પ્રકરણ – 30 | આઈનામાં જનમટીપ

‘આરોપીએ કન્ફેશન કરી લીધું છે, કેસ રિ-ઓપન થયો છે, માટે પોલીસને રિમાન્ડની જરૂર નથી. આરોપીને
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે.’ ન્યાયાધિશનો ચૂકાદો સાંભળતા જ નાર્વેકરના ચહેરા પર તણાવ વધી
ગયો. કાચી જેલમાં રાહુલ તાવડેના માણસોને દાખલ થતા વાર નહીં લાગે એ વિચાર માત્રથી ધ્રૂજી ઊઠ્યો. બાજુમાં
બેઠેલા ખામ્બેની સાથે એની નજર મળી ત્યારે એની આંખોમાં દેખાતો ખૌફ જોઈને ખામ્બેએ આંખ બંધ કરીને એને
સધિયારો આપ્યો.
આરોપીના પિંજરામાં ઊભેલા મંગલસિંઘના ચહેરા પર આ ચૂકાદાથી એક રેખાનો ય ફેરફાર થયો નહીં. એ
નિરાંતે ઊભો હતો. વકીલોની પાછળ બેઠેલા લોકોના ટોળેટોળાં આ કેસ સાંભળવા આવ્યા હતા. મીડિયાએ ચગાવેલા
આ કેસનું શું થાય છે એ જાણવાની ઈન્તજારી સૌને હતી.
મંગલસિંઘ અને ડૉ. શ્યામાની નજર મળી. મંગલે નિર્દોષ વ્હાલસોયું સ્મિત કર્યું. શ્યામા સહેજ ઝંખવાઈ ગઈ.
ચૂકાદો સાંભળ્યા પછી બધા ધીમે ધીમે બહાર જવા લાગ્યા ત્યારે શ્યામા અને ડૉ. ભાસ્કર પણ કોર્ટરૂમના દરવાજાની
બહાર નીકળ્યા. બે હાથમાં દોરડું બાંધીને મંગલસિંઘને લઈ જતાં હતા ત્યારે એણે પોતાની સાથેના પોલીસ કર્મચારીને
કહ્યું, ‘એક મિનિટ શ્યામા સાથે વાત કરાવે છે?’
પોલીસ કર્મચારી હસી પડ્યો, ‘મજનુ!’ એણે કહ્યું, ‘તું ભલે મજનુ હોય, પણ એ નથી તારી લૈલા. જરા વિચાર
તો કર, તું અભણ, ગુંડો અને એ ભણેલી ગણેલી ડાક્ટર.’ એણે મંગલસિંઘના માથામાં ટપલી મારી, ‘સપનાં પણ
હેસિયતમાં જોવા જોઈએ.’
‘હું મજનુ હોઉ એટલે એણે લૈલા હોવું જરૂરી નથી.’ મંગલસિંઘ પણ હસી રહ્યો હતો, ‘મારે એની પાસેથી કઈ
જોઈતું નથી. બસ, બે મિનિટ વાત કરવી છે.’
‘શું વાત કરવી છે?’ પોલીસ કર્મચારી કંટાળ્યો હતો, ‘એને તારી સાથે વાત નથી કરવી, જો એને પણ વાત
કરવી હોત તો એ આવત ને અહીંયા. કેટલીય આવે છે એના બોયફ્રેન્ડને, પતિને કોર્ટમાં લાવે ત્યારે… તારી હેમા
માલિની તો એ ઊભી, તારી સામે જોતી ય નથી.’
‘લઈ જા ને યાર!’ મંગલસિંઘે જરા લાડથી વિનંતીના સૂરમાં કહ્યું. પોલીસ કર્મચારી એની વાત ટાળી શક્યો
નહીં. મંગલની આંખોમાં એક ચાર્મ હતો. એની શ્યામ ત્વચા, ભાવવાહી આંખો અને વારેવાર કપાળ પર ધસી આવતા
લીસા વાળા, વેલબિલ્ટ શરીર… બધું કુલ મળીને એકાદા ફિલ્મી હીરો કરતાં ઓછું નહોતું! કર્મચારી એને લઈને શ્યામા
તરફ આગળ ગયો. મીડિયાના લોકો ચાલી જાય એની રાહ જોતી શ્યામા ખૂણામાં લગભગ લપાઈને ડૉ. ભાસ્કર સાથે
ઊભી હતી.
‘મૈડમ! ઈસકો કુછ બાત કરને કા હૈ.’ પોલીસ કર્મચારીએ કાયદાની વિરુધ્ધ જઈને આરોપીને ફરિયાદીની સામે
ઊભો કરી દીધો, સાથે ઉમેર્યું ખરું, ‘વૈસે અલાઉડ નહીં હૈ.’
શ્યામાએ નજર ઊઠાવીને મંગલસિંઘ સામે જોયું. મંગલસિંઘ જે રીતે એને જોઈ રહ્યો હતો એ નજર શ્યામા
સહી શકી નહીં. એણે નજર ઝુકાવી લીધી. મંગલસિંઘના બંને હાથમાં બાંધેલા દોરડા જોઈને એક ક્ષણ માટે એને પીડા
થઈ આવી, એણે પોતાની જાત પર સંયમ મેળવવાનો પ્રયત્ન કર્યો, અદબ વાળી દીધી અને બંને હાથ શરીર પર એવી
રીતે ભીંસી દીધા જાણે પોતે જ પોતાને સહારો આપતી હોય.
મંગલસિંઘે ધીમેથી કહ્યું, ‘શ્યામા!’ એણે કદાચ પહેલીવાર આવી રીતે સંબોધન કર્યું હતું. અનિચ્છાએ પણ
શ્યામાના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. એ નીચું જોઈને ચસોચસ અદબ ભીડીને ઊભી રહી, ‘આજથી
જેલમાં જાઉ છું. આમ તો એ જ મારી જગ્યા છે, પણ એક વાત કહેવી છે…’ એ થોડીક ક્ષણો ચૂપ રહ્યો. શ્યામાએ ઊંચું
ન જોયું. એની સાથે આવેલો પોલીસકર્મી પણ ઘડીભર માટે ભૂલી ગયો કે એ એક આરોપી અને ફરિયાદીની વચ્ચે
ઊભો હતો, ‘હું કદાચ મરી જાઉ એ પહેલાં તું મને માફ કરી દેજે.’ શ્યામાથી અનાયાસ ઊંચું જોવાઈ ગયું. મંગલ સાથે
દ્રષ્ટિ મળતાં જ શ્યામા જાણે વિંધાઈ ગઈ, ‘તું માફ નહીં કરે તો મારે ફરી જન્મ લેવો પડશે. તારે ફરી મળવું પડશે મને.
આ માફી આપણા બે વચ્ચેનું કનેક્શન બની જશે, જન્મોજનમ…’ મંગલસિંઘનો અવાજ તરડાયો, એની આંખોમાં
ઝળઝળિયાં આવ્યાં, ‘મને તો ગમશે, પણ તારે જો મને ફરી ન મળવું હોય તો માફ કરી દેજે મને. મુક્ત કરી દેજે.’

‘મેં માફ ન કર્યું હોત તો બચાવ્યો જ ન હોત!’ શ્યામાથી કહેવાઈ ગયું, પછી એને અફસોસ થયો. એણે
મંગલસિંઘની આંખોમાં જોઈને કહ્યું, ‘તું એટલી આસાનીથી નહીં મરે.’
મંગલસિંઘ ખડખડાટ હસી પડ્યો, ‘સાચી વાત છે.’ એણે કહ્યું, ‘એક તું માફ કરીશ એનાથી ક્યાં પૂરું થવાનું
છે? કેટલીયે શફક, સીમા, તારા, રૂપા, ચંદા, મોહિની, રીટા…’ બોલતાં બોલતાં એની આંખોમાં આવેલાં ઝળઝળિયાં
આંસુ બનીને વહેવા લાગ્યાં, ‘કોની કોની માફી માગું? કોણ કોણ માફ કરશે?’ આંખોમાંથી વહેતા આંસુ અને ચહેરા
પરનું સ્મિત, કોઈ અજબ કોમ્બિનેશન બની રહ્યું હતું દુઃખ અને આકર્ષણનું, ‘શફક તો જન્નતમાં હશે ને હું નર્કમાં, મને
મળશે પણ નહીં!’ એણે કહ્યું. પોલીસ કર્મચારી એની આ વાત સાંભળી રહ્યો હતો. એ જાણે વશીકરણ થયું હોય એમ
આશ્ચર્યથી મંગલસિંઘ સામે જોઈ રહ્યો હતો, ‘મારે તો બહુ જનમ લેવા પડશે. સૌની માફી માગવા. મારું પાપ
ધોવા…’ કહીને મંગલસિંઘે પોતાના બંને દોરડાવાળા હાથ લંબાવીને શ્યામાના હાથને સ્પર્શ કરવાની કોશિશ કરી, પણ
કર્મચારીએ દોરડું ખેંચીને એનો હાથ અટકાવી દીધો, ‘શ્યામા, મારા આ ગુનાહના અંધકારમાં તારો પ્રેમ જ એક નાનકડો
દીવો છે. જેટલી વખત મારા ગુનાહ યાદ કરું છું એ દરેક વખતે તારી બે આંખો કોઈ જ્યોતની જેમ મારી સામે ટમટમી
છે. મારી અંદરનો અંધકાર તારી બે આંખોથી દૂર થઈ જાય છે. બસ! એટલું જ કહેવું છે કે, તું મને પ્રેમ કરે કે નહીં,
ક્યારેય નફરત નહીં કરતી. તારી નફરત નહીં સહી શકું હું.’ કહેતાં કહેતાં મંગલ રડી પડ્યો. એણે પોતાના બે હાથ વડે
ચહેરો ઢાંકી દીધો. એ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો અને વારેવારે કહી રહ્યો હતો, ‘ડોન્ટ હેઈટ મી
શ્યામા, પ્લીઝ નફરત નહીં કરતી…’

વણીકર વીલા મોઢે દિલબાગની સામે બેઠો હતો. દિલબાગ નિરાંતે જમીન પર પગ લાંબા કરીને લોક-અપની
ભીતને ટેકો દઈને બેઠો હતો. વિક્રમજીત પોતાના બંને હાથ પાછળ બાંધીને લોક-અપની નાનકડી ઓરડીમાં આંટા
મારતો હતો.
‘તો ક્યા હૈ? કરી દે એન્કાઉન્ટર.’ દિલબાગે કહ્યું, ‘નોકરી બચી જશે તારી, ને જીવ પણ!’ એણે વિક્રમજીત સામે
જોયું, ‘બેસી જા હવે.’
‘અરે! મારે નથી કરવું એવું બધું. એના કરતાં તમે સાહેબને મળીને કહી દો ને એનાથી કોઈ ખતરો નથી.’
વણીકરે ગરીબડા થઈને કહ્યું.
‘હું તો કહી દઉ!’ દિલબાગ એકદમ મોજમાં હતો. એને આ એન્કાઉન્ટરની વાત સાંભળીને જરા જેટલો ફેર
પડ્યો નહોતો. એ જોઈને વણીકર ઔર ગભરાયો હતો, ‘મારા કહેવાથી તારો સાહેબ માનશે નહીં.’
‘તો શું કરીએ?’ વણીકરે પૂછ્યું.
‘લો!’ દિલબાગ ફરી હસવા લાગ્યો, ‘કસાઈ બકરાને પૂછે છે, શું કરીએ?’
‘અરે ભાઈ, હું કસાઈ નથી એ જ પ્રોબ્લેમ છે.’ વણીકરે કહ્યું, ‘મારે નિર્દોષના લોહીથી હાથ નથી રંગવા.’
વણીકરે દુઃખી થતા કહ્યું, ‘એ પણ રિટાયરમેન્ટના છેલ્લા મહિનામાં.’
‘નિર્દોષ.’ દિલબાગ મોટે મોટેથી હસવા લાગ્યો, ‘તને હું નિર્દોષ લાગું છું?’ પછી અચાનક એનું હાસ્ય સમેટાઈ
ગયું. એ ગંભીર થઈ ગયો. સહેજ પીડા ભર્યા અવાજે એણે કહ્યું, ‘આ દુનિયામાં કોઈ નિર્દોષ નથી. કોઈનો ગુનો પકડાય
છે ને કોઈનો નથી પકડાતો. તારો રાહુલ તાવડે બહુ ડાહ્યો થાય છે, પણ મને આ ધંધામાં લાવનાર જ એનો બાપ છે.
એને બહુ શોખ હતો, રોજ નવી બાઈનો…’

‘શશશ…’ વણીકરે હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો, ‘અહીં સીસીટીવી કેમેરા છે.’ એણે કહ્યું.
‘તો શું?’ હવે દિલબાગને જાણે કશાયનો ભય નહોતો. મંગલસિંઘનું કન્ફેશન અટકાવવાનો એણે થઈ શકે એટલો
પ્રયાસ કર્યો હતો, પણ હવે જ્યારે મંગલસિંઘે પ્રેસ કોન્ફરન્સ કરી નાખી એ પછી દિલબાગે પણ ખોટી ખેંચાખેંચ મૂકીને
પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી, ‘મને શું બીક છે? બીક હોય તો એને છે, એના મરેલા બાપના ધોતિયાં જાહેરમાં
ધોવાય એની…’ એ ફરી હસવા લાગ્યો, ‘મારો છોકરો તો જાહેરમાં નાગો થઈ ગયો, હવે મને શેની શરમ? ને શેની
બીક?’
‘મરવાની ય બીક નથી લાગતી?’ વણીકરથી પૂછાઈ ગયું.
‘સાહેબ! હું જે ધંધામાં છું ને એ ધંધામાં કોની ગોળી પર મારું નામ લખ્યું હશે એ ક્યાં નક્કી છે? મરવાનું
બધાએ છે. તમે એન્કાઉન્ટર કરી નાખો, બીજું શું?’ દિલબાગ ફરી જોરજોરથી હસવા લાગ્યો. વણીકરને સમજાયું નહીં
કે, એણે હવે શું કરવું જોઈએ. એ થોડીવાર ત્યાં બેસી રહ્યો પછી મનોમન ગડમથલ કરતો બહાર નીકળી ગયો.
દિલબાગ આરામથી એ જ રીતે જમીન પર બેઠો હતો. વિક્રમજીત હજી બેચેનીથી આંટા મારતો હતો.
દિલબાગે ફરી એને કહ્યું, ‘બૈઠ જા. કિતના ભી ચલ લે, ઈસ ચારદિવારી સે બહાર નહીં જા સકતા.’ વિક્રમજીત
ધબ કરતો એની બાજુમાં બેસી ગયો.
‘બચ્ચે કો કચ્ચી જેલમેં ભેજા હૈ, યે તાવડેને કુછ ઈધર-ઉધર કિયા તો…’ વિક્રમજીતની આંખોમાં રાહુલ
તાવડેનો ડર હતો.
‘કુછ નહીં કરેગા.’ દિલબાગનો આત્મવિશ્વાસ અચંબો પમાડે તેવો હતો, ‘એને ખબર છે કે, જો એ મંગલને
આંગળી અડાડશે તો હું બેફીકર થઈ જઈશ. અત્યારે એક મંગલ જ છે જેના ડરથી એ મને ચૂપ રહેવા મજબૂર કરી
શકશે. મંગલને કંઈ નહીં કરે એ, મને ખબર છે.’
‘પણ…’ વિક્રમજીત હજી ડરેલો હતો, ‘જેલમાં એના માણસો છે.’

‘આપણા ચાર માણસ રાત-દિવસ મંગલની આજુબાજુ રહેવા જોઈએ.’ અલતાફ રમીઝને સૂચના આપી રહ્યો
હતો. રમીઝ નવાઈથી એની સામે જોઈ રહ્યો હતો. ગઈકાલ સુધી આજ માણસ મંગલસિંઘનું ખૂન કરવા તૈયાર હતો
અને આજે એ જ જેલમાં મંગલસિંઘની હિફાજત કરવા માગતો હતો. રમીઝની આંખોમાં નવાઈ જોઈને અલતાફે
કહ્યું, ‘નવાઈ શેની લાગે છે? હિંમતવાળો છોકરો છે. આપણામાંથી ભાગ્યે જ કોઈને તક મળે છે આવી પોતાના પ્યારને
પામવાની. એની પાકદિલેરી અને ઈશ્કને સલામ કરું છું હું.’ અલતાફની આંખોમાં જોઈ રહેલા રમીઝને અલતાફનો
ભૂતકાળ ખબર નહોતી. રમીઝને જ શું કામ અલતાફના બહુ નજીકના લોકો સિવાય કોઈ જાણતું નહોતું કે, અલતાફે
પોતાની પ્રેમિકાને એક ગેંગવોરની ઘટનામાં ખોઈ દીધી હતી. અલતાફે કદાચ, એટલે જેલની અંદર પણ મંગલસિંઘની
સલામતીની જવાબદારી લઈ લીધી હતી.

મંગલસિંઘ જ્યારે મુંબઈની આર્થર રોડ જેલમાં દાખલ થયો ત્યારે એની સામે એક નવી દુનિયા ઉઘડી ગઈ.
સાચું પૂછો તો દિલબાગે એને રાજકુમાર સિધ્ધાર્થની જેમ ઉછેર્યો હતો. દુનિયાના કોઈ દુઃખ, પીડા-સમસ્યા કે, તકલીફ
એના સુધી આવવા જ દીધા નહોતાં. જેલમાં પ્રવેશતા જ કપડાં ઉતારીને એની તપાસ કરવામાં આવી, ગુદામાં કે બીજે
ક્યાંય કશું સંતાડ્યું નથી એ માટે પણ તપાસ કરવામાં આવી…
મંગલસિંઘને કાચા કામના કેદીઓ સાથે, અન્ડર ટ્રાયલ કેદીઓ સાથે રાખવામાં આવ્યો. એક એલ્યુમિનિયમની
થાળી, એક મગ, કામળો અને બીજી બે-ચાર વસ્તુઓ લઈને મંગલસિંઘ જ્યારે બેરેકમાં દાખલ થયો ત્યારે ખૂણાની,
પંખા નીચેની સારી જગ્યા એને માટે ખાલી કરી રાખવામાં આવી હતી. એના બેરેકમાં એની સાથે રહેતા પંચમે પૂરા
માન અને આદર સાથે એને આવકાર્યો, ‘આઈયે બાબુ, યહ આપકી જગાહ પહલે સે રિજવ કરકે રખી હૈ. ભાઈએ કીધું
છે તમને સાચવવાના, તમારી સેફ્ટી જોવાની.’

‘કંઈ પણ જોઈએ તો મને કહેજો.’ 22-23 વર્ષનો એક કુમળો છોકરો સ્મિત કરતો સામે આવીને ઊભો રહ્યો,
‘આપણે બધા સાથે ઓળખાણ છે.’ એણે કહ્યું.
‘અલતાફભાઈનો ભત્રીજો છે, શહેજાદા કહે છે સૌ એને અહીં. નામ તો શૌકત છે.’ પંચમે કહ્યું, ‘ડબલ મર્ડરમાં
અંદર છે.’ આટલું સાંભળતા જ પેલા છોકરાના ચહેરા પર દુઃખ કે અફસોસને બદલે ગૌરવની લાગણી જોઈને
મંગલસિંઘને નવાઈ લાગી. હું પણ આવો જ હોઈશ. એણે મનોમન વિચાર્યું, કેટલા નવલોહિયા યુવાનો આવી જ રીતે
ગુનાખોરીના કળણમાં ધકેલાઈ જતા હશે! એનું મન આમ પણ ઉદાસ હતું. એ ખૂણામાં જઈને ચૂપચાપ બેસી ગયો.
પગ ઘૂંટણ પાસેથી વાળીને એણે પોતાના બંને હાથ ઘૂંટણની આસપાસ લપેટી દીધા. પેલો છોકરો એની બાજુમાં
આવીને બેસી ગયો.
‘ફોટો બોટો હૈ ક્યા?’ એની આંખોમાં બાળકનું કુતૂહલ હતું. મંગલસિંઘે પ્રશ્નાર્થ સાથે એની સામે જોયું,
‘ભાભી કા…’ શૌકતે કહ્યું, ‘મૈંને સૂના, આપને પબ્લિક મેં બોલ ડાલા.’ પછી અહોભાવ સાથે ઉમેર્યું, ‘ડેરિંગ ચહિએ.’
એની સામે જોઈ રહેલા મંગલની આંખોમાં ઉદાસી હતી. કોણ, શું સમજતું હતું… કોને, શું ફરક પડતો હતો…
પોતે ક્યાં હતો, ક્યાં આવી પહોંચ્યો છે અને હવે શું થવાનું છે આવા કેટલાય વિચારો એના મગજમાં એક સાથે
ઘૂમરાવા લાગ્યા. અલતાફે જેલની અંદર પોતાને માટે આટલી બધી વ્યવસ્થા શું કામ કરી હશે એ વાત સમજતા એને
વાર નહોતી લાગી, પરંતુ બીજી તરફ પોલીસ લોક-અપમાં બંધ પિતાની સલામતી વિશે એને ચિંતા થવા લાગી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *