અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા.
આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ.
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.
યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.
વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી.
બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી,
એને કોએ ન સંભાળી, સૌને સંભાળતી છતાં.
અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક-શો અમે,
અનિષ્ટો શંકતાં ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા.
અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં,
બોર-શું આંસુ એકેક બાને નેત્ર ઠર્યું તહીં.
ચિડાયો ચિત્ર લેનારો, ‘બગડી પ્લેટ માહરી.’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ, હરિ!
ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ લુહાર, ભરૂચ જિલ્લાના અમોદ તાલુકામાં જન્મીને ગુજરાતી
ભાષામાં જ એમણે ઉત્તમ કવિતાઓ આપી છે એવા કવિ સુંદરમની આ કવિતા ‘બાનો ફોટોગ્રાફ’
આજે 50-55ના થઈ ગયેલા ઘણા બધા સંતાનોના જીવનમાં સત્ય પૂરવાર થાય એવી, કડવી પણ
પીડાદાયક કવિતા છે.
ગુજરાતીઓની પહેલી જનરેશન આજે 75-80ની થવા આવી છે. આ એવા લોકો છે જેમણે
ખૂબ મહેનત કરીને પોતાના સંતાનોને સારું શિક્ષણ, નાનકડું પણ પોતાનું ઘર અને એક ઉજ્જવળ
ભવિષ્ય આપ્યું. કેટલાકે નાનો સરખો વ્યવસાય શરૂ કર્યો તો કેટલાકે સરકારી કે પ્રાઈવેટ નોકરી કરીને
સંતાનોને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યા. એ સંતાનો ખૂબ પૈસા કમાયા. પિતાના
વ્યવસાયને આગળ લઈ ગયા કે પછી પોતાના વ્યવસાયમાં ફક્ત 10-15 વર્ષમાં જ એમણે કરોડો
રૂપિયા અને મિલકતો વસાવી. આજે એ સંતાનો ‘મોર્ડન’ બની ગયા છે. એમની જીવનશૈલી જુદી છે
કદાચ એટલે, એમને પોતાના માતા-પિતાની કરકસર ‘કંજુસાઈ’ લાગે છે. એમનું કહેવું કે સલાહ
‘ટોકવું’ કે ‘કચકચ’ લાગે છે. અચાનક મોર્ડન થઈ ગયેલી પુત્રવધૂ હવે સિંધાલુણ, બ્રાઉન સુગર અને
ઓટ્સ ખાય છે. પૌત્ર-પૌત્રીઓ પિત્ઝા, પાત્સા ખાય છે અને દાદાજી કે દાદી માટે ભાખરી, રોટલો કે
ખીચડી બનાવવા પડે તો એ કેટલાંક ઘરોમાં ‘માથાકુટ’ લાગે છે!
75-80ના માતા-પિતા માટે આવા સંતાનો એમની એનિવર્સરી કે જન્મદિવસ ઉજવવાનો
ભવ્ય ખર્ચો કરે છે, મિત્રો, પરિવાર, સગાંને બોલાવે છે, પરંતુ એમાં માતા-પિતા પરત્વેની લાગણી કે
કાળજીને બદલે પોતે શું કમાયા છે અને ક્યાં પહોંચ્યા છે એ ‘બતાવી આપવાની’ ઝંખના વધુ હોય છે.
સવાલ એ નથી કે, માતા-પિતા દરેક વખતે સાચા જ હોય છે. વૃધ્ધત્વની પોતાની આગવી સમસ્યાઓ
હોય જ છે, પરંતુ એની સામે મહત્વનું એ છે કે, આપણે આપણા માતા-પિતા માટે જે કંઈ કરીએ
છીએ એ દેખાડો કે પ્રદર્શનને બદલે હૃદયની લાગણીમાંથી ઉદભવતી સાચી પ્રવૃત્તિ હોવી જોઈએ.
જેમણે જીવનભર કરકસર કરી છે એમને આવો દેખાડો કે આવી ઉજવણી મોટેભાગે મંજૂર નથી
હોતી. સત્ય તો એ છે કે, સતત વ્યસ્ત રહેતા દીકરો અને પુત્રવધૂ જો આખો દિવસ એમની સાથે ગાળે
કે એમને એમના ગમતા મંદિરે, યાત્રા સ્થળે કે સગાંને ત્યાં લઈ જાય તો કદાચ એમને માટે એ મોટી
ઉજવણી પૂરવાર થાય!
‘બાનો ફોટોગ્રાફ’ કવિતામાં બાની જે વ્યથા કહેવાઈ છે એ વિતી ગયેલી એક આખી પેઢી માટે
મહદઅંશે સાચી છે. કેટલીય વિધવા સ્ત્રીઓએ પોતાના પુત્રના ઉજ્જવળ ભાવિ સામે જોઈને
પોતાનું વૈવિધ્ય વિતાવી નાખ્યું, પરંતુ સંતાન જ્યારે જુવાન થયો, કમાતો થયો ત્યારે એને એ ત્યાગ,
બલિદાન સહેલાઈથી ભૂલાઈ ગયા એટલું જ નહીં, અભાવમાં જીવેલી માનો સ્વભાવ હવે એને
ખટકવા લાગ્યો. એ ઘરમાં જૂની સાડી પહેરે તો મહેમાનોની સામે શરમ આવે, બહાર જતાં એણે શું
પહેરવું એનો નિર્ણય હવે પુત્ર કે પુત્રવધૂ કરવા લાગે! દીકરાની નાની નાની કાળજી હવે ‘બીનજરૂરી
ઈન્ટરફિયરન્સ’ લાગે અને પૌત્ર-પૌત્રીની ભોજનશૈલી અને જીવનશૈલી વિશે મા-બાપ કંઈ કહે તો એ
‘રૂઢિચુસ્તતા’ કે ‘જુનવાણીપણું’ લાગે!
એ પછી જ્યારે માતા-પિતા ચાલી જાય ત્યારે એમના મોટામોટા ફોટા ઘરમાં લટકાવવામાં
આવે. ભવ્ય બેસણું યોજવામાં આવે અને દરેક એનિવર્સરીએ છાપામાં ‘આપ અમને હજીયે યાદ
આવો છો’ જેવી જાહેરાતો આપવામાં આવે. એમના નામે દાન કરીને તક્તી મૂકાવામાં આવે, પરંતુ
જોવા માટે એ નથી! આ તો બધું આપણા સંતોષ માટે કરીએ છીએ…
‘બાનો ફોટોગ્રાફ’ પણ પોતાના સંતોષ માટે પડાવવા નીકળેલા આ બે ભાઈઓની કવિતા
કદાચ, 50-55 વટાવી ગયેલા સફળ, અમીર અને શાણા સંતાનની આંખો ખોલી શકે, કદાચ!