‘દાગ દામન પર નહીં, દિલોં પર લિયા હૈ હમને…’ અમિતાભ બચ્ચન કહે છે, ‘કભી કભી’ નામની ફિલ્મમાં !
‘આદમી ઈન્સાન બન જાયે તો ભી બહોત હૈ…’ શશી કપૂર કહે છે, ‘કભી કભી’ નામની ફિલ્મમાં…
‘અબ ક્યા કરેંગે ? કૈસે ગુજારેંગે યે જિંદગી ?’ રાખી પૂછે છે.
‘તુમ એક અચ્છી પત્ની બનના, મેં એક અચ્છા ઈન્સાન બનુંગા’ અમિતાભ બચ્ચન જવાબ આપે છે…
1976માં બનેલી આ ફિલ્મ ‘કભી કભી’ એના અભિનેતાઓ અમિતાભ બચ્ચન, શશી કપૂર, રાખી, વહીદા
રહેમાન, રિશી કપૂર, નીતુ સિંઘ, સિમી ગરેવાલ અને પરીક્ષિત સહાનીને કારણે તો યાદ છે જ, યશ ચોપરાના દિગ્દર્શનનો
આ એક અદ્ભુત નમૂનો ભારતીય સિનેમાના ઈતિહાસનું જ્વલંત પાનું પણ છે, પરંતુ આ ફિલ્મના ડાયલોગ્સ કદાચ એની
સૌથી મોટી મૂડી અથવા સ્મૃતિ બની ગયા ! એ પછી ‘નૂરી’, ‘ચાંદની’, ‘સિલસિલા’, ‘બાઝાર’, ‘દૂસરા આદમી’, ‘દીવાના’,
‘અનુભવ’, ‘ફાસલે’, ‘કર્મયોગી’, સવાલ’ અને ‘કહો ના પ્યાર હૈ’ જેવી ફિલ્મોના ડાયલોગ્સ લખનાર ઉર્દૂના બહુ જાણીતા
વાર્તાકાર સાગર સરહદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. 22મી માર્ચ, 2021ના દિવસે 87 વર્ષની ઉંમરે હૃદય રોગને કારણે
એમને સાયનમાં આવેલી એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા, ત્યાં એમણે છેલ્લો શ્વાસ લીધો.
આપણે બધા પ્રેક્ષકો, અભિનેતાની ડાયલોગબાજી પર તાલીઓ પાડતા હોઈએ છીએ. કોઈ પણ અભિનેતાની
કારકિર્દી એને એની ફિલ્મોમાં મળેલા સંવાદો અને ગીતોથી ઉપર અથવા નીચે જાય છે. હિન્દી સિનેમાનો ઈતિહાસ
તપાસીએ તો સમજાય કે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન કે સંજીવ કુમાર જેવા અભિનેતાઓની કારકિર્દીમાં એમને
મળેલી વાર્તાઓ, પાત્રો અને સંવાદોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. ભારતીય સિનેમાના પ્રેક્ષકો જ્યારે ફિલ્મ જોવા જાય
છે ત્યારે ‘નંબરિયા’ અથવા ‘ક્રેડિટ ટાઈટલ્સ’માં ઝાઝો રસ લેતા નથી. અઢીથી ત્રણ કલાકની એક ફિલ્મ બનાવવા માટે સેંકડો
લોકો કામે લાગે છે. નાનામાં નાના સ્પોટ બોયથી શરુ કરીને લાઈટમેન, મેક-અપમેન, કન્ટીન્યુઈટી યાદ રાખનાર કે
લોગબુક લખનાર અસિસ્ટન્ટ, ડિરેક્ટરથી શરુ કરીને છેક દિગ્દર્શક અને પછી કેમેરામેન, અભિનેતા સુધીના લોકો એક
સિનેમાની સફળતાનો હિસ્સો હોય છે. આપણે બધા ફક્ત અભિનેતાને ઓળખીએ, યાદ રાખીએ કે વખાણીએ છીએ,
પરંતુ સાચા અર્થમાં તો આવું એક આખું ક્રુ ફિલ્મની સફળતાનું હક્કદાર હોય છે.
યશ ચોપરાની ફિલ્મો હંમેશાં લવ ટ્રાયંગલ અથવા પ્રણય ત્રિકોણ પર આધારિત રહી. એમની ફિલ્મોના સંવાદ
લાગણીસભર અને ચોટદાર રહ્યા. આપણે બધા એ સંવાદોને વારંવાર સાંભળીએ, માણીએ કે ક્યારેક વાતચીતમાં યાદ
કરીએ છીએ, પરંતુ એ સંવાદ લેખક કોણ હતા ? એની જાણ ભાગ્યે જ કોઈ પ્રેક્ષકને હશે ! એમનું મૂળ નામ ગંગાસાગર
તલવાર. જાણીતા દિગ્દર્શક રમેશ તલવારના એ કાકા થાય. એ સમયના બ્રિટીશ ઈન્ડિયામાં પાકિસ્તાનના અબોટાબાદ
નજીક બાફા શહેરમાં એમનો જન્મ થયો હતો. ગંગાસાગર (સાગર સરહદી) છ વર્ષના હતા ત્યારે એમના માતાનું મૃત્યુ થયું.
એમણે એક ઈન્ટરવ્યૂમાં કહેલું, ‘એ પોતાની પથારીમાં સૂતી સૂતી મને જોયા કરતી, બસ એટલું જ યાદ છે ! મારી માને
ટીબી હતો, એટલે એમના ઓરડામાં જવાની પણ કોઈને છૂટ નહોતી’.
પાર્ટિશન વખતે એમના મોટા ભાઈ બ્રિટીશ કંપનીમાં કામ કરતા હતા. એમને હુલ્લડની ખબર થોડી વહેલી મળી
ગયેલી એટલે 12 વર્ષની ઉંમરે ગંગાસાગર તલવાર, એમના પિતા થાન સિંઘ તલવાર અને બીજા ત્રણ ભાઈઓ અને એક
બહેન સાથે બધાં ભારત આવી ગયા. એ વખતે રેફ્યૂજી કેમ્પમાં રહેવું પડ્યું. જિંદગી મુશ્કેલ હતી… પહેલાં કાશ્મીર, ત્યાંથી
દિલ્હી અને અંતે કિસ્મત એમને મુંબઈ લઈ આવી. કપડાની દુકાનમાં, ટાઈપિસ્ટ તરીકે અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે
પણ નોકરી કરી જોઈ, પરંતુ અંતે એમને સમજાઈ ગયું કે એ લેખન સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી એટલે ગ્રાન્ટ
રોડના ‘રેડ ફ્લેગ હોલ’માં એમણે નિયમિત જવા માંડ્યું. ત્યાં પ્રોગ્રેસિવ રાઈટર અસોસિએશનના સભ્યો સાથે મુલાકાત
થઈ. રાજેન્દ્રસિંહ બેદી, કિસ્મત ચુગતાઈ, કે.એ. અબ્બાસ, સરદાર જાફરી, કૈફી આઝમી, શૌકત આઝમી અને સાહિર
લુધિયાનવી જેવા લોકો ત્યાં અવારનવાર આવતા. ક્યારેક અમૃતા પ્રિતમ પણ આવી પહોંચતા… એમણે પોતાની ટૂંકી
વાર્તાઓ હિંમત કરીને વાંચવા માંડી. એમણે ગંગાસાગરમાંથી પોતાનું નામ ‘સાગર’ કરી નાખ્યું અને એ પોતાની જાતને
ભારતીય કે પાકિસ્તાની કોઈ ટાઈટલ આપવા માગતા નહોતા એટલે એમણે પોતાનું તખલ્લુસ ‘સરહદી’ રાખ્યું. કૈફી
આઝમી અને સજ્જાદ ઝહીર એમને ખૂબ સ્નેહ કરતા. એમની વાર્તાઓ વધુ સારી થાય એ માટે એમની મદદ કરતા.
સજ્જાદ ઝહીરે એમને એક એડવર્ટાઈઝિંગ કંપનીમાં નોકરી અપાવી. જેમાં જવા-આવવાના સમય નિશ્ચિત નહોતા જેથી
એ પોતાના લેખનકાર્યમાં વધુ સમય આપી શકે. જોકે, સાગર સરહદીના સ્વભાવમાં જ ‘નોકરી’ નહોતી !
એ દિવસોમાં બાસુ ભટ્ટાચાર્ય પણ રેડ ફ્લેગ હોલ આવતા. સાગર સરહદી અને એમની મુલાકાત થઈ. એ ફિલ્મ
બનાવવા માગતા હતા. બાસુ ભટ્ટાચાર્યના લગ્ન બિમલ રોયની દીકરી રિન્કી ભટ્ટાચાર્ય સાથે થયાં હતાં. જોકે, બંને
ભાગીને પરણેલા, અને બિમલ રોય એનાથી ખુશ નહોતા. એ વખતે અભિનેતા તરીકે સંજીવ કુમાર અને તનુજા પણ નવા
નવા હતા. સહુએ સાથે મળીને એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ‘અનુભવ’… સાગર સરહદીએ એના સંવાદો લખવાનું
સ્વીકાર્યું. કપિલકુમાર નામના એક બીજા લેખક એમની સાથે જોડાયા. એ ફિલ્મના ગીતો ગુલઝારે લખ્યા અને સંગીત કનુ
રોયે આપ્યું. ગીતા દત્ત એમના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થતાં હતાં… ‘અનુભવ’ ફિલ્મને નેશનલ એવોર્ડ
મળ્યો. બાસુ ભટ્ટાચાર્યની કારકિર્દી ત્યાંથી સીધી ઉપરની તરફ આગળ વધી અને એ પછી સાગર સરહદી સંવાદ લેખક
તરીકે અનેક ફિલ્મો સાથે જોડાયા.
લગભગ 70ના દાયકાની શરુઆતનો સમય હતો. એક વાર સાગર સરહદીનું લખેલું એક નાટક ‘મિરઝા
સાહિબાન’ તેજપાલ ઓડિટોરિયમમાં ભજવાઈ રહ્યું હતું. યશ ચોપરા એ નાટક જોવા માટે આવ્યા હતા. નાટક પૂરું થતાં
જ એમણે સાગર સરહદીને પૂછ્યું, ‘હું એક ફિલ્મ પ્લાન કરી રહ્યો છું. તમે એના સંવાદ લખશો ?’ ત્યારે ‘દાગ’ સુપરહિટ
થઈ ચૂકી હતી. યશ ચોપરા સાથે કામ કરવું એ કોઈ પણ સંવાદ લેખક માટે રસપ્રદ અને કારકિર્દી માટે મોટો બ્રેક હતો. યશ
ચોપરા પાસે માત્ર વાર્તા હતી. સાગર સરહદીએ ઓફર સ્વીકારી લીધી, એ ફિલ્મનો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ એમણે
લખ્યાં, અને એક અમર ફિલ્મ બની, ‘કભી કભી’.
એ પછી સાગર સરહદીએ યશ ચોપરા માટે છ-સાત ફિલ્મો લખી, એમાંની મોટાભાગની ફિલ્મો સુપરહિટ પૂરવાર
થઈ. આટલી બધી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી પણ સાગર સરહદીને લાગતું હતું કે એમને જેવી ફિલ્મ બનાવવી છે
એવી ફિલ્મ હજી સુધી બની નથી. એમણે એક ફિલ્મ લખી, ઈબ્રાહિમ રુંગાલા નામના લેખકની વાર્તા લઈને એની જ પાસે
એ ફિલ્મનો સ્ક્રીન પ્લે તૈયાર કરાવ્યો. ફિલ્મનું નામ, ‘બાઝાર’ (1982). એ ફિલ્મનું દિગ્દર્શન એમણે જાતે કર્યું. એ ફિલ્મનું
નોમિનેશન સાત એવોર્ડ માટે થયું જેમાંથી સુપ્રિયા પાઠકને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો. ખય્યામના સંગીત
દિગ્દર્શનમાં એ ફિલ્મનું એક ગીત યશ ચોપરાના પત્ની પેમિલા ચોપરા પાસે ગવડાવ્યું હતું…
પૂનમ ધિલ્લોન અને ફારુક શેખની, ‘નૂરી’, શાહરુખ ખાનની ડેબ્યુ, ‘દીવાના’ અને ઋત્વિક રોશનની ડેબ્યુ,
‘કહોના પ્યાર હૈ’ પણ સાગર સરહદીએ લખેલી ફિલ્મો હતી… કંઈ કેટલાય અભિનેતાઓએ સાગર સરહદીના લખેલા
સંવાદો પર પોતાની કારકિર્દીનો મિનારો ચણ્યો, તાળીઓ મેળવી અને એ પાત્રો અમર થઈ ગયાં.
સાગર સરહદી હંમેશાં કહેતાં, ‘ફિલ્મ પહેલાં કાગળ પર બને છે, પછી કેમેરા સુધી પહોંચે છે અને અંતે પડદા પર
રજૂ થાય છે. જે ફિલ્મ કાગળ ઉપર સારી બને એ જ પડદા પર સફળ થઈ શકે…’ કલમના જાદુગર અને ઉર્દૂ-હિન્દી
ભાષાના વાર્તાકાર સાગર સરહદીને આપણી શ્રધ્ધાંજલિ.