એક સમાચાર મુજબ સુરતમાં છેલ્લા ચાર મહિનામાં 32 હજાર મહિલાના નામે 824
કરોડની સંપતિ નોંધાઈ છે. એવી જ રીતે અમદાવાદમાં લગભગ 54 હજાર મહિલા અને સમગ્ર
ગુજરાતમાં લગભગ સાત લાખ જેટલી મહિલાઓના નામે સંપતિ નોંધાઈ છે. આનું મુખ્ય કારણ એ
છે કે, ગુજરાત સરકારે મહિલાના નામે થતા દસ્તાવેજની નોંધણી ફીમાં એક ટકાની છુટ આપી છે.
આપણને ક્યારેક લાગે કે આ એક ટકો એટલે કેટલા? પરંતુ, ત્રણ કરોડમાંથી એક ટકો એટલે ત્રણ લાખ
રૂપિયા થાય, એવી જ રીતે દસ કરોડના દસ લાખ રૂપિયા… તેમ છતાં, સ્ટેમ્પ ડ્યુટીના પૈસા બચાવવા
માટે સ્ત્રીનાં નામે રજિસ્ટર્ડ થતી પ્રોપર્ટીઝમાંથી ફક્ત 17 ટકા સ્ત્રીઓનાં નામે છે. બાકીની 83 ટકા
પ્રોપર્ટી પુરુષોના નામે છે. સ્ત્રીનું નામ બીજું હોઈ શકે, નોમિની (વારસદાર) તરીકે પત્ની, પુત્રી કે
બહેનનું નામ જોવા મળે છે, પરંતુ મહત્વની પ્રોપર્ટીઝ જેવું કે, ઘર, બંગલો કે ઓફિસની જગ્યા પત્ની
કે દીકરીનાં નામે રજિસ્ટર કરતાં પુરુષો હજી પણ ગુજરાતમાં તો છે, પરંતુ ભારતના બીજા પ્રાંતોમાં
તો સ્ત્રીનાં નામે ઘર ભાગ્યે જ જોવા મળે છે! જે લોકોની બે નંબરની આવક છે અથવા ખોટા ધંધા
છે એવા લોકોની મિલકત પત્નીનાં નામે હોય છે ખરી, પરંતુ પત્નીને ભાગ્યે જ ખબર હોય છે કે,
મિલકત એના નામે છે! ભારતમાં પત્ની, સ્ત્રી અથવા જીવનસંગિનીને ‘ઘરવાળી’ના નામે પણ
સંબોધવામાં આવે છે, પરંતુ જ્યારે છૂટાછેડા થાય, પતિનું મૃત્યુ થાય કે બીજી કોઈ સમસ્યા ઊભી થાય
ત્યારે સમાજમાં સ્ત્રીને જવા માટે કોઈ જગ્યા નથી હોતી. નવાઈની વાત એ છે કે, આપણે ‘દીકરી
વહાલનો દરિયો’ અને ‘કાળજાનો કટકો’ જેવી જાતભાતની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ જો
પરણેલી દીકરી ડોમેસ્ટિક વાયોલેન્સ, માનસિક ત્રાસ કે પતિના શરાબી કે ચારિત્ર્યહીન હોવાની
ફરિયાદ કરે તો માતા-પિતા એને સાસરામાં રહેવાની અને ઘર નહીં છોડવાની સલાહ આપે છે!
કેટલીકવાર બધું સહન કરીને સાસરામાં રહેલી પુત્રવધૂનો પતિ ગુજરી જાય તો મિલકત માટે થઈને
સાસરિયાં એને કાઢી મૂકતા અચકાતા નથી… આ બધું આપણી નજર સામે અને આસપાસ થાય છે
તેમ છતાં, ‘એમના ઘરની પંચાતમાં આપણે શું કામ પડવું જોઈએ?’ કહીને મોટાભાગના લોકો હાથ
ખંખેરી નાખે છે!
સરકાર સ્ત્રીનાં અધિકારો માટે સજાગ છે અને સ્ત્રી પોતે પણ સજાગ થાય એવા પ્રયત્નો કરી
રહી છે, પરંતુ સદીઓથી આપણા ડીએનએમાં ત્યાગ, બલિદાન, સમર્પણ એવું કુટીકુટીને ભરી દેવામાં
આવ્યું છે કે, અવાજ ઉઠાવનારી, અધિકાર માગનારી સ્ત્રી તરફ આંગળી ચીંધતા સ્ત્રીઓ પણ
અચકાતી નથી. સવાલ એ છે કે, સ્ત્રીનાં અધિકાર છે શું? એને કોણ સમજાવે?
સ્ત્રીનો સૌથી પહેલો અધિકાર એ છે કે, લગ્ન અથવા લિવઈનમાં એને માન-સન્માન અને
સુરક્ષા મળવી જોઈએ. એની ઈચ્છા વિરુધ્ધ એની સાથે શારીરિક સંબંધ ન બાંધી શકાય કે, એને
ખોટા વચનો આપીને, પ્રેમ કે લગ્નનો દાવો કરીને, છેતરીને શારીરિક સંબંધ બાંધવામાં આવે તો એ
કાયદેસર રીતે ગુનો ગણાય છે. લગ્નમાં પણ પત્નીને શારીરિક સંબંધ નકારવાનો અધિકાર છે. કોઈ
પતિ ક્યારેય પત્નીને મજબૂર ન કરી શકે એ માટે એને કાયદો રક્ષણ આપે છે. સગીર કે બાલિકાનાં
લગ્ન ન કરી શકાય, 18 વર્ષથી ઉપરની દીકરીનાં લગ્ન એની મરજી વિરુધ્ધ ન કરી શકાય અને જો એ
પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવા માગતી હોય તો એને કોઈ રોકી ન શકે. લગ્ન કર્યાં પછી પતિની
મિલકત ઉપર એનો સહિયારો અધિકાર છે (ભલે રજિસ્ટ્રેશનમાં એનું નામ હોય કે ના હોય), પતિનું
મૃત્યુ થાય કે છૂટાછેડા થાય તો સ્ત્રી પોતાના જીવન માટે ભરણપોષણ અથવા મિલકતમાં ભાગ માગી
શકે છે. એ લગ્ન દરમિયાન થયેલા સંતાનની પૂર્ણ જવાબદારી પુરુષે ઉઠાવવી પડે એવી કાયદામાં
જોગવાઈ છે. લગ્ન પછી સ્ત્રી પોતાની મરજીથી ઘર છોડે તો અલગ વાત છે બાકી એને કોઈ એના
ઘરમાંથી કાઢી મૂકી શકે નહીં. એની સામે એ પોલીસ પાસે સુરક્ષા માગી શકે છે. લગ્ન થઈ જવાથી
પિતાની મિલકતમાંથી એનો અધિકાર સમાપ્ત થતો નથી. પરણેલી દીકરીનો પિતાની મિલકત ઉપર
અધિકાર છે (એચયુએફમાં અથવા પિતાના સ્વઉપાર્જિત ધન અને મિલકતમાં પણ-સિવાય કે પિતાએ
વીલ કર્યું હોય. એ વીલને કોર્ટમાં પડકારી શકાય છે.) પતિના ઈન્શ્યોરન્સ, મેડિક્લેઈમ કે અન્ય
પોલિસીની નોમિની (વારસદાર) પત્ની જ બને છે-જો નોમિની તરીકે કોઈનું નામ ન હોય તો.
આવા તો કેટલાય અધિકારો છે જેના વિશે સ્ત્રી કશું જ જાણતી નથી. આપણે પત્નીને, સ્ત્રીને
ગૃહલક્ષ્મી કહીએ છીએ, પરંતુ ઘરની લક્ષ્મીને ‘ઘરમાં’ કેટલી લક્ષ્મી છે એ વિશે હિસાબ કે માહિતી
આપવાનું મોટાભાગના પતિઓને ગમતું નથી. ‘બૈરાંને આ બધું શું કામ?’ જેવાં વાક્યો આપણે
અવારનવાર સાંભળ્યા જ છે.
દરેક પતિએ એક વાત સમજી લેવી જોઈએ કે, જે સ્ત્રી પોતાના માતા-પિતાનું ઘર અને પ્રેમ
છોડીને એક માત્ર પતિના વિશ્વાસે એનો હાથ પકડીને એની સાથે જીવન વિતાવવા ચાલી આવી છે,
એની આર્થિક સુરક્ષાની જવાબદારી એના પતિની જ છે. દીકરાઓના નામે મિલકત કરી દેતા પિતા, કે
પત્નીનો વિચાર પણ નહીં કરતા પતિ… મેડિક્લેઈમની પોલિસી, ઈન્શ્યોરન્સ વિશે પત્નીને માહિતી
નહીં આપીને અચાનક ગુજરી જતા પતિ કે જરૂરત પડે ત્યારે પત્નીનાં દાગીના વેચ્યા પછી એનું
સ્ત્રીધન એને પાછું નહીં ખરીદી આપનાર પતિ કદાચ કાયદાની નજરે ગુનેગાર નથી, પરંતુ ઈશ્વરની
સાક્ષીએ જેને સુરક્ષાનું વચન આપ્યું હતું એનો ગુનેગાર ચોક્કસ છે.
બીજી તરફ, ‘આપણે શું કામ છે?’ કહીને નિરાંતે ટેલિવિઝન સીરિયલ અને વ્હોટ્સએપમાં
સમય પસાર કરતી બધી સ્ત્રીઓએ (વ્યવસાયિક હોય કે ગૃહિણી) પતિની મિલકત અને ઈન્વેસ્ટમેન્ટ,
ઈન્શ્યોરન્સ, મેડિક્લેઈમની જાણકારી રાખવી જોઈએ એટલું જ નહીં, એના નંબર-પાસકોડ કે બીજી
કોઈ જરૂરિયાતો હોય તો એ નાનકડી ડાયરીમાં લખીને પોતાના લોકરમાં મૂકી રાખવી જોઈએ.
આપણે સહુ ખૂબ લાંબુ જીવીએ, સ્વસ્થ અને આનંદમય જીવન વિતાવીએ એવું ચોક્કસ ઈચ્છીએ,
પરંતુ ક્યારેક નહીં ધારેલી કોઈક ભયાનક ઘટના પત્નીને એકલી કરી નાખે તો એ કઈ રીતે જીવશે એ
વિચારવાની અને એનું પ્લાનિંગ કરીને એને એ માટે તૈયાર કરવાની જવાબદારી એક પતિ તરીકે દરેક
પુરુષની છે.
એવી જ રીતે, પત્ની, માતા, દીકરી કે બહેન તરીકે આપણા અધિકારો જાણવાની અને
આપણા જીવનના મહત્વના પુરુષની મહેનતની કમાણી ક્યાં, કેવી રીતે રોકાયેલી અને વહેંચાયેલી છે
એ વિશે માહિતી માગવી કે રાખવી એ સ્વાર્થ નથી, મિલકત ઉપર ‘આપણો ડોળો છે’ એવી કોઈ વાત
નથી, પરંતુ એ આપણો અધિકાર અને ફરજ બંને છે.