સહવીર્યમ કરવાવહૈ, મા વિદ્વિષાવહૈ.

153 વર્ષ પહેલાં પોરબંદરની ભૂમિ પર એક એવો માણસ જન્મ્યો જેણે સુરાજ્યનું સ્વપ્ન
જોયું, સાકાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. જે દેશ પર સતત બીજા પ્રાંત અને ધર્મના લોકો રાજ
કરતા હતા એ દેશને સાચા અર્થમાં ‘હિન્દુસ્તાન’ કે ‘ભારત’ બનાવીને એમણે આપણને સૌને આઝાદ
હવામાં શ્વાસ લેવાનું ગૌરવ આપ્યું. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમણે પોતાના જીવનના
નિર્ણયો એમના આત્મિક સંવાદ અને સમજણના આધારે કર્યા. એમના પત્ર વ્યવહાર, ભાષણો અને
જીવનના અનેક પ્રસંગોમાંથી આપણને એટલું ચોક્કસ સમજાય કે, એ જે માનતા હતા એ જ જીવતા
હતા અને જે જીવતા હતા એ જ કહેતા હતા.

મહાદેવભાઈ દેસાઈ, એમના અનુયાયી, સેક્રેટરી અને માનસપુત્ર કહી શકાય, એમની
ડાયરીઓના આધારે મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ ગાંધીજીના જીવન વિશે ચાર
ભાગમાં વહેંચાયેલો ગ્રંથ લખ્યો છે, ‘મારું જીવન એ જ મારી વાણી’. સાધના, સત્યાગ્રહ, સત્યપથ અને
સ્વાર્પણ એવા ચાર ભાગમાં વહેંચાયેલા આ ગ્રંથમાં એમના જીવન સાથે જોડાયેલી મહત્વની ઘટના
અને વ્યક્તિઓ વિશેનું સંપાદન કરવામાં આવ્યું છે.

ગાંધીજીના જીવનની સૌથી મહત્વની વ્યક્તિ એટલે કસ્તુરબા. 13 વર્ષની ઉંમરે એમની સાથે
થયેલાં લગ્ન, અને 62 વર્ષનું લગ્નજીવન… એમને સૌ બાપુ કહેતા થયા ત્યારથી જાણે-અજાણે કસ્તુર
ગાંધી સૌ માટે ‘બા’ બની ગયાં. દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી હોય છે એમ આપણા ભારતીય
શાસ્ત્રો કહે છે. બાપુના જીવનની સફળતામાં એમના સત્યાગ્રહ કે સાધનામાં બાનું સ્થાન અવિચળ
અને અદ્વિતિય છે. એમના લગ્ન વિશે નારાયણભાઈએ લખ્યું છે, 13 વર્ષના મોહન, 15ના કરસન
અને લગભગ 14ના એમના પિતરાઈ મોતીલાલને માફામાંથી ઉતારી ઘોડા પર ચડાવવામાં આવે છે.
ઘોડે ચડવાની મોહન ના નથી પાડતો, પણ સોનાનો હાર નથી જ પહેરતો. વરરાજાને મન પોરબંદરનું
પોતાનું ઘર જેટલું જાણીતું છે, એટલું જ સાસરાનું ઘર પણ જાણીતું છે. કારણ મોઈ-દાંડિયા કે લખોટા
રમતાં ઘણીવાર 200-500 ડગલાં દૂર આવેલ શેઠ ગોકુળદાસ મકનજીના આંગણા સુધી તો તેઓ
પહેલાં જ જઈ આવ્યા છે. સાવ નાનપણમાં કસ્તુર ગાંધી કુટુંબના આંગણામાં રમવા માટે આવતી.
લગ્નની પૂરી તૈયારી પછી વરના બાપની રાહ જોવાય છે. રાજકોટના ઠાકોર સાહેબે દીવાન કરમચંદને
છેલ્લી ઘડી સુધી રોકી રાખ્યા, પોરબંદર પહોંચવાની ઉતાવળમાં ઘોડા ગાડી ઊંધી પડી અને કબા
ગાંધી ત્રણ જણાંને પરણાવવા પાટાપિંડી સાથે બેઠા.

ગાંધીજીએ પોતાના શબ્દોમાં સુહાગરાતનું વર્ણન કર્યું છે, ”એ પ્રથમ રાત્રિ! બે નિર્દોષ
બાળકોએ વગર જાણ્યે સંસારમાં ઝંપલાવ્યું. ભાભીએ શિખામણ આપી કે… પહેલી રાતે કેમ વર્તવું…
અમે બંને એકબીજાંથી ડરતાં હતાં, એવો ભાસ છે, એકબીજાથી શરમાતાં તો હતાં જ. વાતો કેમ
કરવી, શી કરવી, એ હું શું જાણું? મળેલી શિખામણ પણ મદદ શું કરે? પણ કંઈ શીખવવું તે પડે?
જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઈ પડે છે. ધીમે ધીમે એકબીજાંને
ઓળખતાં થયાં.”

એક પત્નીવ્રત પાળવાની વાત હૃદયમાં રમી રહેલી. પતિએ જો એક પત્નીવ્રત પાળવું જોઈએ
તો પત્નીએ એક પતિવ્રત પાળવું જ જોઈએ ને? વળી, પાળવું જોઈએનો અર્થ બદલાતો બદલાતો
પત્ની પાસે પળાવવું જોઈએ એવો થઈ ગયો અને નવવિવાહિત મોહને કસ્તુરબાઈ પર ધણીપણું
આરંભ્યું. એમણે ચોકી કરવા માંડી. એ હંમેશાં ક્યાં જાય છે, એમની રજા વિના એનાથી ક્યાંય જવાય
જ નહીં. કસ્તુરબાઈએ આદેશ શાની માને? સમવયસ્ક તો હતી જ. તેમાંય જો ગળે ન ઉતરે એવો
આદેશ પતિનો હોય તો તે ન જ સ્વીકારે. એમ સહન કરે એવાં એ હતાં જ નહીં. જેમ જેમ મોહન
દાબ મૂકે તેમ તેમ એ વધારે છૂટ લે. મોહનની જે આજ્ઞાને એ ખોટી માને તેનો એ પૂરી નમ્રતાથી છતાં
એટલી જ મક્કમતાથી વિરોધ કરે. આ ઉપરથી જ ગાંધીજી ઘણીવાર કહેતા કે, ‘સત્યાગ્રહ હું મારી પત્ની
પાસે શીખ્યો છું.’

22 ફેબ્રુઆરી, 1944. ગાંધીજી ફરવા જતાં પહેલાં બા પાસે આવ્યા. થોડીવારે કહ્યું, ‘ફરી
આવું?’ બાએ ના પાડી. હંમેશાં બા જ કહેતાં કે ફરી આવો, પણ આજે ગાંધીજીને પાસે બેસાડી
રાખ્યા. ગાંધીજી બાના ખાટલા પર બેઠા. બા તેમના ખોળામાં સૂતાં હતાં. બા ગાંધીજીના ખોળામાં
શાંતિથી પડી રહ્યાં. ગાંધીજીએ એક ચમચો ગંગાજળ મોંમાં રેડ્યું. બા તુરત પી ગયાં અને બોલ્યાં,
‘બસ’. બા પાસે આવીને ગાંધીજીએ પૂછ્યું, ‘શું થાય છે?’ અત્યંત કરુણ સ્વરે બાએ કહ્યું, ‘કશું સમજાતું
નથી. ‘ નાડી ખૂબ મંદ હતી. બા છેલ્લીવાર ઉઠવા પ્રયત્ન કરતાં હતાં. ગાંધીજી સૂઈ રહેવા સમજાવતા
હતા. બા તેમના ખોળામાં પડ્યાં. અચાનક શ્વાસ લેવા માટે મોં ઊઘડી ગયું અને બે-ચાર શ્વાસ
લઈને બા સંસારના બંધનમાંથી છૂટી ગયાં!

શબ ચિતા પર મૂક્યા પછી પ્રાર્થના થઈ. દેવદાસભાઈના હાથે અગ્નિ મૂકાયો. ગાંધીજી
લાકડીને ટેકે ઊભા હતા, તે ઊભા જ રહ્યા. ચિતા ભડકે બળી ત્યારે થોડું પાછળ જઈ આમલીના ઝાડ
નીચે ખુરશી પર બેઠા. બે કલાક પછી સાથીઓએ ગાંધીજીને ઊઠીને જવાનો આગ્રહ કર્યો. તેઓ
બોલ્યા, ”બાસઠ વર્ષ સાથે રહ્યા પછી હવે છેલ્લે દિવસે મારે શી ઉતાવળ છે? બા પણ શું કહેશે? ” ગાંધીજી
છેવટ સુધી ત્યાં જ રહ્યા. સવારે સાડા દસ વાગ્યે અગ્નિ મૂક્યો હતો. બપોરે સાડા ચાર વાગ્યે ગાંધીજી
ત્યાંથી ઉઠ્યા…

લગ્નજીવનની શરૂઆતથી લગ્નજીવનના અંત સુધીનો આ પ્રવાસ આપણે તો ગાંધીજીની
કલમે અથવા આસપાસના લોકોના વર્ણનમાં સાંભળ્યો છે. જેણે પોતાની જાતને રાષ્ટ્ર માટે ફનાહ કરી
હોય એવી વ્યક્તિના જીવનનો હિસ્સો બનવું સરળ નથી. પતિ બેરિસ્ટર હોય અને પોતે લગભગ
નિરક્ષર હોવા છતાં એના વિચારોને સમજવા, અનુસરવા અને એની સહધર્મચારિણી બનીને એના
નિર્ણયોને બિનશરતી સ્વીકારવા એ જ સપ્તપદીનો સાચો નિષ્કર્ષ હશે!

કઠોપનિષદના મંત્ર મુજબ ‘સહવીર્યમ કરવાવહૈ’ એટલે સારા અને અઘરા કામ સાથે મળીને
કરીએ… ‘મા વિદ્વિષાવહૈ’ એટલે વિખવાદ કે દલીલ કર્યા વગર સાથે આગળ વધીએ તો ‘તેજસ્વિના
વધિતમસ્તુ’, એટલે કે તેજમાં વધારો થાય. મોહનદાસ ગાંધી અને કસ્તુર ગાંધીના લગ્નજીવનમાં આ
મંત્ર જાણે કે ઓતપ્રોત થયેલો દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *