નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની એક સાંજ… ગ્રાન્ડ થિયેટર જે જિયો વર્લ્ડ સેન્ટરમાં
આવેલું છે ત્યાં, માતા-પિતા, બાળકો, વડીલોથી આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું છે. ‘સાઉન્ડ ઓફ
મ્યુઝિક’નો લાઈવ મ્યુઝિકલ શો જોવા માટે આ બધા એકઠા થયા છે. ઓડિયન્સમાં સંજીવ કપૂર,
ટીવીના કેટલાક જાણીતા સ્ટાર્સ અને કરીના કપૂર એના બંને બાળકો સાથે ઓડિટોરિયમમાં પ્રવેશવાની
રાહ જોઈ રહ્યાં છે.અત્યાર સુધી આપણે બધા બ્રોડવેના શોઝ દેશની બહાર જ જોયા છે. નીતા મુકેશ
અંબાણીએ બ્રોડવેના બધા શો ભારતમાં, બલ્કે મુંબઈમાં લાવવાની શરૂઆત કરી દીધી છે. ગ્રાન્ડ
થિયેટરમાં બે હજાર લોકો બેસી શકે એમ છે. લગભગ 52,687 સ્કેવર મીટરમાં ફેલાયેલું આ કલ્ચરલ
સેન્ટર એક્ઝિબિશન અને નાના સ્ટુડિયોની સાથે મુંબઈને ઉત્તમ પ્રોડક્શન્સ આપવાનું કામ શરૂ કરી
ચૂક્યું છે, જેના પહેલા ચરણ રૂપે ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’નો શો મુંબઈમાં હાઉસફૂલ જઈ રહ્યો છે.
અહીં સસ્તામાં સસ્તી ટિકિટ 1100 રૂપિયાની છે અને મોંઘામાં મોંઘી 8500ની. મધ્યમ વર્ગથી શરૂ
કરીને મુંબઈના ‘હુ ઝ હુ’ અહીં મ્યુઝિકલ્સ માણી શકે એવું નીતા અંબાણીનું સ્વપ્ન છે.
આ પહેલાં નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સનું એક મોટું થિયેટર બનાવવામાં આવ્યું, જેની
સિટિંગ કેપેસિટી 1109ની છે. ફિરોઝ ખાન દિગ્દર્શિત મ્યુઝિકલ મોગલ-એ-આઝમ અહીં પ્રદર્શિત
કરવામાં આવ્યું ત્યારે મુંબઈના ફિલ્મસ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો સહિત કેટલાય લોકોએ
એને માણ્યું હતું. આપણે પણ સુંદર પ્રોડક્શન્સ કરી શકીએ છીએ એનો નમૂનો (મોગલ-એ-આઝમ)
હતું. એનસીપીએમાં ‘અલ્લાદિન’નું મ્યુઝિકલ પણ ડિઝની દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
વિદેશના, બ્રોડવે અને લંડનના આ મ્યુઝિકલ શોઝ એકવાર જોવા જેવા છે. ઢગલાબંધ
લાઈટ્સ, સેટ્સ બદલવાની એમની ત્વરિત આવડત, રાઈટ નોટ પર અભિનેતાઓનું ગાવું,
કોરિયોગ્રાફીની સાથે સાથે એક પણ ભૂલ વગરના આ ‘ફ્લૉલેસ’ શોઝ આપણને એવું યાદ કરાવે છે કે,
આપણી પાસે પણ એવી કથાઓ છે જેને આનાથી પણ સારી રીતે કહી શકાય, પણ તકલીફ એ છે કે
આપણે આવા વિદેશી પ્રોડક્શન માટે આઠ હજાર રૂપિયાની ટિકિટ ખર્ચી શકીએ છીએ, પરંતુ ગુજરાતી
નાટકોમાં આપણી પાસે હવે કોમેડી સિવાય ખાસ કશું ચાલતું નથી, એવી ફરિયાદ આપણે સતત
કરીએ છીએ! હજી હમણાં ચાલી રહેલો એક શો ‘એન ઈવનિંગ વિથ કૃષ્ણ’ (એક શામ હરિ કે નામ)
હિન્દી-ગુજરાતીમાં તૈયાર કરાયેલો-45 કલાકારો સાથેનો એક સુપર શો છે. એવી જ રીતે સાંઈરામ
દવેનું ‘વીરાંજલિ’ કે અભિનય બેન્કરનું ‘હાજી કાસમ તારી વીજળી’ ગુજરાતીમાં જબરજસ્ત શો છે. એ
પહેલાં દેવકીનું ‘સમુદ્ર મંથન’ કે ‘અકૂપાર’ પણ નવલકથાઓ પર આધારિત સુંદર પ્રોડક્શન્સ હતાં.
આપણે આપણા ત્યાંના અદભૂત કામની કદર કરતા નથી એટલું જ નહીં, એમાં પૈસા ખર્ચતી વખતે
આપણને ગણતરી સૂઝે છે જ્યારે વિદેશી પ્રોડક્શનમાં આપણને ‘પારકે ભાણે મોટો લાડુ’ દેખાય છે.
રામાયણ-મહાભારતની કથાઓ જ્યારે ટેલિવિઝન પર આવતી ત્યારે રસ્તાઓ સૂના થઈ જતા
એ ઈતિહાસ બહુ જૂનો નથી.
દાદા-દાદીના સમયમાં બનેલા આ મ્યુઝિકલ પ્રોડક્શન ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના શો હજી ચાલે
છે. ફિલ્મ હજી સુપરહિટ છે… ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના ગીતો એટલા તો લોકપ્રિય થયેલા કે ઈન્ડિગો
એરલાઈનને જ્યારે 16 વર્ષ પૂરા થયા ત્યારે એમણે ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના ગીતની લાઈન ‘આઈ
એમ સિક્સટિન, ગોઈંગ ઓન સેવન્ટિન’ને પોતાની ટેગલાઈન તરીકે વાપરેલી… એવી જ રીતે ‘ધીઝ
આર અ ફ્યૂ ઓફ માય ફેવરિટ થિન્ગ્સ’ અને ‘ડો ધ ડિયર, ધ ફિમેલ ડિયર…’ (ગુજરાતીની જેમ જ
અંગ્રેજીની સંગીતની નોટ્સ-ડો રે મી ફા સો લા ટી ડો-સા રે ગ મ પ ધ ની) પણ અત્યંત જાણીતા
ગીતો છે. આજે પણ ઓડિયન્સમાં સૌ એ ગીતો સાથે ગાતાં સાંભળવા મળે છે!
‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ આજથી સાડા છ દાયકા પહેલાં બ્રોડવે માટે બનેલું પ્રોડક્શન હતું. એ
વખતે હાવર્ડ લિન્ડસે અને રુઝલ ક્રૂઝનું એક પુસ્તક અને સાથે જ મારિયા વોન ટ્રેપ (1949)ના એક
મેમોયેર (યાદોનું પુસ્તક) ઉપર આધારિત એક નાટક બનાવવામાં આવ્યું. મેરિ માર્ટિન અને થિયોડોર
બાઈકેલ સાથે 1959માં આ નાટકને પાંચ ટોની એવોર્ડ્સ (સંગીતના ઉચ્ચતમ એવોર્ડ્સ) મળ્યા.
મજાની વાત એ છે કે, આ સત્ય કથા પર આધારિત છે. ખરેખર ઓસ્ટ્રિયામાં આવો એક પરિવાર
હતો, જેમાં મારિયાને નેની તરીકે મોકલવામાં આવી હતી (1926). એ સાત બાળકો લેઈસલી (16
વર્ષ), ફ્રેઈડરિક (14), લુઈઝા (13), કુર્ટ (11), બ્રિજિટા (10), માર્ટા (7), ગ્રેટ્લ (5) હતાં. આ
મ્યુઝિકલ એટલું બધું સફળ થયું કે એના પરથી 1965માં ફિલ્મ બનાવવામાં આવી, જેમાં જ્યુલિ
એન્ડ્રુસ અને ક્રિસ્ટોફર પ્લમર હતા. જેનું દિગ્દર્શન રોબર્ટ વાઈઝે કર્યું હતું. એને ‘શ્રેષ્ઠ ફિલ્મ’ સહિત
પાંચ ઓસ્કાર એવોર્ડ મળ્યા. એ પછી એનું ટેલિવિઝન એડપ્શન થયું (2013). જે બેથ મેક્કાર્થી
દ્વારા દિગ્દર્શિત હતું અને કેરી અન્ડરવુર તથા સ્ટિફન મેયર દ્વારા અભિનિત હતું.
આજે, સાડા છ દાયકા પછી પણ ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ એની જગ્યાએ એટલું જ લોકપ્રિય છે.
મ્યુઝિકલ હજી પણ ચાલી રહ્યું છે. અભિનેતાઓની પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ ‘સાઉન્ડ ઓફ
મ્યુઝિક’ના શોઝ હજી બંધ નથી થયા.
નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બ્રોડવે અને લંડનના ઉત્તમ શો, મ્યુઝિકલ્સ આપણે માટે
પ્રદર્શિત થવાના છે. ‘લાયન કિંગ’ અને ‘ફેન્ટમ ઓફ ઓપેરા’ જેવા શો આપણને મુંબઈમાં જોવા મળે
એ મોટી વાત છે, જેને માટે નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનો આભાર માનવો જ રહ્યો, પરંતુ સાથે
સાથે નીતાબહેને ભારતીય પ્રોડક્શનને પણ એ કક્ષાએ લાવવા માટે મદદરૂપ થવું જોઈએ જેનાથી
આપણે આપણા પુરાણોની કથા, આપણી વાર્તાઓ (બકોર પટેલ, મિયાં ફૂસકી) જેવાં પ્રોડક્શન્સ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ તૈયાર કરીને આપણા મ્યુઝિકલ્સને વિદેશની ધરતી ઉપર સફળ અને લોકપ્રિય કરી
શકીએ.