મંગલસિંઘને ઊઠાવવાથી કોને ફાયદો
થાય.’
‘એને શું ફાયદો થાય?’ દિલબાગે પૂછ્યું.
‘એના સિવાય કોઈને ફાયદો ન થાય.’ નાર્વેકરે કહ્યું. હવે વણીકર ચીડાઈ ગયો. એને સમજાતું હતું કે, નાર્વેકર
ધીમે ધીમે દિલબાગને ઉશ્કેરી રહ્યો હતો. દિલબાગ ઉશ્કેરાય તો શું કરી શકે એની વણીકરને બરાબર સમજ હતી. એના
મગજમાં અત્યારે એના રિટાયરમેન્ટ સિવાય કોઈ વિચાર જ નહોતો એટલે રિટાયરમેન્ટના છેલ્લા થોડા મહિનાઓમાં
એના લોક-અપમાં કોઈ કાંડ થાય એ વણીકરને કોઈ રીતે મંજૂર નહોતું. એણે ડોળા કાઢ્યા.
‘મને બહાર કાઢો…’ હવે દિલબાગ જીદ પર આવી ગયો હતો, ‘કેટલા રૂપિયા જોઈએ છે?’ એણે પૂછ્યું.
‘રૂપિયા?’ નાર્વેકર ફરી હસ્યો, ‘તમને સમજાતું નથી? તમે અત્યારે કસ્ટડીમાં સેફ છો. કોઈ તમને હાથ નહીં લગાડી
શકે. એકવાર ખુલ્લા મેદાનમાં આવી ગયા તો તમને અને તમારા દીકરા બંનેને…’
‘ચૂપ!’ હવે વણીકરને લાગ્યું કે, વાત અટકાવવી પડશે, ‘તું ચૂપ રહે.’ એણે નાર્વેકરને કહ્યું, પછી દિલબાગ તરફ
ફરીને કહ્યું, ‘તમે પણ શાંતિ રાખો. હું કંઈ કરું છું.’ વણીકરનું મગજ ભમવા લાગ્યું હતું. એ પોતાની ખુરશી તરફ ગયો.
અંદર જઈને એણે રાહુલ તાવડેના પીએને ફોન કર્યો, ‘સાહેબ! મંગલસિંઘ ગૂમ છે.’
‘તમને કોણે કહ્યું?’ અવિનાશકુમારના અવાજમાં જરાય આશ્ચર્ય કે આઘાત નહોતો. વણીકરના બધા રડાર
ખૂલી ગયા. આટલા વર્ષ પોલીસમાં નોકરી કર્યા પછી એને એટલું તો સમજાતું જ હતું કે, અવિનાશકુમારને આ
સમાચાર સાંભળ્યા પછી જો આશ્ચર્ય કે આઘાત નથી લાગતા તો નાર્વેકરની વાતમાં દમ હતો. એણે અવિનાશકુમારને
સીધું જ પૂછ્યું, ‘સાહેબ આમાં ક્યાંક આપણે તો…’
‘તમે તમારું કામ કરો.’ અવિનાશકુમારે તોછડાઈથી કહ્યું, ‘તમે કશું જાણતા જ નથી. તમારી પાસે ઓફિશિયલ
ફરિયાદ આવી છે?’ વણીકર બઘવાઈ ગયો, ‘જે વાતની આપણી પાસે માહિતી ન હોય એ વાતમાં ડહાપણ નહીં
કરવાનું.’ અવિનાશકુમારના અવાજમાં ધમકી હતી, ‘શાંતિથી જુહુ પોલીસ સ્ટેશનમાંથી રિટાયર થાઓ. કારણ વગર શું
કામ છેલ્લા દિવસોમાં મહારાષ્ટ્રના કોઈ ગામડામાં કુટાવું છે તમારે?’
‘પણ સાહેબ…’ વણીકર બોલવા ગયો, ‘અહીં દિલબાગને સાચવવો અઘરો થઈ ગયો છે.’
‘દિલબાગ?’ અવિનાશકુમારનું મગજ છટક્યું, ‘દિલબાગને કોણે કહ્યું?’
‘કોઈએ કહ્યું નથી. એણે સાંભળ્યું.’ વણીકર થોથવાઈ ગયો, ‘સાહેબ… તમે તો દિલબાગને ઓળખો છો…
દીકરા માટે જીવ આપી દેશે, જીવ લઈ પણ લેશે.’ વણીકરનું વાક્ય પૂરું થાય એ પહેલાં એની ચીસ નીકળી ગઈ. એની
નજર સામે દિલબાગ ઊભો હતો, ‘તમે?’ વણીકરના ટાંટિયા ધ્રૂજવા લાગ્યા.
‘મેં કહ્યું હતું તને… મને બહાર કાઢ.’ અવિનાશકુમારનો ફોન હજી ડિસકનેક્ટ નહોતો થયો. સામે છેડે એ
દિલબાગનો અવાજ સાંભળી રહ્યા હતા, ‘તું ગાંઠ્યો નહીં મને. હવે હું જાતે બહાર નીકળ્યો છું.’ દિલબાગના
અવાજમાં એક વિચિત્ર પ્રકારની ધમકી હતી, ‘દિલબાગસિંઘને કોઈ ત્યાં સુધી જ અંદર રાખી શકે જ્યાં સુધી એ રહેવા
માંગે. હું મારી મરજીથી બેઠો હતો, તને એમ હતું કે તેં મને પૂર્યો છે.’ એ હસ્યો. એણે વણીકરના હાથમાં ફોન જોયો.
દિલબાગે જરા જોરથી કહ્યું, ‘કહી દે તારા સગાંવહાલાને. દિલબાગસિંઘ બહાર છે. જેણે મારા દીકરાને હાથ લગાવાની
હિંમત કરી હશે એનો હાથ ઉખાડીને એના મોઢામાં ખોસી દઈશ. દિલબાગસિંઘ નામ છે મારું… ભૂલતા નહીં.’ એ
કશું બન્યું જ ન હોય એટલી સહજતાથી જુહુ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો. વણીકર ત્યાં જ ઊભો ઊભો
ધ્રૂજતો રહ્યો. થોડીવાર પછી એનામાં એની નાનકડી કેબીનમાંથી બહાર નીકળીને લોક-અપ તરફ જવાની હિંમત
આવી ત્યારે એણે જઈને જોયું તો નાર્વેકર જમીન પર બેહોશ પડ્યો હતો. એના માથામાં લોહી નીકળી રહ્યું હતું.
વિક્રમજિત હજી ત્યાં જ, કશું બન્યું જ ન હોય એવી રીતે નિરાંતે બેઠો હતો. લોક-અપનો દરવાજો ખુલ્લો હતો અને
તાળું તૂટેલું હતું.

‘સાહેબ…’ વણીકરે ફરી ફોન લગાવ્યો.
‘ગધેડા છો તમે.’ અવિનાશકુમારના અવાજમાં ભયાનક ગુસ્સો અને અકળામણ હતી.
‘પણ હું શું કરું?’ વણીકર લાચાર હતો, ‘એ તો એની મેળે જ…’
‘કંઈ ન કરો તમે…’ અવિનાશકુમારે બે-ચાર ગંદી ગાળો ચોપડાવી ને ઉમેર્યું, ‘આમ પણ તમારાથી કંઈ થાય એમ
નથી. હવે મારે જ કરવું પડશે.’ એણે ફોન કાપી નાખ્યો. એણે રાહુલને ફોન લગાડ્યો. રાહુલ તાવડેની કેબીનમાં પક્ષના
બે-ચાર માણસો બેઠા હતા. અવિનાશનો ફોન જોયા છતાં રાહુલે ફોન ઉપાડ્યો નહીં એટલે એ ઝડપથી રાહુલ તાવડેની
કેબીનમાં પહોંચ્યો. ત્યાં બે-ચાર માણસો બેઠા હતા, પણ તાવડે અને અવિનાશકુમાર વચ્ચે ગજબનો તાલમેલ હતો.
અવિનાશના ચહેરા પર દેખાતી ચિંતા અને ઉદ્વેગ જોઈને તાવડે સમજી ગયો.
એણે અવિનાશને પૂછ્યું, ‘પાર્સલ પહોંચી ગયું?’
‘પાર્સલ…’ અવિનાશ સહેજ ગૂંચવાયો. એણે ધીમેથી કહ્યું, ‘હાર્ટનું ઓપરેશન ફેલ થઈ ગયું.’
‘હેં!’ એક સેકન્ડ માટે રાહુલને સમજાયું નહીં, પણ પછી એને ‘દિલ’ સમજાયું. એની આંખો પહોળી થઈ ગઈ,
‘કેવી રીતે? ડૉક્ટર તો ખૂબ સારા હતા.’
‘હા, પણ…’ અવિનાશકુમારે ડોકું ધૂણાવ્યું, ‘હોસ્પિટલમાં એ લોકો ધ્યાન ન રાખી શક્યા.’
‘હવે?’ રાહુલે પૂછ્યું.
‘હું જાતે જાઉ છું. મને ખાતરી છે કે, છેલ્લે તો એ આપણી જ હોસ્પિટલમાં આવશે.’ કહીને અવિનાશ બહાર
નીકળ્યો. એણે સિફતથી રાહુલને સમજાવી દીધું હતું કે, દિલબાગસિંઘ ભાગી ગયો છે. પોલીસ સ્ટેશનમાં એનું ધ્યાન
રાખી શકાયું નથી અને છેલ્લે કોઈપણ સ્થિતિમાં એ પોતાના દીકરાને શોધતો એમને ત્યાં જ આવશે. હવે પક્ષના
માણસો સાથે વાત કરવામાં રાહુલનું ધ્યાન નહોતું. એ કોઈપણ રીતે દિલબાગ સુધી પહોંચવા બેચેન થઈ ગયો.

મહારાષ્ટ્રના એક નાનકડા ગામ વાસિંદમાં પહોંચીને એ અલ્કાઝાર ઊભી રહી. ત્યાંના એક હવેલીનુમા મકાનમાં
મંગલસિંઘને સાચવીને અંદર લઈ જવામાં આવ્યો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *