સદગુરુ જગ્ગી વાસુદેવઃ જીવનશૈલી નહીં, જીવનના પ્રચારક

23મી સપ્ટેમ્બર, 1982ના દિવસે એક તેલુગુ પરિવારમાં જન્મેલો છોકરો પોતાની ગાડી
લઈને ચામુંડી હિલ પર જઈને બેઠો. મૈસુરની નજીક આવેલી આ જગ્યાએ એક પથ્થર પર બેઠા બેઠા
એને અનુભૂતિ થઈ કે એ પોતે શરીરમાંથી બહાર નીકળ્યો છે અને એનું અસ્તિત્વ પંચતત્વમાં વિલીન
થઈ રહ્યું છે. એ પોતાના સ્થૂળ શરીરને અનુભવી શકતો હતો, એટલે મૃત્યુ નહોતો પામ્યો-જીવિત
હતો તેમ છતાં શરીરમાંથી નીકળીને એને મળેલા આ અશરીરી અનુભવે એનું જીવન બદલી નાખ્યું.
એણે આ અનુભવને અન્ય લોકો સુધી પહોંચાડવા 1983માં મૈસુરમાં યોગા ક્લાસિસ શરૂ કર્યા. એ
પછી મોટરસાઈકલ ઉપર એણે કર્ણાટક અને આંધ્રપ્રદેશનો પ્રવાસ કર્યો. એને થોડા એવા લોકો મળ્યા
જે એના વિચારો સમજ્યા. એમણે સાથે મળીને આ યોગ આશ્રમને આગળ લઈ જવાનું નક્કી કર્યું…

આજે એ યોગ આશ્રમનું નામ ‘ઈશા ફાઉન્ડેશન’ છે અને એ તેલુગુ છોકરો જેનું નામ જગદીશ
વાસુદેવ હતું, એને આજે લોકો ‘સદગુરુ’ના નામે ઓળખે છે! કોઈમ્બતુર પાસે વેલિંગિરી પર્વતોની
તળેટીમાં આવેલો ઈશા ફાઉન્ડેશનનો આશ્રમ અનેક જ્ઞાનપિપાસુ અને સાધકો માટે જીવનની દિશા
શોધવાનું એક મહત્વનું સ્થળ છે. આપણે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર સદગુરુ જગ્ગી
વાસુદેવના અનેક વીડિયો જોઈએ છીએ. તેઓ યોગ દ્વારા જીવનશૈલી બદલવાનો એક નવતર
અભિગમ અને અનુભવ આપવાનો દાવો કરે છે.

જગદીશ વાસુદેવ (સદગુરુ) મૈસુર યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. શરૂઆતના વર્ષોમાં એમણે
એક પોલ્ટ્રી ફાર્મથી પોતાના જીવનની શરૂઆત કરી. એમાંથી સારી એવી આવક થતી હતી તેમ છતાં
એમના પરિવારને લાગતું હતું કે, પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ સન્માનનીય કે ગૌરવથી કોઈને કહી શકાય
એવો બિઝનેસ નથી, જ્યારે સદગુરુ (જગદીશ વાસુદેવ)નું કહેવું હતું કે, પોલ્ટ્રી ફાર્મના બિઝનેસમાં
એમને સ્વયં માટે ચિંતન અને સાધના કરવાનો ઘણો સમય મળતો હતો… જે દરમિયાન એમણે
જીવન, જીવનશૈલી અને એની સાથે જોડાયેલા જ્ઞાન અને સમજણ વિશે ચિંતન કર્યું. એમણે
કન્સ્ટ્રક્શનનો વ્યવસાય પણ કર્યો. વિજયા કુમારી એમના પત્ની છે અને રાધે જગ્ગી એમની પુત્રી છે.

સૌથી મહત્વની વાત એ છે કે, જગદીશ વાસુદેવ કોઈ એક ધર્મમાં માનતા નથી, કે ધર્મનો
પ્રચાર કરતા નથી… એ પર્યાવરણ, જીવનશૈલી, જીવન સાથે જોડાયેલા મહત્વના વિચારો અને માનવ
મનની વિટંબણાઓને કેવી રીતે ઉકેલી શકાય એ વિશે માર્ગદર્શન આપે છે.

ઈશા યોગ કેન્દ્ર, ઈશા ફાઉન્ડેશનના રક્ષણ હેઠળ સ્થાપિત છે. તે વેલિંગિરિ પર્વતોના ખીણપ્રદેશમાં
૧૫૦ એકર લીલીછમ જમીન પર આવેલ છે. ગાઢ જંગલો દ્વારા ઘેરાયેલ ઈશા યોગ કેન્દ્ર નીલગિરિ જૈવિક
મંડળનો એક ભાગ છે, જ્યાં સમૃદ્ધ વન્યજીવન હાજર છે. આંતરિક વિકાસ માટે રચાયેલ આ શક્તિશાળી
સ્થાન યોગના ચાર મુખ્ય માર્ગ – જ્ઞાન, કર્મ, ક્રિયા અને ભક્તિને લોકો સુધી પહોંચાડવા સમર્પિત છે. તેના
પરિસરમાં ધ્યાનલિંગ યોગ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.

૧૯૯૯ના વર્ષમાં સદગુરુ દ્વારા પ્રતિષ્ઠિત ધ્યાન લિંગ એવું પ્રથમ લિંગ છે, જેની પ્રતિષ્ઠતા પૂરી થઈ
છે. યોગ વિજ્ઞાનનો સાર ધ્યાનલિંગ ઊર્જાનો એક શાશ્વત અને અનન્ય આકાર છે. ૧૩ ફુટ ૯ ઇંચ ઊંચાઇ
ધરાવતું આ ધ્યાનલિંગ વિશ્વનું સૌથી મોટું પારદ-આધારીત જીવિત લિંગ છે. તે કોઈ ચોક્કસ સંપ્રદાય અથવા
મત સાથે સંબધિત નથી કે ન તો અહીં કોઇ વિધિ-વિધાન, પ્રાર્થના અથવા પૂજાની જરૂર હોય છે. જે લોકો
ધ્યાનના અનુભવથી વંચિત રહે છે, તેઓ પણ આ ધ્યાનલિંગ મંદિરમાં માત્ર થોડી મિનિટ સુધી મૌન બેસી
ધ્યાનની ઊંડી અવસ્થાનો અનુભવ કરી શકે છે. તેના પ્રવેશદ્વાર પર સર્વ-ધર્મ સ્તંભ છે, જેમાં હિન્દુ,
ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, તાઓ, પારસી, યહૂદી અને શિન્તો ધર્મના પ્રતીકો અંકિત છે, તે
ધાર્મિક મતભેદોથી વધુ ઉપર જઈ સમગ્ર માનવતાને આમંત્રિત કરે છે.

બાવા-સાધુ અને પાખંડી લોકોના ચક્કરમાં આવીને ઘર-પરિવાર બરબાદ કરતા, આર્થિક
નુકસાન ઉઠાવતા અને ખોટી રીતે ફસાઈ જતા અનેક લોકોને આપણે જાણીએ છીએ. જેમના અનેક
ફોલોઅર્સ હતા એવા રામરહીમ, આસારામ બાપુ અને બીજા ઘણા કહેવાતા સાધુઓ જ્યારે જેલમાં
છે ત્યારે સદગુરુ જીવનશૈલીને બદલે ‘જીવન’નું મહત્વ સમજવા ઉપર ભાર આપે છે.

માણસની અંદર રહેલી અપાર શક્તિઓને ઓળખીને જો માણસ પોતાની એ શક્તિઓને
યોગ અથવા ધ્યાન દ્વારા યોગ્ય રીતે ઉપયોગમાં લે તો એ ઘણું બધું પામી શકે એ વાત આજથી
સદીઓ પહેલાં આપણા ઋષિઓ અને વેદ કહી ગયા છે… કોઈ એક વ્યક્તિને આંખો મીંચીને ‘ફોલો’
કરવાને બદલે જ્ઞાન, સમજણ અને એના વિચારોને સમજીને જો જીવનમાં ઉતારી શકીએ તો આપણે
પણ આવો જ કોઈ અદભૂત આધ્યાત્મિક અનુભવ મેળવવા સદભાગી બની શકીએ, એમાં કોઈ શંકા
નથી.

આજે એમનો જન્મદિવસ છે. સદગુરુ જગ્ગી વાસુદેવને આજે 65 વર્ષ પૂરા થાય છે.

 જો તમે આનંદ મેળવવા માગો છો તો તમારે ભીતર જવું પડશે, કારણ કે એ તો
તમારી ભીતર જ જન્મે છે અને ત્યાં જ મળી શકે છે.
 જો તમારી ખુશી આસપાસની દુનિયા પર આધારિત છે તો હંમેશાં
બહારની પરિસ્થિતિના ગુલામ રહેશો, ક્યારેય પોતે નિર્ણય નહીં
કરી શકો.
 જ્યાં સુધી તમે એવું વિચારશો કે તમે જે છો એ માટે કોઈ અન્ય
વ્યક્તિ જવાબદાર છે ત્યાં સુધી તમે એવા નહીં બની શકો જેવી
તમારી કલ્પના છે અથવા જેવા તમે બનવા માગો છો.
 જીવનમાં અસફળતા જેવી કોઈ ચીજ હોતી નથી, અસફળતા એવા
લોકો માટેનો શબ્દ છે જે સતત પોતાની સરખામણી બીજા સાથે
કરે છે.
 જ્યારે તમે તમારી ચેતનાને ઓળખી જાઓ છો ત્યારે ક્રોધ, પ્રેમ,
આનંદ, માન, અપમાન, સફળતા, નિષ્ફળતા જેવી બાબતો એક
રમત બની જાય છે, જેનાથી તમે બાળકની જેમ રમો છો અને
પછી મુક્ત થઈ જાઓ છો.
 જો આપણે સ્વયંને બદલવા વિશે કોઈ વિચાર કે પ્રવૃત્તિ નથી
કરતા તો વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિની વાતો મનોરંજનથી
વધારે કંઈ નથી.
 બીજા પાસેથી જે અપેક્ષા રાખો છો એવા બનવાનો પ્રયત્ન કર્યા
વગર બીજાને બદલવાની અપેક્ષા મૂર્ખતા સિવાય કંઈ નથી.
 માણસ માત્ર આત્મશ્લાઘાની બિમારીથી પીડાય છે. આપણે કશું જ
નથી, આ વિશાળ જીવંત ગ્રહ ઉપર વિસ્તરેલા જીવનનો એક
નાનકડો અંશ માત્ર છીએ, એ કાયમ યાદ રાખીશું તો જ સ્વયંને
ઓળખી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *