પ્રેમ એટલે પ્રેમઃ હોલિવૂડ અને બોલિવૂડનો સેમ!

‘ધ રોમેન્ટિક્સ’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ યશ ચોપરાના જીવન અને એમની ફિલ્મો
ઉપર બનાવવામાં આવી છે. આદિત્ય ચોપરા, જે સામાન્ય રીતે ક્યારેય જાહેરમાં આવતા નથી એમના
ઈન્ટરવ્યૂ સહિત બોલિવૂડની હસ્તીઓ જેવા કે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન,
આમિર ખાન, રિતીક રોશન, સલિમ ખાન, સૂરજ બરજાત્યા, અનિલ કપૂર, રણબીર કપૂર, જ્હોન
અબ્રાહમ, જુહી ચાવલા, કાજોલ, કેટરિના કૈફ, રિશી કપૂર, કરણ જોહર, માધુરી દિક્ષીત, નીતુ સિંઘ,
અનુષ્કા શર્મા, અભિષેક બચ્ચન, સૈફ અલી ખાન, આયુષ્માન ખુરાના, અર્જુન કપૂર, અનુપમ ખેર,
ભૂમી પેડનેકર, ઉદય ચોપરા, રણવીર સિંઘ અને રાની મુખર્જી જેવા અનેક લોકોએ યશ ચોપરા સાથે
પોતાના અનુભવ શેર કર્યા છે. હજી હમણા જ ‘કુછ કુછ હોતા હૈં’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’
જેવી ફિલ્મોને યાદ કરવામાં આવી રહી છે ત્યારે, કેટલીક હોલિવૂડ (અંગ્રેજી) ફિલ્મોને પણ યાદ કરવી
જોઈએ જે આજે માતા-પિતા બની ગયેલા 50ની ઉંમર વટાવી ગયેલા ઘણા લોકો માટે એમના
રોમેન્સની સ્મૃતિ છે.

જેમાંની કેટલીક ફિલ્મોના ટાઈટલ તો કોઈ ફ્રેઈઝ કે કહેવત જેવા બની ગયા છે! આ
એવી ફિલ્મો છે જેની વાર્તાઓ એકવાર નહીં, અનેકવાર હિન્દી અને અન્ય ભાષાઓમાં ફરી ફરીને
બની ચૂકી છે. આ એવી રોમેન્ટિક ફિલ્મો છે, જે આજે પણ જોઈએ તો આપણને જૂની કે વિતી
ગયેલી કથા નહીં, બલ્કે જાણે કે આજની જ વાર્તા હોય એટલી નવી અને રસપ્રદ લાગે છે. 1934માં
બનેલી ફિલ્મ ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ ક્લર્ક ગેબલ અને ક્લાઉડેટ કોલબર્ટ, વોર્ટલ કેનોલી અને રોઝકો
કાર્ન્સ સાથે બનેલી એક ફિલ્મ, જેના ડિરેક્ટર ફ્રાન્ક કાપરા હતા. એ ફિલ્મને બેસ્ટ એક્ટર, બેસ્ટ
એક્ટ્રસ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ લખાણના એકેડેમી (ઓસ્કાર) એવોર્ડ મળ્યા હતા. ફિલ્મની
વાર્તામાં એક બગડેલી છોકરી એલિ એન્ડ્રુસ એક પ્લેબોય પાયલટ સાથે લગ્ન કરે છે. એના પિતા આ
લગ્ન સ્વીકારવા તૈયાર નથી. એલિ ભાગી જાય છે અને રસ્તામાં એક અખબારના રિપોર્ટરને મળે છે
જે એને કહે છે કે, એ એને એના પતિને મળવામાં મદદ કરશે. જો એલિ એને પોતાના જીવન વિશે
સ્કૂપ આપે… અહીંથી શરૂ થાય છે એક રોમેન્ટિક પ્રવાસ અને એક એવી રિલેશનશિપ જે આ ફિલ્મની
અદભૂત કથા છે. એવી જ એક બીજી ફિલ્મ ‘રોમન હોલિડે’ જેમાં ગ્રેગરી પેક અને ઓડ્રી હેપબર્ન
રાજકુમારી અને પત્રકારનો રોલ કરે છે. ક્રાઉન પ્રિન્સેસ ઘરમાંથી ભાગી જાય છે કારણ કે, એ સતત
નિયંત્રણો વચ્ચે નથી રહી શકતી. એને પણ એક પત્રકાર મળે છે જે સ્કૂપ શોધી રહ્યો છે. રાજકુમારીને
પોતાને ત્યાં લઈ જાય છે, એના ફોટા પાડે છે અને અખબારના માલિકને જબરજસ્ત સ્ટોરી આપવાનું
વચન આપે છે, પરંતુ દરમિયાનમાં બંનેને પ્રેમ થઈ જાય છે અને છેલ્લે જ્યારે ક્રાઉન પ્રિન્સેસ પાછી
ફરી છે એ જાહેરાત સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે ત્યારે એ બધા જ ફોટા પ્રિન્સેસને આપીને
એ પત્રકાર ત્યાંથી નીકળી જાય છે! બેસ્ટ એક્ટ્રસ, બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન, બેસ્ટ રાઈટિંગના ઓસ્કાર
જીતવાની સાથે બીજા આઠ નોમિનેશન આ ફિલ્મને મળ્યા હતા. રાજકપૂરની ફિલ્મ ‘ચોરી ચોરી’ અને
પૂજા ભટ્ટ, આમિર ખાનની ફિલ્મ ‘દિલ હૈ કિ માનતા નહીં’ આ જ વાર્તા પર આધારિત હતી.

એવી જ એક ફિલ્મ, ‘એન અફેર ટુ રિમેમ્બર’ કેરી ગ્રાન્ડ અને ડેબોરાહ કેર સાથે લિયો
મેક્કેરી નામના દિગ્દર્શકે 1957માં બનાવી હતી. એ ફિલ્મને પાંચ ઓસ્કાર નોમિનેશન મળ્યા હતા.
નાઈટ ક્લબની સિંગર ટેરી એક દિવસ નિકીને મળે છે. એ લોકો એક જ ક્રૂઝ પર યુરોપથી ન્યૂયોર્ક જઈ
રહ્યા છે. સાથે અદભૂત સમય વિતાવ્યા પછી શું બને છે એની આ કથા છે. એ બંને જણાં એકમેકને
વચન આપે છે કે, બંને જણાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટેરેસ પર મળશે, પરંતુ ટેરી ત્યાં સમયસર
પહોંચી શકતી નથી. આ જ વાર્તાને હોલિવૂડમાં જ એકથી વધુ વાર બનાવવામાં આવી. ઈન્દ્રકુમારે
1999માં ‘મન’ નામથી બનાવી. બીજી એક ફિલ્મ ‘બ્રેકફાસ્ટ એટ ટિફનીઝ’ જે મૂળ ટ્રુમેન કાપોટેની
એક નવલકથા હતી, ટ્રુમેન ઈચ્છતા હતા કે એમાં મેરેલિન મોનરો રોલ કરે, પરંતુ મેરેલિન મોનરો
ત્યારે પોતાની ઈમેજ બદલવાના પ્રયાસમાં હતા એટલે એમણે કોલગર્લનો રોલ સ્વીકારવાની ના
પાડી. આ ફિલ્મ બનાવવામાં આવી ત્યારે એમાં ઓડ્રી હેપબર્ન અને જ્યોર્જ પેપાર્ડ હતા. 1961માં
બનેલી આ ફિલ્મને ચાર ઓસ્કાર મળ્યા હતા. હૉલિ નામની એક છોકરી જે કોઈની માલિક બનવા
નથી માગતી અને કોઈને પોતાના માલિક બનવા દેતી નથી એવી ફ્રી સ્પીરિટેડ છોકરીની આ કથા છે.
એ જ્યારે પણ દુઃખી થાય છે ત્યારે ટિફ્ની નામની જ્વેલરી શોપમાં જાય છે… એને એનો પૉલ
નામનો પડોશી મળે છે અને એમની વચ્ચે જે સર્જાય છે એની આ કથા છે. ઓડ્રી હેપબર્નને આ
રોલમાં અત્યંત પ્રસિધ્ધિ મળી હોવા છતાં એમને હંમેશાં એવું લાગતું રહ્યું કે, પોતે આ ફિલ્મ માટે
યોગ્ય કાસ્ટિંગ ન હતા.

અને, છેલ્લે એક ફિલ્મ જેનો ઉલ્લેખ કર્યા વગર રોમેન્ટિક ફિલ્મોની યાદી પૂરી ન થાય
એ ફિલ્મ એટલે ‘પ્રીટી વુમન!’ રિચાર્ડ ગેર અને જુલિયા રોબર્ટ્સની આ ફિલ્મ 1990ના દાયકાની
એવી ફિલ્મ હતી જે આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. એડવર્ડ લુઈસ નામનો એક કરોડપતિ માણસ
રસ્તા પરથી એક હુકર (સેક્સ વર્કર)ને ઉઠાવે છે અને સમય જતાં બંને જણાં સાચે જ પ્રેમમાં પડી
જાય છે. ગેરિ માર્શલના દિગ્દર્શનમાં આ ફિલ્મ માટે જુલિયા રોબર્ટ્સને ઓસ્કાર મળ્યો હતો…

આવી તો કેટલીય ફિલ્મોની વાત થઈ શકે… ‘વ્હેન હેરી મીટ સેલી’ જેના પરથી ‘જબ
હેરી મેટ સેજલ’ બનાવવામાં આવી. ‘નાઈન એન્ડ એ હાફ વિક્સ’, ‘એન ઓફિસર એન્ડ એ
જેન્ટલમેન’, ‘ફ્રેન્ચ લ્યૂટેનન્ટસ્ વુમન’ જેને છ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી. મેરિલ સ્ટ્રીપ અને
‘જેરેની આયર્ન્સની આ ફિલ્મ એક અદભૂત રોમેન્ટિક ફિલ્મ હતી. રોબર્ટ રેડફડ અને બાર્બરા
સ્ટ્રાઈસેન્ડની ફિલ્મ ‘ધ વે વી વેર’ પણ ચાર ઓસ્કાર સાથે 1973માં બનેલી એક અદભૂત ફિલ્મ હતી.

ભારતીય સિનેમામાં રોમેન્સની કથાઓ અનેક છે. આપણે પ્રેમકથા સાથે આપણી
સંસ્કૃતિ અને વાર્તાઓને ખૂબ ઝડપથી જોડી લઈએ છીએ કારણ કે, આપણે સ્વભાવે હૃદયથી
વિચારતાં લોકો છીએ, પરંતુ હોલિવૂડની પ્રેમકથાઓ પણ બહુ જ ઋજુ અને સુંદર રીતે કહેવાયેલી
પ્રેમકથાઓ છે. આજના કિશોરો જે ફક્ત સ્ટાર વોર્સ અને ઓશન વન ટુ થ્રી ફોર, અવતાર જેવી
ફિલ્મોથી જ હોલિવૂડને ઓળખે છે એમને માટે હોલિવૂડની આ પ્રેમકથાઓ પણ એકવાર જોવા જેવી
ફિલ્મો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *