ખલીલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી પૂછે છેઃ ‘અમને પીડા અંગે જણાવો.’ અલ
મુસ્તુફા કહે છે કે, ‘તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એક
પ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે.
કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.’ જિબ્રાન લખે છે, ‘જે પ્રમાણે ફળના
ઠળિયાને ફૂટવું પડે છે કે, જેથી તેનું હૃદય સૂર્યને પામી શકે, તેમ તમારેયે દુઃખને જાણવું પડે છે. તમે તમારા
હૃદયની ઋતુઓને પણ એ જ રીતે સ્વીકારી શકો, જેમ તમારાં ખેતરો પર ફરી વળતી ઋતુઓને સ્વીકારો
છો અને સમાધાનપૂર્વક તમે તમારા દુઃખના શિયાળાને નિર્ગમન કરી શકો. તમારું ઘણું દુઃખ જાતે વહોરેલું
હોય છે. એ એવી કડવી દવા છે, જેના વડે તમારી અંદર વસતો વૈદ્ય તમારા માંદા આત્માને સાજો કરે
છે.’
કિશોરલાલ મશરૂવાળાએ ‘પ્રોફેટ’નો અનુવાદ કર્યો છે (વિદાય વેળાએ) એ સિવાય પણ ‘પ્રોફેટ’ના
ગુજરાતીમાં અને 100 જેટલી અન્ય ભાષામાં ઘણા અનુવાદો થયા છે. જીવનની મુખ્ય બાબતો વિશે આ
અમેરિકન લેખક ખલીલ જિબ્રાને 26 અપદ્યા ગદ્ય લેખો લખ્યા છે. 1923માં પ્રકાશિત થયેલા આ
પુસ્તકમાં ‘પ્રોફેટ’ (દેવદૂત) અલ મુસ્તુફા સાથેના સંવાદ છે. 12 વર્ષ સુધી ઓર્ફાલિઝ શહેરમાં રહ્યા પછી
જ્યારે એ હોડીમાં બેસવા જાય છે ત્યારે થોડાક લોકો રોકે છે અને જીવન વિષયક પ્રશ્નો પૂછે છે. આ
પ્રશ્નોત્તરી એટલે આપણને સૌને ઉઠતા જીવનના મુખ્ય પ્રશ્નોના ઉત્તરો.
કેટલી નવાઈની વાત છે, ભારતની સંસ્કૃતિમાં ઉપનિષદો પણ પ્રશ્નોત્તરી દ્વારા આપણી સામે
મૂકાયા છે તો બીજી તરફ, આજથી સો વર્ષ પહેલાં, 1923માં પ્રકાશિત થયેલું આ પુસ્તક પણ પ્રશ્નોત્તરી
દ્વારા માણસના મનમાં ઉઠતી સમસ્યાઓને સુલઝાવવાનો પ્રયાસ કરે છે. આપણે બધા પ્રશ્નો પૂછતા
બહુ અચકાઈએ છીએ. મોટાભાગના લોકો એવું વિચારીને પ્રશ્ન નથી પૂછતા કે, કદાચ એમનો પ્રશ્ન
મૂર્ખામી ભર્યો લાગશે અથવા સામેની વ્યક્તિ કે ત્યાં હાજર લોકો ક્યાંક એવું વિચારે કે, આ માણસને
આટલી નથી ખબર! આ ‘અન્યની દ્રષ્ટિએ પોતે’નો ભય માણસને પ્રશ્ન પૂછવાથી રોકે છે અને જ્યારે એક
વ્યક્તિ પ્રશ્ન નથી પૂછતી ત્યારે એ જ્ઞાનથી વંચિત રહી જાય છે.
આજથી થોડા વર્ષો પહેલાંની પેઢી એકમેકના ન્યાયાધિશ બનવામાં જ પાછળ રહી ગઈ. ‘ઈમેજ
કોન્શિયસ’ આ પેઢી લગભગ બીજાઓ માટે જીવી ગઈ. લગ્નજીવન દુઃખી હોય તો પણ સુખી હોવાનો
દંભ, સંતાન ખરાબ રીતે રાખતું હોય તો પણ બહાર-સમાજમાં સંતાનનું નામ ખરાબ ન થાય એ માટે
સુખી હોવાનો દંભ, આર્થિક સ્થિતિ નબળી હોય તો પણ સામાજિક પ્રસંગોએ દેવું કરીને ખર્ચા કરવાનો
દંભ અને એ બધું ઓછું હોય એમ, પોતે યોગ્ય અને સાચા જ છે એ વિશે એક મોહરું પહેરી રાખીને
ભીતર સાચો ચહેરો છુપાવવાનો દંભ આ આખી પેઢીને ઉધઈની જેમ કોરતો રહ્યો. હવેની પેઢી એમના
માતા-પિતાની સરખામણીએ વધુ સાચી અને અત્યંત પ્રામાણિક છે. જે નથી ગમતું એ વિશેની સ્પષ્ટતા,
જે નથી કરવું એ વિશે સ્પષ્ટ નકાર, આ પેઢીને જિંદગી વિશે પારદર્શક બનાવે છે.
એક સ્ત્રી જ્યારે પૂછે છે, ‘અમને પીડા વિશે જણાવો…’ ત્યારે 1923માં સ્ત્રીની મનઃસ્થિતિ અને
પરિસ્થિતિ બંને વિશે આપણને એક સંકેત મળે છે કે, પીડા સાથે સ્ત્રીનો સંબંધ જૂનો છે. એ પીડા
શારીરિક હોય કે માનસિક, સ્ત્રીની પીડા વિશ્વભરમાં ક્યારેક મજાક તો ક્યારેક અત્યાચારનું સ્વરૂપ બનીને
સમયસમયાંતરે પ્રગટ થતી રહી છે. સ્ત્રી બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે કારણ કે, નવા
સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે. સ્ત્રી ત્યાં સુધી જ
સમાજ વ્યવસ્થાને તોડી નાખવાનું સ્ત્રી માટે અત્યંત સરળ છે, કારણ કે સ્ત્રીના ચારિત્ર્ય પર આ સમાજ
વ્યવસ્થાના પાયા ગોઠવાયેલા છે. કોઈપણ સમાજ જ્યારે પણ સ્ત્રીને અવગણીને આગળ વધે છે ત્યારે એ
સમાજ બહુ પ્રગતિ સાધી શકતો નથી.
જેમને વેદો-પુરાણોમાં ક્ષુદ્ર તરીકે ઓળખાવાય છે તેવા લોકોના સમાજ બહુ પ્રગતિ સાધી શકતા
નથી, કારણ કે ત્યાં સ્ત્રી સન્માનની પ્રથા નથી. સ્ત્રીની નિરક્ષરતા આખાય સમાજની નિરક્ષરતા છે, કારણ
કે નિરક્ષર માતા ભાગ્યે જ સાક્ષર કે વિદ્વાન બાળક ઉછેરી શકે છે.
ખરું પૂછો તો છેક પુરાણોના કાળથી પુરુષના મન અને વિચારોમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી,
પરંતુ સ્ત્રી પ્રત્યેક યુગે બદલાઈ છે. એણે પોતાનો વિકાસ જાતે સાધ્યો છે અને એનું કારણ એની પીડા છે.
ફિનિક્સ પંખી પોતાની જ રાખમાંથી ઊભું થાય છે એવી રીતે સ્ત્રી દરેક વખતે પોતાના જ વિનાશમાંથી
નવું સર્જન કરે છે.
સીતાની જેમ રાવણના અશોકવાટિકામાં કેદ પોતાની પત્ની ફક્ત પોતાનું જ સ્મરણ કરે, ફક્ત
પોતાના જ વિશે વિચારે અને પોતાને જ યાદ કરીને દુઃખી રહે એનાથી પુરુષનો અહમ સંતોષાય છે,
પરંતુ એ પત્ની વિના મજા કરે છે અને સુખી છે એ બાબતે મિત્રો સાથે અત્યંત સ્વાભાવિક રીતે મજાક
કરીને એવી અપેક્ષા રાખે છે કે, પત્નીએ પણ એ મજાકને સ્વીકારી લેવી. મોટાભાગના પુરુષો પોતાના
લગ્નજીવન અંગે, પત્નીની સ્થૂળતા અંગે, એના ફુવડપણા અંગે, ટેકનોલોજીની અણઆવડત અંગે,
અંગ્રેજી નહીં બોલી શકવા અંગે કે પતિની ચિંતા કરીને ફોન કરવા, પ્રશ્નો પૂછવા અંગે એના સ્વભાવ અંગે
બહુ જ સ્વાભાવિકતાથી જોક મારી શકે છે… મિત્રો અને મહેમાનોની હાજરીમાં પત્નીને ‘જાડી’ કે
‘ઝઘડાળુ’ કહેવી એમના માટે સાવ સાદી બાબત છે, પરંતુ એમને જો એમની પત્ની ‘જાડિયો’ કે
‘કકળાટિયો’ કે ‘નસકોરાં બોલાવતો’ કે ‘ખાઉધરો’ કહે તો એ એમનાથી સહન થઈ શકે ખરું?
સ્ત્રીને ‘છલ’ કહેતા લોકો પણ સાવ ખોટા નથી. જ્યારે તમને કોઈ એક વ્યક્તિનું સ્પષ્ટ સ્વરૂપ ન
સમજાય ત્યારે એ વ્યક્તિ તમને છલનામયી લાગે એ સ્વાભાવિક છે, પરંતુ સ્ત્રી છલ નથી, સ્ત્રી અનેક રૂપ
ધારણ કરવાની શક્તિ ધરાવતું એક એવું વ્યક્તિત્વ છે જેને એના તમામ પાસાં સાથે જ સ્વીકારવું પડે!
એને ચાહવા માટે સમજવી જરૂરી નથી, પરંતુ સમજવા માટે ચાહવી અનિવાર્ય છે.