ચંદ્રયાન લેન્ડ થયું, અનેક લોકોએ ઘરે રહીને, હોલમાં, સ્કૂલમાં, પ્રોજેક્ટર્સ અને મોટા સ્ક્રીન્સ પર ચંદ્રયાનનું
સફળ લેન્ડિંગ જોયું. આર્ય ભટ્ટ અને દધીચિ જેવા ઋષિઓને યાદ કર્યાં. આપણા વિજ્ઞાન અને ગણિતના ભવ્ય
વારસાને ફરી એકવાર અંજલિ આપવામાં આવી, પરંતુ ચંદ્રયાનના સમાચારની સાથે સાથે જ કલેક્ટરના હની ટ્રેપના,
પૉર્ન વીડિયો જોતા પિતાએ કોઈ સાબિતી વગર દીકરીને ફટકાર્યાના અને સગીર યુવતિ પર બળાત્કારના અને ખેરાલુ
તાલુકાના લુણવા ગામમાં એક છોકરીને પ્રથમ આવી હોવા છતાં એના ધર્મના કારણે ઈનામ નહીં મળ્યાના સમાચાર
પણ પ્રકાશિત થયા.
એક તરફથી આપણે વિશ્વના પહેલા દેશ તરીકે આપણા વિજ્ઞાનીઓ અને પ્રધાનમંત્રીને સલામ કરીએ છીએ
તો બીજી તરફ સમાજમાં વધુને વધુ અધોગતિ, મોબલિન્ચિગ, ધર્મના નામે ઝેર અને સ્ત્રીઓ પરત્વેની એક વિચિત્ર
ધૃણા ફેલાતી જાય છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવાં શહેરોમાં પણ હવે નોકરી કરતી કે કામ કરતી છોકરીઓ સલામત
નથી, એ જાણીને આઘાત લાગે, પણ આશ્ચર્ય ન થાય, એવા કોઈ સમાજમાં આપણે પહોંચી ગયા છીએ. એક તરફથી
‘બેટી પઢાઓ’ના સ્લોગન ઠેર ઠેર વાંચવા મળે છે તો બીજી તરફ અરઝનાબાનુ જેવી દસમા ધોરણની દીકરીને શાળામાં
પ્રથમ આવી હોવા છતાં ફક્ત વિધર્મી હોવાના કારણે ઈનામ આપવામાં અન્યાય કરવામાં આવે છે. એક સગીરાએ
બળાત્કારથી રહી ગયેલા ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે, તો બીજી તરફ લગભગ રોજ એક લવ
જેહાદનો કિસ્સો અખબારોના ખૂણેખાંચરે વાંચવા મળે છે. કરોડોના ઈન્વેસ્ટમેન્ટ ભારત તરફ ખાસ કરીને, ગુજરાત
તરફ આવી રહ્યા છે એવા સમાચાર વાંચીને આપણે ભલે ખુશ થઈએ, પણ સત્ય એ છે કે કેટલાય ગ્રેજ્યુએટ યુવાનો
બેકાર છે. શિક્ષકો, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બીજી ઘણી સરકારી જગ્યાઓ ખાલી છે, પરંતુ ભરતી કરવામાં શું રૂકાવટ
છે એનો કોઈ જવાબ મળતો નથી.
હર્ષદ મહેતા, દાઉદ, તેલગી જેવા લોકો પર વેબસીરિઝ બનાવીને આપણે એને હીરો બનાવીએ છીએ તો
બીજી તરફ, બેન્કનો નાનકડો હપ્તો મોડો પડે ત્યારે એક મધ્યમવર્ગીય માણસનું ટુવ્હીલર કે ગાડી ઉઠાવી જવામાં આવે
છે. એક તરફ તથ્ય છે તો બીજી તરફ ફેનિલ છે.
વિજ્ઞાન કે ટેકનોલોજીનો વિકાસ કરી લેવાથી માણસના જીવનમાં સગવડ ચોક્કસ વધતી હશે, પરંતુ જીવન
ક્યારેય બહેતર બનતું નથી એ વાત આજના સમાજે સમજવાની જરૂર છે. આપણે બધા છેલ્લા થોડા સમયથી ફોન,
ટેલિવિઝન, ગાડી કે કિચન અપ્લાયન્સિસમાં અપગ્રેડ થઈ રહ્યા છીએ, પરંતુ માનસિક અપગ્રેડેશનમાં તદ્દન નબળા અને
નકામા પૂરવાર થયા છીએ. બલ્કે, સાચું કહીએ તો પ્રોગ્રેસને બદલે રિગ્રેશન તરફ ધસી રહ્યા છીએ. ‘અનુપમા’ અને
‘પુષ્પા ઈમ્પોસિબલ’ જેવી સીરિયલ હજાર એપિસોડ સુધી ચાલે છે જેમાં એક સ્ત્રીનાં સંઘર્ષની કથાઓ છે, પરંતુ
ખરેખર જો કોઈ સ્ત્રી પોતાના ઘરમાંથી નીકળીને કશું નવું કરવા માગે, આગળ વધવા માગે તો સૌથી પહેલો વિરોધ
એનો પતિ અને પરિવાર કરે છે. ‘હવે આ ઉંમરે શું કામ છે?’થી શરૂ કરીને ‘ખોટા ધખારા…’ જેવી કોમેન્ટનો સામનો
આજે પણ સ્ત્રીઓએ કરવો પડે છે.
ઉચ્ચ મધ્યમવર્ગ કે શ્રીમંત કહી શકાય એવા ઘરોમાં પણ દીકરી 25 વર્ષની ઉંમર વટાવે કે એનાં લગ્ન વિશેની
ચણભણ શરૂ થઈ જાય છે. મધ્યમવર્ગ કે નાના ગામડાં, શહેરોમાં તો દીકરીને એની મરજી પણ પૂછવામાં નથી આવતી.
બારમા ધોરણથી આગળ ભણાવવામાં નથી આવતી કારણ કે, મૂરતિયાઓને ‘પોતાનાથી વધુ ભણેલી’ છોકરી નથી
જોઈતી! હજી પણ દહેજ આપવા અને લેવામાં આવે છે. હજી પણ પત્નીને, પુત્રીને મારવામાં આવે છે. દીકરીનાં
છૂટાછેડા થાય ત્યારે માતા-પિતા નામોશી અને અપમાન અનુભવે છે. એમની પ્રતિષ્ઠાને બટ્ટો લાગે છે, પણ છૂટાછેડા
લીધેલા દીકરાના પુનર્લગ્ન માટેની જાહેરાતમાં ‘નિર્દોષ ડિવોર્સી’ લખતાં અચકાતા નથી. નજીવા કારણોસર સ્ત્રીને
બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે અને સૌથી છેલ્લે ગર્ભજલ પરીક્ષણ કરીને જો દીકરી હોય તો ગર્ભપાત
કરાવનારાની સંખ્યા ઓછી તો નથી જ…
કયા વિકાસનો દાવો કરી રહ્યા છીએ આપણે? મોટા સ્ક્રીન પર, હોલમાં એકઠાં થઈને, શાળાઓમાં કે ઘરે
ભેગાં થઈને ચંદ્રયાનનું લેન્ડિંગ જોનારા સૌએ આ સવાલ પોતાની જાતને પૂછવો જોઈએ. વિકાસનો અર્થ માનસિક
વિકાસ પણ થાય છે. વિચારોમાં વિકાસ થશે તો જ વિજ્ઞાનના વિકાસનો કોઈ અર્થ છે… સરકાર કેટલીયે યોજના
બનાવે છે જેમાં વિધવા પેન્શનથી શરૂ કરીને દીકરીને ભણવા માટે સ્કોલરશિપ કે કસ્તુરબા ગાંધી વિદ્યાલય, આશ્રમ
શાળા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાયકલ, સિલાઈ મશીન, લેપટોપ જેવી યોજનાઓ પણ સરકાર
ચલાવે છે, પરંતુ સરકાર યોજના બનાવે, બજેટ ફાળવે… એ પછી નીચેના લોકો-જે લોકોએ આ યોજનાનો અમલ
કરાવવાનો છે એ લોકો શું કરે છે? ખરેખર જેને આ યોજનાનો લાભ મળવો જોઈએ ત્યાં સુધી ફાળવેલાં બધાં નાણાં
પહોંચે છે ખરા?
2023માં જ્યારે આપણે અત્યંત આધુનિક ટેકનોલોજી અને ઝડપથી વધી રહેલા વિકાસદર તરફ આગળ વધી
રહ્યા છીએ ત્યારે આપણે બધાંએ આપણા મગજ, માનસિકતા અને વિચારોને પણ આધુનિકતા સાથે જોડવાની જરૂર
છે. મુઠ્ઠીભર લોકો આગળ વધ્યા કરશે, વિકાસની વાતો કર્યા કરશે અને ટેકનોલોજી પોતાનો કમાલ દેખાડ્યા કરશે
એથી આ દેશને કોઈ ફેર નહીં પડે.
જાતિ, જ્ઞાતિ, આર્થિક સ્થિતિ અને સૌથી મહત્વનું, ધર્મના આધારે આપણે જ્યાં સુધી આ સમાજને માપતા
રહીશું ત્યાં સુધી ચંદ્ર પર યાન પહોંચે કે કોલોની બંધાય… આપણે એક ડગલું પણ આગળ નથી વધ્યા એ વાતનો
અફસોસ સૌને થવો જોઈએ, થવો જ જોઈએ.