2024, નવું વર્ષ! સૂર્યોદય થાય એ પહેલાની રાત એક આખા વર્ષને વળોટી જતી રાત છે…
ભારતીય કેલેન્ડર મુજબ દિવાળીના દિવસે એક વર્ષ પૂરું થાય. કચ્છીઓ અષાઢી બીજે, સિંધીઓ
ચેટીચાંદે વર્ષ પૂરું કરે. જૈનોનું વર્ષ પર્યુષણ પછી પૂરું થાય, પરંતુ આખી દુનિયાનું કેલેન્ડર, જે આપણે
સામાન્યતઃ ફોલો કરીએ છીએ તે આજે પૂરું થાય. કેલેન્ડર પૂરું થવું એટલે શું? એક વર્ષ પૂરું થવું? ડાયરી
બદલવી? નવા રેઝોલ્યુશન, નવા સપનાં, નવા ટાર્ગેટ કે નવી દિશામાં આગળ વધવાનો એક નવો રસ્તો
ખૂલવો? વિતેલા વર્ષની ભૂલોને બાજુએ મૂકીને ચાલવા જવાનું, વજન ઉતારવાનું, સિગરેટ છોડવાનું,
બ્રેકઅપ કરવાનું કે પેચઅપ કરવાનું નવું વચન જાતને આપવું? બસ એટલું જ?
31ની રાત્રે શરાબ પીને, ધૂત થઈને, નાચીગાઈને… શહેરના રસ્તાઓ પર ભીડ જમા કરીને નવા
વર્ષને વિદાય કરવાનો આ તરીકો કદાચ પૂરાણો થઈ ગયો છે. એક સમય હતો જ્યારે લોકોને લાગતું હતું
કે, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઉજવવાનો આ એક જ રસ્તો છે. પશ્ચિમની અસર નીચે આપણે એટલા બધા
અંધ અને બદહવાશ થઈ ગયા કે આપણને એમની પરંપરાઓ વિશે પૂરું જાણવાનો સમય જ ન મળ્યો.
હા, 31ની રાત્રે પશ્ચિમ આનંદથી વિતેલા વર્શને વિદાય કરે છે. શરાબ પીએ છે, નૃત્ય કરે છે અને જઈ
રહેલા વર્ષને આનંદથી આવજો કહે છે, નવા વર્ષને આવકારે છે. બધું સાચું… પણ એની પહેલાં 25મી
ડિસેમ્બર, ક્રિસમસની રાત આવે છે. વિશ્વભરમાં એમના સંતાનો અને જેને ‘ફેમિલી’ કહી શકાય એ બધાં
ભેગાં થાય છે… ક્રિસમસના તહેવારને સાથે મળીને ઉજવવાની પરંપરા હજી પણ પશ્ચિમમાં પાળવામાં
આવે છે… ગમા અણગમા સાથે, વિરોધ અને વાંધા સાથે પણ આખો પરિવાર એકત્રિત થાય એ પરંપરા
પશ્ચિમમાં પાળવામાં આવે છે.
ક્રિસમસના જ તહેવારની આસપાસ રચાયેલી એક કથા એટલે, ‘લવ ધ કૂપર્સ-યુ કાન્ટ રિગિફ્ટ
એ ફેમિલી.’ 2015માં બનેલી એ ફિલ્મ. જેસી નેલ્સન દિગ્દર્શિત અને સ્ટિવન રોજર્સ લિખિત આ ફિલ્મ
આવી જ એક કથા કહે છે. લગ્નના ચાલીસ વર્ષે એકબીજાથી છૂટા પડવાનું નક્કી કરી ચૂકેલા માતા-પિતા
(સેમ અને શારલોટ), માની બહેન (એમા) જે પોતાની બહેનના સુખની ઈર્ષા કરે છે… એની જિંદગીને
પરફેક્ટ માને છે. એ જ બહેનને ભેટ આપવા માટે એક મોંઘા બ્રોચની ચોરી કરે છે, પકડાય છે અને પર્સી
નામના એક પોલીસ ઓફિસરના હાથે ચડે છે. આ બંને બહેનોના પિતા જે પોતાનાથી અડધી કરતાં ય
ઓછી ઉંમરની છોકરીને મનોમન ચાહે છે, સેમ અને શારલોટનો દીકરો હેન્ક જેની પાસે જોબ નથી,
સત્તર નોકરીમાં ઈન્ટરવ્યૂ આપ્યા છતાંય એને નોકરી મળી નથી. એનું લગ્નજીવન પણ દુઃખી છે.
ટીનએજ દીકરો, એક નાનકડી દીકરી અને દસ વર્ષનો ત્રીજો દીકરો હોવા છતાં એની પત્ની સંતાનોને ય
રાખવા તૈયાર નથી! સેમ અને શારલોટની દીકરી એલેનોર માતા-પિતાને મળવા નીકળી તો છે પણ
કનેક્ટીંગ ફ્લાઈટ પકડવાને બદલે એરપોર્ટ બારમાં શરાબ પીએ છે, સમય વીતાવે છે. ત્યાં એક આર્મી
ઓફિસર જો ને મળે છે… જે એના પિતાને ખુશ કરવા માટે આર્મીમાં જોડાયો છે… એ પણ એરપોર્ટ
બારમાં શરાબ પી રહ્યો છે કારણ કે એને ઘરે જવાની ઉતાવળ નથી! એલેનોર એ જ વખતે જો ને
પોતાની સાથે ‘બોયફ્રેન્ડ’ બનાવીને પોતાને ઘેર લઈ જવાનો પ્લાન કરે છે.
ફિલ્મમાં ક્રિસમસના ડિનર પર સહુ ટેબલ પર ગોઠવાયેલા છે ત્યારે સેમ એક વાક્ય કહે છે, ‘વી
આર એ ફેમિલી… વીથ ડિફરન્સીસ! એ ફેમિલી વીથ ડિફરન્સ.’ (આપણે એક પરિવાર છીએ જેમાં ઘણાં
મતભેદ છે-એવું એક જુદા પ્રકારનું ફેમિલી!)
આ બધાની વચ્ચે એક પરિવાર તો એકત્રિત થાય છે પણ આ પરિવારમાં દરેક માણસ પાસે
પોતાની જીવાયેલી જિંદગી અને વિતેલા ઈમોશન્સનો એક મોટો બેગેજ છે. સુખની સૌની વ્યાખ્યા છે
અને એ સુખ નહીં મળ્યાની સહુને પોતપોતાની ફરિયાદ છે… તેમ છતાં આ પરિવાર છે, ફેમિલી છે અને
એ ફેમિલીની સાથે જોડાયેલા સવાલ છે! આ ફિલ્મ દરેક પરિવારે જોવી જોઈએ કારણ કે, આપણને પણ
આપણા પરિવાર સાથે દરેક સવાલો હોય છે.
ચોકલેટની એક જાહેરાતમાં એક છોકરો એક છોકરીને પૂછે છે, ‘તુમ્હારે ફેમિલી મેં ઐસે લોગ હૈ?’
બંનેના પરિવારમાં એક સરખા લોકો છો… સામાન્ય રીતે હોય જ! તેમ છતાં, એ પરિવારની મીઠાશ
અકબંધ છે એમ કહીને ‘કંપની’ પોતાની પ્રોડક્ટની સાથે સાથે પરિવારનું બોન્ડ વેચે છે!
સવાલ ક્રિસમસ કે ન્યૂ યરનો નથી, મુદ્દો વર્ષમાં એકવાર એકઠા થતા પરિવારનો છે. પશ્ચિમ
પાસેથી આપણે ન્યૂ યરની ઉજવણી તો ઉધાર લઈ લીધી છે, પરંતુ પારિવારિક સંબંધોમાં આ મુક્તિ,
સ્વતંત્રતા અને સમજણની વાત આપણે કેમ નથી શીખ્યા? આપણે ‘જોઈન્ટ ફેમિલી’ને ‘કોઈ પરંપરા,
વારસા કે બોન્ડ તરીકે જોવાને બદલે ‘જુનવાણી’ વિચાર અને જડ રૂઢી તરીકે જોતાં થઈ ગયા. 18 વર્ષનું
સંતાન ત્યાં જુદા ઘરમાં રહેવા જાય છે, પરંતુ સાથે એ પોતાની જવાબદારી સ્વીકારતા પણ શીખે છે.
આજે આપણે વધુને વધુ નાના પરિવાર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સમજણ, સ્વીકાર અને
સંગાથ-સાથ, સહકારની ભાવના જાણે ક્યાંક ખોવાઈ ગઈ છે. આપણે દિવાળીમાં બહારગામ જવા
ઉતાવળા થઈ જઈએ છીએ જ્યારે પશ્ચિમમાં વિશ્વના કોઈપણ ખૂણેથી ક્રિસમસ ઉજવવા માટે ‘ઘેર’
પાછા ફરવાની પરંપરા આજે પણ અકબંધ છે…
વર્ષ પૂરું થયું છે, ચાલો સંબંધનો હિસાબ કરીએ. લેવાનું માંડી વાળીએ અને આપવાનું ચૂકવી
દઈએ. માફી માગી લઈએ, પ્રેમ કરી લઈએ, મનદુઃખ ભૂલી જઈએ અને ઉજવેલા પ્રસંગોનો આનંદ
મુઠ્ઠીમાં બંધ કરીને 2024 તરફ ડગલાં માંડીએ.