પ્રકરણ – 20 | આઈનામાં જનમટીપ

‘શીટ!’ અવિનાશકુમારના પગ નીચેથી ધરતી સરકી ગઈ, ‘તમે શું હજામત કરતા હતા? એમ કેવી રીતે લઈ ગયો.’ એણે
પૂછ્યું, ‘કેટલા માણસો લઈને આવેલો?’
‘ત્રણ.’ અવિનાશના માણસે ધ્રૂજતા અવાજે કહ્યું. પછી ઉમેર્યું, ‘મને ગોળી વાગી છે.’
‘ડૉક્ટર છે ને ત્યાં?’ અવિનાશને અત્યારે એની ફરિયાદમાં રસ નહોતો, ‘કહે એને, ગોળી કાઢીને ટાંકા લઈ લે.’
‘સાહેબ…’ પેલો માણસ કઈ કહેવા ગયો, પણ અવિનાશે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. મોડી સાંજ થઈ ગઈ હતી.
રાહુલનો શરાબ પીવાનો સમય હતો. કોઈ ખાસ મિટિંગ ન હોય તો સાત-સાડા સાત વાગ્યે ઘેર પહોંચીને બે પેગ સિંગલ
મૉલ્ટના પી, ઘરનું ભોજન જમીને સાડા નવથી દસની વચ્ચે રાહુલ તાવડે ઊંઘી જતો. સવારે સાડા ચાર વાગ્યે ઉઠતો. જે કામ
મોટાભાગના રાજકારણીઓ મોડી રાત્રે કરતાં એ બધાં કામ રાહુલ વહેલી સવારે કરવાનું પસંદ કરતો. સાડા ચારથી સાડા છ,
એક્સરસાઈઝ, મેડિટેશન અને રોજિંદા કામ પતાવીને સાડા છએ એ બ્રેકફાસ્ટના ટેબલ પર હાજર થઈ જતો. સાડા છથી સાડા
સાત એની પત્ની અને સંતાનો સાથેનો સમય હતો. એના છોકરાઓ પોણા આઠ વાગ્યે સ્કૂલે જવા તૈયાર થાય એ પછી
રાહુલની પહેલી અપોઈન્ટમેન્ટ સવારે સાડા સાત વાગ્યાની રહેતી. ઓફિસ જતાં પહેલાં ત્રણ કલાક એ પોતાના ઘરે લોકોને
મળતો. અત્યંત ડિસિપ્લિન અને સ્વાસ્થ્ય વિશે સજાગ રીતે એ દિવસનું પ્લાનિંગ કરતો.
‘સર…’ રાહુલના પ્રાઈવેટ નંબર પર અવિનાશની રિંગ વાગી. આ સમય રાહુલને ડિસ્ટર્બ કરવાનો નહોતો એ જાણવા
છતાં અવિનાશનો ફોન આવ્યો, એનો અર્થ હતો કે, ખરેખર ઈમરજન્સી ઊભી થઈ છે. રાહુલે ફોન ઉપાડ્યો, ‘હંમમમ…’
‘મંગલસિંઘ…’
અવિનાશ વાક્ય પૂરું કરે એ પહેલાં રાહુલે કહ્યું, ‘લઈ ગયો દિલબાગ? મને હતું જ, એ ચોવીસ કલાક પણ એના
દીકરાને આપણી પાસે નહીં રહેવા દે.’
‘સર… સોરી સર.’ અવિનાશ ઝંખવાઈ ગયો.
‘સોરીથી કામ નહીં ચાલે.’ રાહુલે કહ્યું, ‘હવે બાપ-દીકરો ભેગા છે. આપણા માટે ખતરો ડબલ થઈ ગયો.’
‘જી.’ અવિનાશ સમજતો હતો, ‘હું વિક્રમજિતને…’
‘વિક્રમજિત?’ રાહુલ હસી પડ્યો, એનો બીજો પેગ પૂરો થવાની તૈયારીમાં હતો. એને સહેજ સૂરુર સ્પર્શવા લાયો
હતો, ‘એ તો ફૂટી ગયેલો ફટાકડો છે. વિક્રમજિત તારા કામમાં નહીં આવે. મરી જશે પણ દિલબાગની ઈન્ફર્મેશન નહીં આપે.’
રાહુલ જે ઠંડકથી અને નિરાંતે વાત કરતો હતો એ સાંભળીને અવિનાશને આશ્ચર્ય થયું. એણે ધાર્યું હતું કે, મંગલસિંઘ હાથમાંથી
નીકળી ગયો એ સમાચાર સાંભળીને રાહુલનો પારો સાતમે આસમાને પહોંચી જશે, એને બદલે એ તો નિરાંતે હસી રહ્યો હતો,
‘હવે એક જ માણસ દિલબાગને શોધી શકે એમ છે.’ રાહુલે કહ્યું.
આ વાક્ય સાંભળતાં જ અવિનાશના મગજમાં બત્તી થઈ, ‘અલતાફ.’ એણે કહ્યું.
‘હંમમમ…’ રાહુલે જવાબ આપ્યો.
‘પણ, સર… અલતાફ તો…’ એ અચકાઈ ગયો. રાહુલ તાવડે ખૂલ્લેઆમ હિન્દુ નેતા હોવાનું કબૂલતો હતો. હિન્દુત્વની
વાતો કરતો અને માઈનોરિટીએ જો ભારતમાં રહેવું હોય તો ભારતીય પ્રણાલિ સ્વીકારવી જોઈએ આવાં બધાં સ્ટેટમેન્ટ એણે
અવારનવાર કર્યાં હતાં. અલતાફ કોલાબાનો એમએલએ હતો, મુસ્લિમ વોટ્સ માટે હિન્દુત્વનો વિરોધ કરતો રાજકારણી હતો.
એમપીની ચૂંટણી લડવા તૈયાર હતો ત્યારે એ શા માટે રાહુલની મદદ કરે એવો અવિનાશને વિચાર આવ્યો, એ કશું બોલ્યો નહીં,
પણ અલતાફના માણસોને પકડાવવામાં અને દિલબાગે જ્યારે અલતાફના માણસને રસ્તા ઉપર દોડાવીને માર્યો ત્યારે એને

બચાવવામાં રાહુલે પોતાની બધી તાકાત ખર્ચી નાખી હતી. અલતાફ એ વાત ભૂલ્યો નહીં જ હોય, એટલું અવિનાશકુમારને
સમજાતું હતું, ‘એ શું કામ આપણી મદદ કરે?’ એનાથી પૂછાઈ ગયું.
‘કારણ કે, એને આપણી મદદની જરૂર પડવાની છે.’ રાહુલ ફરી હસ્યો. એના અવાજમાં નશો હતો, ‘જે તમને નથી
સમજાતું એ અલતાફને સમજાશે, એ.કે.’ રાહુલે કહ્યું, ‘લોકસભાની ચૂંટણીઓમાં એને ટિકિટ જોઈશે. મારું રેકમન્ડેશન હશે તો
હાઈકમાન્ડ તરત માની જશે એવી એને સમજ છે અને મારા પીએ થઈને તમને સમજ નથી પડતી?’
‘સર!’ અવિનાશ કશું બોલી શક્યો નહીં, પણ એને એટલું ચોક્કસ સમજાયું કે, રાહુલની વાતમાં દમ હતો, બંને રીતે!
દિલબાગને શોધવાની, ને જડી જાય તો પકડી લાવવાની તાકાત અલતાફમાં હતી, ને અલતાફને અત્યારે રાહુલની જરૂર
પડવાની હતી.
‘શું સર?’ રાહુલે જરા તોછડાઈથી કહ્યું, ‘અલતાફને કહો, કામે લાગે.’ એણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. અવિનાશ
થોડીવાર એમ જ, વિચાર કરતો ઊભો રહ્યો. પછી એણે અલતાફના માણસ રમીઝને ફોન લગાવ્યો.

*

‘હું ફરી કહું છું, એમને ખ્યાલ આવે એવી કોઈ જગ્યાએ આપણે ન જવું જોઈએ.’ શ્યામાએ કહ્યું. મુરલી અને શાની
બંને શિયાંવિયાં થઈ ગયા. દિલબાગ સાથે કોઈ સ્ત્રી આવી રીતે વાત કરે તો એ શું કરી શકે એનો બંનેને અનુભવ હતો.
દિલબાગે બ્રેક મારીને ગાડી ઊભી રાખી, ‘શું છે તારે?’ એણે પાછળ ફરીને શ્યામાને પૂછ્યું, ‘તારી પાસે છે કોઈ જગ્યા?’
‘હા, મારું ઘર.’
‘મૂરખ બાઈ, તારા ઘરે લઈ જઈને તું અમને ફસાવીશ એમ માને છે.’
‘ફસાવીશ નહીં, બચાવીશ. એ લોકો કોઈ દિવસ મારે ત્યાં નહીં આવે. એમને કલ્પના પણ નહીં આવે કે, તમે પાછા
મુંબઈ આવશો. એ લોકો તમને એ જગ્યાએ શોધશે જ્યાં તમારા છુપાવવાની શક્યતા હોય… તમારે ત્યાં ન જ જવું જોઈએ.’
શ્યામાએ કહ્યું. દિલબાગ વિચાર કરવા લાગ્યો. શાની અને મુરલી બંને કહેવા માગતા હતા કે, શ્યામાનો વિચાર ખોટો નહોતો,
પણ બંને ચૂપ રહ્યા.
મંગલ ચૂપ ન રહી શક્યો, ‘બાઉજી, મને ખબર છે તમે ફાર્મ હાઉસ જવાનો વિચાર કરો છો, પણ ત્યાં તો એ લોકો
સૌથી પહેલાં આવશે.’
‘ત્યાં માણસો છે, હથિયાર છે…’ દિલબાગ નમતું જોખવા તૈયાર નહોતો.
‘ખૂનખરાબી કરીને આપણે જીતી શકીશું?’ મંગલે પૂછ્યું, ‘હોમ મિનિસ્ટર છે એ. બધી બાજુથી પ્રેશર લાવશે.’ એણે
કહ્યું, ‘મારી હાલત તો જુઓ. એક ડૉક્ટરની આપણને જરૂર પડશે.’
દિલબાગનું મગજ બરાબરનું છટક્યું, ‘એક હજાર ડૉક્ટર લઈ આવીશ તારા માટે, પણ આ બાઈ નથી જોઈતી મને.’
એણે કહ્યું, ‘જે દિવસથી તું એને મળ્યો છે એ દિવસથી પનોતી બેઠી છે તારી જિંદગીની. પહેલાં કોર્ટ કેસ પછી એક્સિડેન્ટ ને
હવે…’ દિલબાગ અટકી ગયો, પણ રિયર વ્યૂ મિરરમાં દેખાતું દ્રશ્ય એને વિચલિત કરી રહ્યું હતું.
‘એણે જીવ બચાવ્યો છે મારો.’ મંગલે કહ્યું. શાની અને મુરલી બંને હતપ્રભ જેવા થઈને બાપ-બેટાની દલીલબાજી
સાંભળી રહ્યા હતા. બાપને પગે લાગ્યા વિના ઘરની બહાર નહીં નીકળનારો આ દીકરો આજે પિતાની સામે તડાતડ બોલી રહ્યો
હતો એ સાંભળીને બંને ડઘાઈ ગયા હતા. સાચું પૂછો તો દિલબાગ માટે પણ મંગલનું આ સ્વરૂપ અસહ્ય હતું. આ બધું
શ્યામાની હાજરીમાં થઈ રહ્યું હતું એને કારણે દિલબાગ વધારે અકળાયેલો હતો.
‘જેણે જીવ બચાવ્યો છે ને, એ જ જીવ લેશે તારો.’ દિલબાગે જોરથી કહ્યું, ‘બૈરાની જાત પર વિશ્વાસ ન કરવો. છેક
નાનો હતો ત્યારથી શીખવાડ્યું છે, પણ કોણ જાણે આ બાઈએ શું ભૂંસું ભર્યું છે તારા મગજમાં…’ એણે મનોમન બે-ચાર ગાળ
બોલી નાખી.
‘એણે ભૂંસું ભર્યું નથી, બલ્કે અત્યાર સુધી મારા મગજમાં જે કંઈ કચરો હતો એ એણે સાફ કર્યો છે, બાઉજી!’ દિલબાગે
લાલઘૂમ નજરે પાછળ ફરીને જોયું, આ એનો દીકરો હતો?! એના માન્યામાં ન આવ્યું. 24-25 વર્ષ સુધી જે છોકરાને પોતે
ઉછેર્યો, એ છોકરો આજે દિલબાગને ન સમજાય એવી ભાષા બોલી રહ્યો હતો! એ તમતમી ગયો. શ્યામાની હાજરીમાં વધુ

દલીલ કરીને એ મંગલને ઉશ્કેરવા માગતો નહોતો. એક ત્રીજી વ્યક્તિની હાજરીમાં પિતા-પુત્ર વચ્ચેની તિરાડ પહોળી થાય એવી
પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે દિલબાગ ચૂપ રહ્યો, પણ શ્યામા વિશે એના મનમાં થોડી કડવાશ જરૂર ઉમેરાઈ ગઈ,
‘બાઉજી! એ કહે છે તો ચલો ને એના ઘરે. મને એના પર ભરોસો છે. એ આપણને નહીં ફસાવે.’ મંગલસિંઘે કહ્યું.
સ્ટીયરિંગ પર મૂકેલા બંને હાથની પકડ મજબૂત કરીને દિલબાગે પોતાનો ગુસ્સો રોક્યો, પણ એના દાંત ભીંસાઈ ગયા,
આંખો મીંચાઈ ગઈ, થોડીક ક્ષણ કશું જ બોલ્યા વગર એણે ગાડી શાહાપુર તરફ લઈ જવાને બદલે પાછી મુંબઈ તરફ વાળી.
શાની અને મુરલી બંને આશ્ચર્યચકિત હતા. એકવાર નક્કી કરેલી વાત દિલબાગ કોઈ દિવસ બદલે નહીં, પણ આજે એણે
દીકરાને કીધે એક અજાણી વ્યક્તિ પર, અને એ પણ એક સ્ત્રી પર ભરોસો કરવાનું નક્કી કર્યું એ જોઈને શાની અને મુરલી બંને
તદ્દન અવાક્ થઈ ગયા હતા.

*

‘ભાઈ શું કામ શોધે દિલબાગને?’ રમીઝે તદ્દન બેફીકર અવાજમાં કહ્યું, ‘તમારે માટે? બિલકુલ નહીં.’
‘તારે પણ તો લફરાં છે એની સાથે.’ અવિનાશકુમારે એને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, ‘તેં હમણા તો હુમલો કર્યો હતો એના
પર.’
‘હા, તો? અમારા લફરાં અમે સલટાવીશું. કોઈના માટે કામ નહીં કરીએ ને એમાં પણ તમારા માટે તો બિલકુલ નહીં.
અમારા માણસને માર્યો ત્યારે ભાઈ જાતે મળવા ગયા હતા, પણ તાવડે એ મિટિંગ સુધ્ધાં નહોતી આપી ભાઈને.’ રમીઝે મોકો
છોડ્યો નહીં.
‘અરે, યાર. ત્યારની વાત અલગ હતી.’ અવિનાશકુમારને શું કહેવું એ સૂઝ્યું નહીં.
‘બરાબર છે. ત્યારની વાત અલગ હતી.’ અવિનાશના ગૂગલી બોલમાં છગ્ગો ફટકારતાં રમીઝે કહ્યું, ‘ત્યારે ભાઈને
તાવડેનું કામ હતું, આજે તાવડેને ભાઈનું કામ છે. વાત તો અલગ જ છે ને!’
‘ટૂંકમાં, તું અલતાફ સાથે મારી વાત કરાવીશ કે નહીં?’ અવિનાશકુમાર છંછેડાઈ ગયો.
‘પૂછીશ.’ રમીઝે એટિટ્યૂડ બતાવ્યો, ‘ભાઈને પૂછીને કહીશ.’ અવિનાશ કંઈ કહે તે પહેલાં રમીઝનો ફોન ડિસકનેક્ટ થઈ
ગયો. આજે કિસ્મત જ ખરાબ હતી, અવિનાશની. બધે જ એના પાસાં ખોટા પડતા હતા. રાત પહેલાં જો અલતાફ સાથે વાત
નહીં થાય તો સવારે રાહુલ એની ધૂળ ઝાટકી નાખશે એ વાતની અવિનાશકુમારને ખાતરી હતી.
એણે થોડું વિચાર્યું પછી નાર્વેકરને ફોન લગાવ્યો, ‘મંગલસિંઘ લાપતા છે.’ અવિનાશે કહ્યું.
‘એમ?’ નાર્વેકરે નવાઈ ભરેલા અવાજે કહ્યું, પછી મજાક કરતો હોય એમ હસી પડ્યો, ‘સાહેબ આ સમાચાર તો વાસી
થઈ ગયા. તાજા સમાચાર શું છે?’ એણે પૂછ્યું.
‘મારી મજાક કરે છે?’ ચારેબાજુથી છંછેડાઈ ગયેલા અવિનાશે પોતાનો ગુસ્સો નાર્વેકર પર ઉતાર્યો, ‘ટ્રાન્સફર કરાવી
દઈશ તારી.’
‘મજાક નથી કરતો સાહેબ!’ નાર્વેકરે જરા સંયમ રાખીને કહ્યું, ‘પણ, મંગલસિંઘ ગૂમ થયો એ વાતને બાર કલાક થવા
આવ્યા. રિપોર્ટ અમારા ત્યાં જ લખાયો છે.’
‘તો શું કર્યું તમે?’ અવિનાશકુમારે ઉંધા હાથની ફટકારી, ‘બાર કલાક સુધી તમે એક રેપિસ્ટ, મર્ડરર અને હિટ એન્ડ રનના
આરોપીને પકડી નથી શક્યા? પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો છે. આમ તો તમારા માણસોએ જ ભગાડ્યો હોય, બાકી બબ્બે
ફ્રેક્ચર સાથે કોઈ દર્દી જાતે તો જઈ શકે જ નહીં. કેટલા પૈસા મળ્યા તમને?’
‘કામ શું છે, સાહેબ?’ નાર્વેકરે પૂછ્યું. અવિનાશકુમારના આરોપથી એને એટલે સમજાઈ ગયું કે, સત્તા આગળ શાણપણ
કરવું એ નરી બેવકૂફી હતી.
‘હંમમમ…’ અવિનાશકુમારે ફરી એકવાર પોતાનો પાવર બતાવ્યો, ‘સીધા ચાલવાનું, શું?’ કહીને એણે ઉમેર્યું, ‘દિલબાગ,
મંગલ કે ડૉક્ટર શ્યામા, ત્રણમાંથી કોઈના પણ ફોનનું લોકેશન જોઈએ છે.’
‘પણ એ લોકો તો જુદી જુદી જગ્યાએ હશે ને?’ નાર્વેકરે દાણો દબાવ્યો. એ બધું જ જાણતો હતો, પણ
અવિનાશકુમારને ગંધ ન આવવી જોઈએ એવું વિચારીને આવો આ સવાલ પૂછ્યો.

અવિનાશને પણ ખ્યાલ આવી ગયો કે, ત્રણેયનું લોકેશન માગીને એણે નાર્વેકરને વિચારવા માટે એક મુદ્દો આપી દીધો.
એણે તરત વાત ફેરવી નાખી, ‘હા, એટલે મને ત્રણેયનું લોકેશન જોઈએ છે.’
‘સાહેબ એક ઈમેઈલ લખી નાખો ને.’ નાર્વેકરે પ્રોટોકોલ ફૉલો કર્યો, ‘હું ડાયરેક્ટ સૂચના ન આપી શકું, આ તો કમિશનર
ઓફિસનો મામલો છે.’
‘તને ઈમેઈલ લખું ને તું ફોરવર્ડ કરે એના કરતાં હું જ સીપી ઓફિસમાં વાત કરી લઈશ.’ અવિનાશનો ઈગો ફુત્કાર્યો,
‘કંઈ કામનો નથી તું.’ કહીને એણે ફોન કાપી નાખ્યો, ‘દોઢ ડાહ્યો.’ એણે મનોમન ગાળ દીધી.
‘ધીસ મીન્સ કે, શ્યામા અને દિલબાગ મંગલસિંઘને લઈને નીકળી ગયા છે.’ નાર્વેકરે મનોમન કહ્યું. એણે શ્યામાનો નંબર
ટ્રાય કર્યો, પણ ફોન સ્વીચ ઓફ હતો. એણે દિલબાગનો નંબર ટ્રાય કર્યો. ફોન ભિવંડીના ઢાબાવાળાએ ઉપાડ્યો. નાર્વેકર ખુશ
થઈ ગયો, આ ચોક્કસ શ્યામાની બુધ્ધિ હોવી જોઈએ. એણે વિચાર્યું. અને પછી બીજા એક-બે નંબર ટ્રાય કરી જોયા, પણ બધા
જ ફોન સ્વીચ ઓફ હતા. નિરાંતનો શ્વાસ લઈને એણે ઘર તરફ જવાની તૈયારી કરી. મોટર સાઈકલની ચાવી લઈ એ જુહુ
પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે એ ગીત ગણગણતો હતો, ‘હાય ગરમી! હાય હાય ગરમી…’

*

‘બસ, બસ! ગાડી અહીં જ મૂકવી પડશે.’ શ્યામાએ ઘર નજીક આવતા જ દિલબાગને સૂચના આપી. દિલબાગે બ્રેક
મારી. છેલ્લા દોઢ કલાકથી શ્યામાના ટેકે ઘસઘસાટ ઊંઘતા મંગલની આંખો ખૂલી ગઈ.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *