‘સ્વતંત્રતા’ સ્વાર્થી ન જ હોઈ શકે

‘મને બાળકો નથી જોઈતાં. મારે મારી કારકિર્દીનો વિચાર કરવો છે.’ એક ઘરમાં પુત્રવધૂએ ધડાકો કર્યો. લગ્નને થોડો સમય થયો ત્યાં સુધી તો સાસુ-સસરા ધીરજથી પ્રતિક્ષા કરતાં હતાં. એ એમ વિચારતાં હતાં કે હરવા-ફરવાની ઉમર છે, તો કદાચ થોડા વખત પછી બાળકનું પ્લાનિંગ કરશે, પરંતુ જ્યારે લગ્નને સાત વર્ષ પૂરાં થયાં ત્યારે માતા-પિતાએ મોકળા મને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. ચર્ચાના અંતે પુત્રવધૂએ સાફ શબ્દોમાં કહી દીધુ,‘બાળકોને જન્મ આપીને કોણે શું કાંદા કાઢ્યાં? મારે કારકિર્દીનો વિચાર કરવો છે. બાળક માટે મારી પાસે સમય નથી.’

પહેલાં તો માતા-પિતા ડઘાઈ ગયાં. આનો શું જવાબ આપવો અથવા આમાં આગળ શું ચર્ચા થઈ શકે એ એમને સમજાયું જ નહી. પછી સાસુમાએ થોડોક વખત સમજાવવા, પટાવવામાં વિતાવ્યો, પરંતુ સૌને સમજાઈ ગયું કે વહુ જે કહી રહી છે એ ગંભીરતાપૂર્વક અને અંતિમ નિર્ણય તરીકે કહી રહી છે.

‘હું આખો દિવસ રસોઈ નહી કરી શકું. દોઢ લાખ રૂપિયા કમાઉ છું. કામવાળી બાઈ રાખી શકું છું, તો પછી હું રસોઈ કરું એવો આગ્રહ શા માટે રાખો છો? હું તમને કરવાનું નથી કહેતી, પણ તમે મારી પાછળ પડવાનું છોડી દો.’ મલ્ટિનેશનલમાં કામ કરતી એક પુત્રવધૂએ લગ્નના વીસ દિવસમાં જ આવી જાહેરાત કરી દીધી. વહુના હાથનું જમીને સંતોષનો ઓડકાર ખાવા તત્પર સાસુ-સસરા આ સાંભળ્યા પછી શું જવાબ આપવો એની વિમાસણમાં પડી ગયાં.

‘મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ, મને તમારા દીકરા સાથે નથી ફાવતું. એ મને સમય નથી આપતો ને સૌથી મહત્ત્વની વાત અમારા કોઈ શોખ એકબીજાને મેચ નથી કરતા. હું એની સાથે નહીરહી શકું.’ લગ્નની પહેલી એનિવર્સરી ઊજવાય એ પહેલાં પુત્રવધૂએ કરેલી જાહેરાત સાસુ માટે હાર્ટએટેકનું કારણ બની ગઈ.

આવા કિસ્સાઓ આપણા માટે અજાણ્યા નથી. છેલ્લા થોડા સમયથી આપણે છૂટાછેડાના અનેક કિસ્સાઓ આવા જ નજીવા કારણોસર સાંભળતાં રહ્યાં છીએ. વિચારીએ અને આપણી આસપાસના સમાજને જોઈએ, તો સમજાય કે સ્ત્રીની સ્વતંત્રતાની વ્યાખ્યાઓ સાવ જુદી રીતે બદલાઈ છે. સ્વતંત્ર હોવું એટલે સ્વચ્છંદ હોવું, તોછડા કે મનસ્વી હોવું એવો અર્થ આપણને ક્યાંય સાંપડતો નથી. સ્ત્રીની સ્વતંત્રતા ધીમે ધીમે જૂની પેઢી માટે પીડા અને સ્વતંત્રતાનું કારણ બનવા માંડી છે. વહુને તકલીફ ન પડવી જોઈએ કે પોતે જે સહન કર્યું તે એણે ન સહન કરવું પડે એવું માનનારી મોડર્ન સાસુની સંખ્યા ઘણી છે ને ધીમે ધીમે વધતી જાય છે, પરંતુ પોતાને મળતી આ સવલત કે સદ્ભાગ્યને સાચી રીતે સમજીને પોતાના પરિવારને અનુકૂળ થવાને બદલે યવુા પેઢીની કેટલીક છોકરીઓ આ વાતને સાસુ-સસરાની નબળાઈ અથવા પોતાના અહંકારને પંપાળવાનો એક રસ્તો માનીને આ પુત્રવધૂઓ પોતાના પરિવારમાં સમસ્યા ઊભી કરે છ

દરેક વખતે સાસુ જ ખોટી હોય, જુલ્મી હોય કે પોતાની પુત્રવધૂ સાથે અન્યાય કરતી જ હોય એવું જરૂરી નથી, એ વાત ધીમે ધીમે સમાજને સમજાવા લાગી છે. મોડર્ન સાસુઓ મોટા ભાગે તો પરણીને આવતી છોકરીઓને દીકરીની જેમ જ રાખવા માંગે છે. મોટા ભાગના ઘરોમાં ભણેલી દીકરીને નોકરી કરવી હોય તો પણ એવો વિરોધ કે વાંધો ઉઠાવવામાં આવતો નથી, પરંતુ નવાઈની વાત એ છે કે આવા પરિવારોમાં પરણીને આવેલી દીકરી પોતાને મળતી છૂટ કે સાસુ- સસરાના પ્રેમાળ વર્તનને સમજવા અને સ્નેહથી સ્વીકારવાને બદલે પરિવાર માટે સમસ્યાઓ ઊભી કરવાનું શરૂ કરે છે.

બધી વહુઓ આવી હોય છે, એવું પણ નથી જ, પરંતુ કેટલાક ઘરોમાં દીકરીને જે રીતે ઉછેરવામાં આવે છે, એમાં ક્યાંક સમજણની કચાશ રહી જાય છે. દીકરીને ‘દીકરા’ની જેમ ઉછેરતી મમ્મી ભૂલી જાય છે કે એ દીકરી એક દિવસ પરણીને પોતાને ઘેર જશે. એ ઘરમાં એની જવાબદારી હશે. એની પાસેથી કેટલીક અપેક્ષાઓ હશે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એને પોતાનાં માતા-પિતાના ઘરે જેટલી છૂટછાટ કે સ્વતંત્રતા મળતી હતી એટલી સ્વતંત્રતા તો સાસરે નહીજ મળે. કવિ તુષાર શુક્લ ક્યારેક પોતાના વ્યાખ્યાનમાં કહે છે, ‘ગઈ કાલ સુધી પોતાના પલંગમાં સૂએ ત્યારે છતનો જે રંગ દેખાતો હતો, એ રંગ અચાનક બીજા દિવસે સવારે ઊઠે ત્યારે બદલાઈ ગયો હોય અને નવી જિદંગી શરૂ થાય એવું કેટલીય દીકરીઓ સાથે થતું હોય છે.’ આ રંગ માત્ર છતનો નથી બદલાતો, જિદંગીનો પણ બદલાય છે. જિદંગી સાથે જોડાયેલી અનેક બાબતો ગમા-અણગમા, ખાવાના ટેસ્ટ, શોખ પણ બદલાય છે અને આ બદલાવ સ્ત્રી જ લાવી શકે છે. માટે જ કદાચ સ્ત્રીને પરણીને સાસરે જવાનું આ સમાજે ગોઠવ્યું હશે!

પુત્રવધૂએ સહન કરવું જોઈએ, પીડાવું જોઈએ, ચૂપ રહેવું જોઈએ આવું કશું જ કહેવાનો ઇરાદો નથી, પરંતુ જૂની પેઢી પોતાની રીતે જિદંગી જીવી છે. 55 થી 60 ના દાયકામાં જન્મેલી એક આખી પેઢીએ ખૂબ સંઘર્ષ જોયો છે, ખૂબ મહેનત કરી છે, પોતાનાં સંતાનોને સલામત ભવિષ્ય આપવા અને સારું શિક્ષણ આપવા માટે એમણે પોતાની ઇચ્છાના બલિદાન આપ્યા છે. એ પેઢીએ ખૂબ મન માર્યું છે, ઇચ્છાઓને દાબી દીધી છે, કરકસરના નામે ક્યારેક કંજૂસાઈ પણ કરી હશે. એને એમની ભૂલ તરીકે જોવાને બદલે જો નવી પેઢી માટે એમણે આપેલા બલિદાન તરીકે જોવામાં આવે, તો કોઈ પણ પરિવારમાં માતા-પિતા સાથેનાં સંબંધો બહુ ખૂબસુરતીથી બદલાઈ શકે. માતા- પિતા જૂનવાણી છે, કંજૂસ છે, કટકટ કરે છે કે ટોક્યાં કરે છે, હઠાગ્રહો રાખે છે એ રીતે વિચારવાને બદલે જો નવી પેઢી એક વાર એ જે રીતે વિચારે છે એ રીતે વિચારી જુએ તો માતા-પિતા સાથેના સંબંધોમાં ક્યારેય કડવાશ ન આવે. આજે નવી પેઢીના સંતાનો જે સુખ અને સલામતી ભોગવી રહ્યાં છે, એમાં એમનાં માતા-પિતાનું સૌથી મોટું પ્રદાન છે. પોતાનું ઘર, ગાડી કે પોતાને ફાવે તે કરવાની છૂટ મળી શકે એટલું સલામત બેંક બેલેન્સ માતા-પિતાએ ઊભું કરી આપ્યું છે. જેને માટે એમનો આભાર માનવો જોઈએ એટવું નવી પેઢીને સમજાય તો કેટલું સારું!

બીજી મહત્ત્વની વાત એ છે કે દીકરીનાં માતા-પિતા એને પોતાને ઘેર એડજસ્ટ માટે મજબૂર ન કરે તો ચાલે, પણ સમજાવવી તો જોઈએ. નાની-નાની વાતમાં સાસરિયાની ભૂલ કાઢતી દીકરીને પ્રોત્સાહન આપીને એના સાસરિયાંની ખરાબ વાતો સાંભળવાને બદલે માએ, માસીએ કે પિયર પક્ષની બીજી સ્ત્રીઓએ દીકરીને એવું શીખવવું જોઈએ કે, ‘હવે એ પણ તારા સગાં અથવા પરિવાર છે. જેમ તું અમારી ખરાબ વાતો ત્યાં ન કરે એવી રીતે એમની ભૂલોની કે એમની નબળાઈની વાતો અહીં ન કરવી જોઈએ.’ મોટા ભાગની મમ્મીઓ હવે સેલફોન પર દીકરીનો સંસાર ચલાવવાનો પ્રયાસ કરે છે. એની ફરિયાદોને સમજીને એનો ઉકેલ શોધવાને બદલે એને સામે ચોપડાવી દેવા કે સંભળાવી દેતાં શીખવે છે. દીકરી જ્યારે પતિ સાથે ઝઘડો કરે કે એલફેલ બોલે ત્યારે પરસ્પર રિસ્પેક્ટ કરવાનું શીખવવાને બદલે કેટલીક મમ્મીઓ મનોમન રાજી થતી પણ જોવા મળે છે. માને કદાચ એમ લાગતું હશે કે એ દીકરીને સ્વતંત્રતા આપે છે, બોલ્ડ બનાવે છે, પરંતુ સત્ય એ છે કે આવી મમ્મીઓ દીકરીના જીવનમાં ઝેર ઘોળે છે!

સ્વતંત્ર હોવું એટલે બીજી વ્યક્તિના જીવનમાં સમસ્યા ઊભી કરવી કે એને શાંતિથી ન રહેવા દઈને પોતાનું ધાર્યું કરાવવું એવું તો નહીંજ. સ્વતંત્રતાનો બહોળો અર્થ એ છે કે સૌ પરસ્પર એકબીજાનું મન અને મરજી સમજીને એકબીજાંને સન્માન આપીને એક સુંદર પરિવારનું નિર્માણ કરે.