સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અનેક લોકવાયકાઓ વહેતી થઈ છે. કોઈકે એને હેરાન કર્યો, કોઈકે ફિલ્મમાંથી બહાર કાઢ્યો કે એનું અપમાન થયું વગેરે માટે સફળ કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો ઉપર દોષનો ટોપલો ઓઢાડવામાં આવી રહ્યો છે. એણે પચાસ સીમકાર્ડ બદલ્યાં હતાં, કે વિકિપીડિયા પર એની આત્મહત્યાની માહિતી આત્મહત્યા પહેલાં જ અપડેટ કરી દેવામાં આવી હતી એવા પ્રકારના સાચા-ખોટા સમાચાર મીડિયામાં ફરી રહ્યા છે. બીજું કંઈ થયું હોય કે નહીં પણ સુશાંતસિંગની આત્મહત્યાએ આંખોમાં સપનાં લઈને મુંબઈ પહોંચનારા અનેક નવયુવાનોની આંખો ખોલી નાખી છે. થોડા વખત પહેલાં આવું જ એક અભિયાન #Metooનું ચાલ્યું હતું. 10-15 વર્ષ પહેલાં પોતાને સ્ત્રી હોવાને કારણે થયેલો અન્યાય કે શોષણ વિશે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક સ્ત્રીઓએ અચાનક ફરિયાદ કરવા માંડી. અત્યારે પણ નેપોટીઝમ (વારસાગત મળતા ફાયદા) અને ફેવરીટીઝમ સામે ઘણા લોકોએ પોતાનું મોઢું ખોલ્યું છે ત્યારે કેટલીક વાતો સમજવી જોઈએ, એવું મને લાગે છે.
પટનાનો એક એન્જિનિયર છોકરો મુંબઈ આવીને એક્ટર બને, સફળ થાય… આ દરેકના ભાગ્ય કે કારકિર્દીમાં નથી હોતું. એવી જ રીતે કોઈ સફળ એક્ટર, દિગ્દર્શક કે લેખકનું સંતાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાની ગેરંટી સાથે પ્રવેશી શકતું નથી. કુમાર ગૌરવ (રાજેન્દ્રકુમાર), કુણાલ ગોસ્વામી (મનોજકુમાર), સિદ્ધાર્થ રે (વ્હી શાંતારામ), સુનિલ આનંદ (દેવ આનંદ), પ્રતિભા સિન્હા (માલા સિન્હા), મીમોહ (મિથુન ચક્રવર્તી), ફરદીન ખાન (ફિરોઝ ખાન), ઝાયેદ ખાન (સંજય ખાન), હરમન બાવેજા (હેરી બાવેજા), ટ્વિન્કલ ખન્ના (રાજેશ ખન્ના, ડિમ્પલ), ઈશા દેઓલ (ધર્મેન્દ્ર, હેમા માલિની), સારા અલી ખાન (અમૃતા-સૈફ), જ્હાનવી કપૂર (શ્રીદેવી-બોની કપૂર), હર્ષવર્ધન (અનિલ કપૂર), સૂરજ પંચોલી (આદિત્ય પંચોલી), આથિયા શેટ્ટી (સુનિલ શેટ્ટી), સોહા અલી ખાન (શર્મિલા ટાગોર-પટૌડી) અને રસપ્રદ દાખલો રણધીર કપૂર, રાજીવ કપૂર (રાજ કપૂરનો એક જ દીકરો સફળ થયો)… આવું તો એક આખું લિસ્ટ બનાવી શકાય, જે નેપોટીઝમને ખોટું ઠેરવી શકે. જેના ઉપર આ નેપોટીઝમના આક્ષેપો કરવામાં આવ્યા છે એવા સલમાન ખાન પણ પોતાના ભાઈઓ કે બનેવીઓની કારકિર્દી બનાવી શક્યા નથી ! મહેશ ભટ્ટ પોતાની દીકરી પૂજા ભટ્ટની કારકિર્દીને ઠુમકા મારી શક્યા નહીં તો કરણ જૌહર પણ એના ફેવરીટ સિદ્ધાર્થ મલહોત્રાને હજી સુધી એક સુપરહિટ આપી શક્યા નથી કે શાહરુખની છેલ્લી ત્રણ ફ્લોપ બચાવી શક્યા નથી !
આપણે બધા નિષ્ફળતાનો દોષ બીજા પર ઢોળતાં શીખી ગયા છીએ, કારણ કે આપણને એ જ સહેલું પડે છે. અહીં સવાલ સુશાંતની આત્મહત્યા માટે કોણ જવાબદાર છે એનો નથી. એ તો પોલીસ અને સીબીઆઈ નક્કી કરશે. જો કોઈ ગુનેગાર હોય તો એને સજા થવી જ જોઈએ, પરંતુ અહીં સવાલ છે નેપોટીઝમ કે ફેવરીટીઝમનો. કોઈ એક સફળ વ્યક્તિ બીજી વ્યક્તિને ક્યાં સુધી મદદ કરી શકે ?
ઓશોએ પોતાના એક વક્તવ્યમાં કહ્યું છે, “નાળિયેરી પર ચઢનાર માણસને નીચે ઊભેલો માણસ એક લેવલ સુધી જ મદદ કરી શકે, પછી તો એણે જાતે જ ઉપર ચડવું પડે છે. એ વખતે એને પોતાના હાથ-પગ અને હિંમત સિવાય બીજું કશું કામ લાગતું નથી.” ફિલ્મ ઈન્ડસ્ટ્રી નાળિયેરી જેવી છે. ચઢાણ સીધું છે, ઉપર ગયા પછી ટોપ એન્ગલનો વ્યૂ એવો છે કે નીચેના બધા જ “નાના” લાગવા માંડે, ભલેને એ ઝાડ પર ચઢેલા હોય તો પણ એ નાળિયેરીની બરોબરી ન કરી શકે. વળી, ત્યાં એક જ વ્યક્તિ માટે જગ્યા છે… જેને સુપરસ્ટાર, સુપરહિટ, ટોપ, નંબર વન જેવા લેબલ ચોંટાડવામાં આવે છે.
રણબીર કપૂર કે સલમાન ખાન બાળપણથી પોતાના ઘરમાં અમિતાભ બચ્ચન કે રાજેશ ખન્ના જેવા કલાકારોને જોતા આવ્યા હોય… રિશી કપૂરે પોતાના બાળપણમાં આર.કે.ની હોળી જોઈ હોય, જેમાં પ્રવેશ મેળવવા માટે ફિલ્મી દુનિયાના કલાકારોને ખુશામત કરતા જોયા હોય, કરિના કે કરિશ્મા માટે સ્ટારડમ કોઈ મોટી વાત ન હોય, કારણ કે એમણે પોતાના ઘરમાં એકથી એક ચઢિયાતા સ્ટાર જોયા છે. આપણે જ્યારે નેપોટીઝમની વાત કરીએ છીએ ત્યારે આપણે લિગસી શબ્દને ભૂલી જઈએ છીએ.
વારસામાં મળતો આત્મવિશ્વાસ અને આવડત પણ ક્યાંક પોતાનું મહત્વ ધરાવતા હોય છે. ગુલઝારની દીકરી જ્યારે છપાક્ બનાવે ત્યારે એને પિતા પાસેથી મળેલો સ્ક્રીનપ્લે લખવાનો કે સિનેમાની ફ્રેમનો વારસો આપણે કેવી રીતે નકારી શકીએ ? આવા લેજન્ડ્સના સંતાનો જ્યારે સફળ થાય છે ત્યારે માત્ર માતા-પિતાનું નામ નહીં એમની પોતાની ટેલેન્ટ પણ એમાં જવાબદાર હોય છે. અભિષેક બચ્ચન સફળ છે કે નહીં એની ચર્ચા ન કરીએ તો એ ખરાબ એક્ટર છે એવું તો કોઈ ન જ કહી શકે ! યુવા, ગુરુ, રાવણ જેવી ફિલ્મોમાં એમણે પોતાની અભિનય શક્તિ પુરવાર કરી દીધી છે. બચ્ચન સાહેબને ભાષાનો વારસો એમને એમના પિતા પાસેથી મળ્યો છે, ઘરમાં આટલા બધા પુસ્તકો હોય તો માણસની ભાષા સ્વાભાવિક રીતે સારી હોય એને માટે આપણે વારસાને સારો કહીશું કે ખરાબ ?
વારસામાં લિગસી મળે છે, સહુને, પરંતુ એને આગળ લઈ જવાનું કામ વ્યક્તિના પોતાની આવડત અને આત્મવિશ્વાસ પર આધારીત છે. કોઈપણ વ્યક્તિની નિષ્ફળતા માટે બીજી વ્યક્તિ જવાબદાર નથી હોતી એવું કર્મનું ગણિત કહે છે. એથી આગળ વધીને વિચારીએ તો સમજાય કે વ્યક્તિ ત્યાં સુધી નિષ્ફળ નથી જ્યાં સુધી એ પોતે પોતાની નિષ્ફળતા સ્વીકારી ન લે !
શુક્રવારથી શુક્રવારની આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પરમેનન્ટ સફળ નથી, અને કોઈ પરમેનન્ટલી નિષ્ફળ નથી. માણસ પોતાની જાતને નિષ્ફળ માને છે કારણ કે એ સરખામણી કરે છે. હેલ્ધી કોમ્પિટિશન આવકાર્ય છે, કારણ કે એનાથી વિકાસ થાય છે, વ્યક્તિનો અને વ્યવસાયનો… પરંતુ જ્યારે આપણે બીજા સાથે સરખામણી કરવા લાગીએ છીએ ત્યારે હરીફાઈ બાજુએ રહી જાય છે અને ફક્ત સફળતા-નિષ્ફળતાના, ફોલોઅર્સના કે ફીના આંકડા બાકી રહી જાય છે. કોઈ આપણને ‘હરાવી શકે’ જો આપણે હાર સ્વીકારી લઈએ, બાકી એ નાનકડી પરિસ્થિતિને ‘એક પ્રયત્ન’ કહીને નવેસરથી, નવો વિચાર કરી શકાય.
સુશાંત 34 વર્ષનો હતો, સલમાન અને શાહરુખ 54ના છે ! 20 વર્ષ પછી સુશાંત ક્યાં હોત એ વિશે જો એણે એકવાર વિચાર્યું હોત તો કદાચ…