ભાગઃ 1 | સ્વપ્નદૃષ્ટા કે પાગલઃ ફ્રાંસના ઈતિહાસનું એક ગૂંચવાયેલું પાનું

નામઃ જૉન ઓફ આર્ક
સ્થળઃ રૂઆન, ફ્રાંસ
સમયઃ 24 મે, 1431
ઉંમરઃ 19 વર્ષ

આજે આ જેલની અંધારી કોટડીમાં બેઠી છું ત્યારે મને જીવનનું એક સત્ય સમજાયું છે. એક
સ્ત્રી, ગમે તેટલો પ્રયાસ કરે તો પણ પુરુષોના આ વિશ્વમાં એનો અવાજ દબાવી દેતાં કોઈ રોકી શકતું
નથી! માન-સન્માન કે પદવીઓની અપેક્ષા રાખ્યા વગર મેં મારા દેશને આઝાદ કરવા માટે મારું રક્ત
રેડી દીધું, તેમ છતાં આજે મારા એ પ્રયાસ અને શૌર્યને બિરદાવવાને બદલે મને જેલમાં બંધ કરી
દેવામાં આવી છે. આજે મને અમારા રાજા ચાર્લ્સના દરબારમાં પેશ કરવામાં આવી… મને એવી
ધમકી આપવામાં આવી કે જો હું મારો અપરાધ સ્વીકાર નહીં કરું તો મને હમણાં જ જીવતી
સળગાવી દેવામાં આવશે. મેં ગભરાઈને મારો અપરાધ સ્વીકાર કર્યો! તમને કદાચ નવાઈ લાગે, જૉન
ગભરાઈ ગઈ! પરંતુ, હા… હું સાચે જ ડરી ગઈ હતી. મરવાના કે બળવાના ભયથી નહીં, પણ
ફ્રાંસની જનતા મારે વિશે શું માને છે એ વિચારીને, એ જાણીને મને ભય લાગ્યો હતો.

19 વર્ષની છું હું! 19 વર્ષની વયમાં મેં પાંચ યુધ્ધો લડીને જીતી બતાવ્યાં. ફ્રાંસના રાજાનો
રાજ્યાભિષેક કર્યો. રેહ્મ્સ, જ્યાં ફ્રાંસના રાજાનો રાજ્યાભિષેક થતો હતો એ ધરતી અંગ્રેજોના
કબજામાં હતી. રેહ્મ્સનો કિલ્લો છોડાવીને મેં ત્યાં ચાર્લ્સને ફરીથી વસવાની હિંમત આપી… એ તો
ભાગીને વેન્કુવરમાં સંતાઈ ગયો હતો.

1337થી અંગ્રેજો સાથે ચાલી રહેલા યુધ્ધની એક આખી સદી દરમિયાન ત્રણ પેઢી બદલાઈ
ગઈ, પરંતુ ચાર્લ્સને કોઈ એવું ન મળ્યું કે જે એને અંગ્રેજોની આ તબાહીમાંથી બચાવે. 1420
સુધીમાં પેરિસ સહિત લગભગ આખું ફ્રાન્સ અંગ્રેજોના તાબામાં હતું. અંગ્રેજો ફ્રાંસ પર વારંવાર
આક્રમણ કરતા, ફ્રાંસનું જીવન અને અર્થવ્યવસ્થા તદ્દન ખોરવાઈ ગયાં હતાં. દુઃખની વાત એ હતી કે,
આ જેટલાં યુધ્ધ લડાયાં એ બધા ફ્રાન્સની ધરતી પર લડાયાં. અંગ્રેજોની અર્થવ્યવસ્થા વધુને વધુ
મજબૂત થતી જતી હતી. એમનો રાજા હેનરી પાંચમો 1400થી 1404 દરમિયાન અંગ્રેજ સેનાના
સેનાપતિ તરીકે કામગીરી બજાવતો હતો. એણે વેઈલ્સમાં પોતાની સેના ઊભી કરી અને પોતાના
પિતા સાથે મળીને ફ્રાંસ ઉપર અનેક આક્રમણો કર્યાં. એને જેટલા ઘા થયા હતા એમાં કોઈ સીધોસાદો
સૈનિક હોત તો મૃત્યુ પામ્યો હોત, પરંતુ જૉન બ્રેડમોર નામના એક રાજવૈદ્યને એ હંમેશાં સાથે
રાખતો. એને વાગેલા તીર અને તલવારોના ઘા ઉપર મધ અને હળદરના લેપથી આ રાજવૈદ્ય એનો
ઉપચાર કરતા. 1446માં પ્રગટ થયેલા એક અંગ્રેજી પુસ્તકમાં બ્રેડમોરે પોતાની આ ટ્રીટમેન્ટનો
ઉલ્લેખ કર્યો છે.

હેનરી ફિફ્થનું મૃત્યુ 20 માર્ચ, 1413ના દિવસે થયું. હેનરી છઠ્ઠો જ્યારે ગાદીએ બેઠો, 9
એપ્રિલ, 1413 તે દિવસે બરફનું ભયંકર તોફાન હતું-બ્રિટનની જનતાને ખબર પડી નહીં કે આ
તોફાનને સારા શુકન માનવા કે અપશુકન. હેનરી છઠ્ઠાનું વર્ણન અંગ્રેજ ઈતિહાસમાં મળે છે. ખૂબ
ઊંચો-છ ફૂટ ત્રણની ઈંચની ઊંચાઈ, પાતળો, કાળા વાળ અને કાનમાં બુટ્ટી પહેરતો. હંમેશાં દાઢી
અને મૂછ સફાચટ રાખતો. એની ત્વચા સામાન્ય ઈંગ્લિશ પુરુષો જેવી ચમકતી અને લીસી નહોતી.
એનું નાક તીણું હતું અને એની આંખો હંમેશાં એના મૂડ અને મિજાજને ઉઘાડો પાડતી. એણે ગાદીએ
બેસતાની સાથે જ જાહેરાત કરી કે એ ઈંગ્લેન્ડ પર રાજ કરશે અને ફ્રાંસને જીતી બતાવશે. એને જ્યાં
જ્યાં પોતાના વિરોધી ઊભા થઈ શકે એવો ભય લાગ્યો એ તમામ લોકો સાથે એણે દ્રઢતાથી અને
દયાહીન થઈને કામ લીધું. કેટલાક ઉમરાઓને મરાવી નાખ્યા તો કેટલાકની સત્તા એટલી ઘટાડી
નાખી કે એમણે કશું કહેવાનું રહેતું જ નહીં. પોતાના મિત્ર સર જૉન કોલ્ડ કેશનને એના જ ઘરમાં
બાળી નાખવામાં આવ્યા, ત્યાં સુધી હેનરી છઠ્ઠાએ પોતાની સત્તાનો ભય અને મહત્વ સૌને
સમજાવી દીધા હતા. એકવાર ઈંગ્લેન્ડમાં સત્તા કાયમ કર્યા પછી એણે ફ્રાંસ તરફ જોયું. ફ્રાંસમાં એ
વખતે ચાર્લ્સનું રાજ્ય હતું, પરંતુ એ કશું જ સંભાળી શકે એમ નહોતો. ઈતિહાસકારોએ નોંધ્યું છે કે,
ચાર્લ્સ પાંચમો, જે એ વખતે ફ્રાંસનો રાજા હતો એ બાયપોલર, મૂડસ્વિંગ્સ અને મનોરોગથી પીડાતો
હતો. એના દરબારમાં ક્વિન ઈઝાબેલ, ડ્યૂક ઓફ ઓરલેન્ડ્સ અને બર્ગંડી, બેરી તથા બર્બનના ડ્યૂક્સે
પોતપોતાની રીતે પોતાની સત્તા જમાવી હતી. સૌ એકમેકને મારી નાખવાના ષડયંત્રો રચતા હતા
એમાં ઓરલેન્સના ડ્યૂકને એના કઝીનના આદેશ પર જાહેરમાં મારી નાખવામાં આવ્યો. એ સમયે
ફ્રાંસમાં સિવિલ વૉર ફાટી નીકળી. મૂર્ખની જેમ ચાર્લ્સે હેનરી છઠ્ઠાને પોતાની મદદે બોલાવ્યા.
હેનરી આવી જ કોઈ તકની પ્રતીક્ષા કરતો હતો. એણે ફ્રાંસમાં પ્રવેશીને ચાર્લ્સની મદદ કરવાને બદલે
એણે પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી.

ઈંગ્લેન્ડ છેક 1337થી ફ્રાંસને હડપી લેવા માટે યુધ્ધ કરતું રહ્યું જેમાં ફ્રાંસની ખૂબ ખુવારી થઈ
ચૂકી હતી. હું જન્મી ત્યારે હેનરી છઠ્ઠો રાજ્ય કરતો હતો, જાન્યુઆરી, 1412. અમારા આર્ક
પરિવારની 50 એકર જમીન હતી, મિયુઝ વેલીમાં. મારો પરિવાર ખેતી કરતો એક સીધોસાદો,
ધાર્મિક અને સ્નેહાળ પરિવાર હતો. મારા પિતાના ત્રણ ભાઈઓ હતા. મારા પિતાનું નામ
જેક્વામિન, એના બીજા બે ભાઈઓ, પિયરે અને જીમ પણ અમારી સાથે જ રહેતા. વિશાળ પરિવાર
અને ઘણા બધા ભાઈબહેન સાથે હું એક સુંદર અને હરિયાળી જગ્યાએ ઉછરી રહી હતી. મને કલ્પના
પણ નહોતી કે, મારા જીવનમાં આવું પરિવર્તન આવશે!

એ સમયે મારું ગામ ડોમરિન અંગ્રેજ સત્તાથી ઘેરાયેલું હતું. અંગ્રેજ શાસકો રાક્ષસોની જેમ
અમારા ગામોમાં આવતા. લૂંટફાટ કરતા. અમારી સ્ત્રીઓને રંજાડતા, પુરુષોને મનફાવે તેમ કતલ
કરતા… મારા જન્મ પછીના પાંચેક વર્ષ સુધી અમે સૌ ભય અને પીડાના સમયમાં જીવી રહ્યા હતા.
હું દસેક વર્ષની હતી ત્યારે અંગ્રેજોએ અમારું આખું ગામ સળગાવી દીધું. અમે સૌ બેઘર થઈ ગયા.
અમારા પરિવારની જમીનો હતી એટલે ત્યાં નાનકડો આવાસ બાંધીને અમે જીવવા લાગ્યા. અમે ચર્ચ
જતા, ઈશ્વરને પ્રાર્થના કરતા, મહેનત કરીને અમારા પરિવારનો ગુજારો કરતા હતા ત્યારે લગભગ 13
વર્ષની ઉંમરે મને સંતોએ સ્વપ્નમાં દર્શન આપવાનું શરૂ કર્યું.

સેન્ટ કેથરિન, સેન્ટ માઈકલ અને સેન્ટ માર્ગરેટ જેવા પવિત્ર આત્માઓએ મારા સ્વપ્નામાં
આવીને મને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. એ તમામ પવિત્ર આત્માઓ મને અનુરોધ કરતા હતા કે, હું
ફ્રાંસને અંગ્રેજ અત્યાચારોના હાથમાંથી મુક્ત કરાવું. મને આ વાતથી એક નવી દિશા મળી. મેં મારા
પિતા સાથે વાત કરી, પરંતુ એમણે મારી વાતને હસી નાખી. 13 વર્ષની એક છોકરીનાં દિવાસ્વપ્નને
ગંભીરતાથી કોણ લે! મેં મારી વાત મારા શિક્ષકોને કહી, એમણે મારી ભાવનાને બિરદાવી, પરંતુ એ
વિશે મારા શિક્ષકો કશું કરી શકે એમ નહોતા. એ વખતના ફ્રાંસમાં સ્ત્રી માટે બે જ કામ હતાં, એક
સુંદર દેખાવું-પોતાના પુરુષને રાજી રાખવો, અને બીજું, સંતાનોને જન્મ આપી પરિવારની સંભાળ
લેવી. મારા પિતા પણ મારા લગ્નનો વિચાર કરવા લાગ્યા, પરંતુ મેં એમને સ્પષ્ટ કહ્યું કે, મને લગ્નમાં
કોઈ દિલચસ્પી નથી. હું માત્ર અમારા રાજા ચાર્લ્સને મળવા માટે ચારેતરફથી પ્રયાસ કરવા લાગી.
એકવાર મારા ગામની નજીક એક ફ્રેંચ કમાન્ડરનો કેમ્પ લાગ્યો હતો. મેં મનમાં નક્કી કરી લીધું કે, હું
કોઈપણ હિસાબે એમને મળવા જઈશ. એક મોડી રાત્રે જ્યારે સૈનિકો વાઈન પીને આરામ કરી રહ્યા
હતા ત્યારે હું ફ્રેંચ કમાન્ડરને મળી. એમને વિનંતી કરી કે, ચિનોનમાં જ્યાં અત્યારે અમારા રાજા એક
બંદી નજરકેદની જેમ જીવી રહ્યા હતા ત્યાં જવા માટે મને થોડા સૈનિકોની એક ટૂકડી મળે… મેં
એમને વચન આપ્યું કે, હું ફ્રાંસને મુક્ત કરાવીશ અને રાજાનો ફરી એકવાર રેહ્મ્સના કિલ્લામાં
રાજ્યાભિષેક કરાવીશ. ફ્રેંચ કમાન્ડરે પણ મને મારા આવા દેશભક્તિના વિચારો માટે શાબાશી આપી,
પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું કે, આ બાબતમાં એ મારી કોઈ મદદ કરી શકે એમ નથી. હું નિરાશ ન
થઈ, બલ્કે મેં વધુ ગંભીરતાથી મારા સ્વપ્નમાં આવતા એ સંતો સાથે વાત કરી.

સેન્ટ કેથરિને મને કહ્યું કે, મારે ફ્રેંચ કમાન્ડરને ફરી એકવાર મળીને એને જણાવું કે, થોડા
દિવસમાં અંગ્રેજો ઓર્લિયોન્સ ઉપર હુમલો કરશે, એ અણધાર્યા હુમલામાં ફ્રાંસનું ભયાનક નુકસાન
થશે અને ઓર્લિયોન્સના કિલ્લામાં રહેલા ખજાનાને અંગ્રેજો લૂંટી લેશે. એ વખતે ઓર્લિયોન્સ ફ્રાંસનું
મહત્વનું શહેર હતું, પેરિસની ખૂબ નજીક હોવાને કારણે ફ્રાંસના ઘણા આર્થિક વ્યાપારો અને વ્યવહાર
ઓર્લિયોન્સ પર નિર્ભર હતા. જેમ મેં ભવિષ્યવાણી કરી હતી એમ જ, અંગ્રેજોએ એક દિવસ
અચાનક ઓર્લિયોન્સ પર હુમલો કર્યો. શહેર લૂંટી લીધું. બધું સળગાવી-તારાજ કરી અને ફ્રાંસને ખૂબ
મોટું નુકસાન કરીને અંગ્રેજ સેના ચાલી ગઈ.

ફ્રેંચ કમાન્ડરને પહેલીવાર સમજાયું કે, હું જે કહી રહી હતી એ કોઈ 12-13 વર્ષની છોકરીના
ઘેલછાભર્યાં દિવાસ્વપ્નો નહોતા, બલ્કે મને સાચે જ સંતોની કૃપા પ્રાપ્ત થઈ હતી. હું ફ્રાંસને અંગ્રેજ
અત્યાચારમાંથી મુક્ત કરાવવા માટે જન્મી હતી એ વાતનો એમને ભરોસો બેઠો અને એમણે મને
ચિનોન મોકલવાની પરવાનગી આપી.

થોડાક પુરુષ સૈનિકો સાથે હું પણ પુરુષ વેશ ધારણ કરીને સૈનિકોની ટુકડી લઈને ફ્રાંસના રાજા
ચાર્લ્સને મળવા ચિનોન પહોંચી. અહીંયા મારી સામે એક બીજો પ્રશ્ન પ્રતીક્ષા કરી રહ્યો હતો.
(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *