ભાગઃ 3 | ડૉ. બાલી સાથેના લગ્ન કોઈનું ઘર તોડવાના ઈરાદાથી નહોતા કર્યાં

નામઃ વૈજયન્તી માલા
સ્થળઃ ચેન્નાઈ
સમયઃ 2007
ઉંમરઃ 74 વર્ષ

મેં જ્યારે આત્મકથા ‘બોન્ડિંગ… એ મેમોએર’ લખવાનો વિચાર કર્યો ત્યારે મારી સહલેખિકા જ્યોતિ
સબરવાલે મને પૂછ્યું હતું, ‘સંગમ’ પછી તમે રાજ કપૂર સાથે બીજી કોઈ ફિલ્મ કેમ કરી નહીં?’

એનો જવાબ આમ તો મારે બદલે રાજ કપૂર જ વધુ સારી રીતે આપી શકે, પરંતુ સત્ય એ હતું કે,
અમારા અફેરની અફવાને કારણે કૃષ્ણા કપૂર પોતાના પાંચ બાળકો ડબ્બુ, ચિન્ટુ અને ચિમ્પુ-રિતુ અને રિમાને
લઈને ‘નટરાજ હોટેલ’માં રહેવા ચાલી ગયાં. મરીન ડ્રાઈવ પર આવેલી આ નટરાજ હોટેલ એક પ્રસિધ્ધ
ફાઈવ સ્ટાર હોટેલ હતી. કૃષ્ણા કપૂરે એવી શર્ત મૂકી કે, રાજ કપૂર મારી સાથે કોઈપણ સંબંધ ન રાખે, એ
પછી એક પણ ફિલ્મ ન કરવાનું વચન આપે તો જ પોતે ઘેર પાછા ફરવા તૈયાર થાય.

પાંચ બાળકોના પિતા રાજ કપૂર પાસે બીજો તો શું રસ્તો હોય? એમણે પહેલાં તો પોતાની પત્નીને
સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પછી વાત એટલી વધી ગઈ કે, રાજ કપૂરે હોટેલને બદલે પત્ની માટે એક
એપાર્ટમેન્ટ ‘ચિત્રકુટ’માં ખરીદ્યો. કૃષ્ણા કપૂર બે વર્ષ ત્યાં રહ્યાં… અંતે, એમની વચ્ચે સમાધાન થયું, અને એ
ઘેર પાછા ગયાં.

આ બધા સમય દરમિયાન ખુલ્લી રીતે નહીં, પણ અંદર ખાનેથી દિલીપ કુમારે મને પોતાની
ફિલ્મોમાંથી પડતી મૂકાવી. દિલીપ કુમારના હોમ પ્રોડક્શન ‘ગંગા જમુના’ વખતે અમારી દોસ્તી એટલી સારી
હતી કે, ફિલ્મના કયા સીનમાં હું કઈ સાડી પહેરીશ એ પણ દિલીપ કુમારે જ જાતે પસંદ કરી હતી. ‘સંગમ’ના
રિલીઝ પછી મારી પાસે કોઈ મોટી ફિલ્મો આવી નહીં. એક તરફથી રાજ કપૂરે મારી સાથે કામ કરવાનું બંધ
કર્યું અને બીજી તરફ દિલીપ કુમારે રાજ કપૂર સાથે ફિલ્મ કરવાની સજા સ્વરૂપે મને એમની ફિલ્મોમાંથી એક
યા બીજી રીતે કઢાવી. આ વાતની કોઈ સાબિતી નથી એટલે કાલે ઊઠીને કદાચ મારી વાતનો વિરોધ થાય તો
હું પૂરવાર કરી શકું નહીં, પરંતુ હું જાણું છું કારણ કે, પ્રોડ્યુસર્સ મારી પાસે આવીને મને આ બધી માહિતી
આપતા.

પછી ‘લીડર’ની ઓફર આવી. દિલીપ કુમાર સાથે ફરી એકવાર! અમે કામ કરવાનું શરૂ કર્યું. ‘લીડર’
પછી ‘ઈશારા’, ‘નયા કાનૂન’ અને એ જ ગાળામાં ‘આમ્રપાલી’ની ઓફર આવી. ખૂબ મોટા બજેટની ફિલ્મ જે
ભારતના ગણરાજ્યની નગરવધૂના જીવન પર આધારિત હતી. લેખ ટંડન દિગ્દર્શિત આ ફિલ્મ ઓસ્કાર
એવોર્ડ્ઝમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી હતી. ‘આમ્રપાલી’એ મને ખૂબ પ્રસિધ્ધિ અપાવી. એ ફિલ્મના સેટ
ઉપર આશા પારેખ અવારનવાર આવતી. મારાથી ઉંમરમાં ઘણી નાની અને એક કુશળ નૃત્યાંગના હોવાની
સાથે સાથે એ એક સારી અભિનેત્રી પણ હતી.

અમે 1957માં એક સાથે ‘આશા’ નામની ફિલ્મમાં એક કોમેડી સીન અને એક ડાન્સ કરેલો.
1959માં ‘દિલ દે કે દેખો’થી આશા મોટી હિરોઈન થઈ ગઈ. એ ‘આમ્રપાલી’ના સેટ પર આવતી. એના
કોસ્ચ્યુમ્સ ભાનુ અથૈયાએ કર્યા હતા. એ વખતે આશાનાં કપડાં એની મિત્ર લીના દરુ ડિઝાઈન કરતી. લીના
પણ ભાનુની સ્ટુડન્ટ એટલે બંને જણાં અવારનવાર મને ‘આમ્રપાલી’ના સેટ પર મળતા. એ પછી ‘જવાઁ
મહોબ્બત’ ફિલ્મમાં આશાએ મારી ‘ફેન’માં એક નાનકડો રોલ કર્યો હતો. એ દિવસે એણે મને કહ્યું હતું, ‘આ
મારા માટે રોલ નથી, હું સાચે જ તમારી ફેન છું.’ ‘લીડર’માં અમે સાથે કામ કર્યું પછી દિલીપ કુમારનો ઈગો
કદાચ ઓછો થઈ ગયો. એ પછી તો અમે ‘સંઘર્ષ’ પણ કરી. એ ગાળામાં રાજેન્દ્ર કુમારે મારી સાથે ફિલ્મ કરી,
‘સૂરજ’. રાજ કપૂરે એ ફિલ્મ વિશે પોતાની નારાજગી જાહેર કરી કારણ કે, રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર
ખૂબ સારા મિત્રો હતા. જોકે, રાજેન્દ્ર કુમાર એ બાબતમાં બહુ પ્રોફેશનલ હતા અને એમણે એ વિશે મનદુઃખ
કર્યા વગર મારી સાથે ‘ગંવાર’ પણ કરી.

1967માં જ્યારે હું ‘જ્વેલ થિફ’ માટે શૂટ કરી રહી હતી ત્યારે મારી તબિયત બગડવાની શરૂ થઈ.
થોડીક મારી નિષ્કાળજી અને થોડીક ફિલ્મોના શૂટિંગની ધાંધલધમાલમાં પરિસ્થિતિ એ થઈ કે, મને ઝીણો
તાવ આવવાનો શરૂ થયો. 1967માં મને ન્યૂમોનિયા થયો. લગભગ એક મહિનો દવા કરવા છતાં કોઈ ફેર
પડ્યો નહીં. હું ફિલ્મોના સેટ પર ખાંસતી રહેતી. મને હવે આ સ્ટુડિયો, સેટ, મેક-અપ અને ચમકદમકનો
કંટાળો આવવા માંડ્યો હતો. મારે લગ્ન, પરિવાર અને સંતાનો સાથે એક શાંત સુંદર જિંદગી જીવવી હતી.

હું બોલિવુડથી થાકી ગઈ હતી. મને એક વાત સમજાઈ ગઈ હતી કે, અહીં કામ કરવા કરતાં વધુ સમય
મારે પબ્લિક રિલેશન અને લોકોના ઈગો સાચવવામાં બગાડવો પડશે. અમે જ્યારે ‘સંગમ’ના શૂટિંગ પરથી
પાછા આવ્યા ત્યારે હું માંદી પડેલી, એ વખતે રાજ કપૂરના અંગત ફેમિલી ફિઝિશિયન ડૉ. ચમનલાલ
બાલીએ મારી ટ્રીટમેન્ટ કરેલી. 1967માં જ્યારે હું ફરી માંદી પડી ત્યારે હું ફરી એકવાર ડૉ. બાલી પાસે જ
ગઈ.

અમારી મિત્રતા ખૂબ સારી હતી અને ન્યૂમોનિયાની સારવાર દરમિયાન એ રોજ ઘરે આવવા લાગ્યા.
જેમાંથી અમારી મિત્રતા વધુ ગાઢ થઈ. ડૉ. બાલી ત્રણ સંતાનોના પિતા હતા. એમની પત્ની ડૉ. રૂબી બાલી
એક સારી પત્ની હતી, પરંતુ ડૉ. બાલીને એમની સાથે ઝાઝો મનમેળ નહોતો. ત્રણ સંતાનોના પિતા હોવાને
કારણે ડૉ. બાલી ખૂબ ખચકાતા હતા તેમ છતાં એક દિવસ એમણે મને કહ્યું કે, એ મારા પ્રેમમાં પડી ગયા
હતા. હું ગૂંચવાઈ ગઈ. કોઈનું ઘર તોડીને મારું ઘર વસાવું એ મારી પ્રકૃત્તિમાં નહોતું. મેં એમને ટ્રીટમેન્ટ બંધ
કરવાનું કહ્યું, પરંતુ મારી તબિયત હજી એટલી સારી નહોતી.

ડૉ. બાલી નિયમિત આવતા, મારી તબિયત જોઈને ચાલી જતા. હવે અમે પહેલાંની જેમ સાથે
બેસીને કોફી નહોતા પીતા, વાતો નહોતા કરતાં, પરંતુ થોડા સમયમાં મને સમજાયું કે, પ્રેમ માત્ર એકતરફી
નહોતો. હું પણ અજાણતાં જ એમના સરળ વ્યક્તિત્વ અને કાળજી ભરી વર્તણુકને ચાહવા લાગી હતી. અમે
ખૂબ વિચાર્યા પછી નિર્ણય કર્યો કે અમે લગ્ન કરીશું. ડૉ. બાલીએ એમનો બંગલો અને મોટી રોકડ રકમ
એમની પત્ની રૂબી બાલીને આપી દીધી. ત્રણેય સંતાનોની જવાબદારી લીધી.

અમારા લગ્નથી ફિલ્મી દુનિયામાં ખૂબ ઉહાપોહ થયો. ફરી એકવાર વિવાદ જાગ્યો. બોલિવુડના
અખબારોએ મને પરિણિત પુરુષોનું ઘર તોડનારી અને ‘લફરાંબાજ’ સ્ત્રી તરીકે બદનામ કરી. કેફિયત
આપવાનો કોઈ સવાલ જ નહોતો કારણ કે, કોઈ સાંભળવા તૈયાર નહોતું. ડૉ. બાલી અત્યંત દુઃખી હૃદયે આ
બધું સાક્ષીભાવે જોતા રહ્યા.

1968માં એમના છૂટાછેડા થયા, અમે તરત જ લગ્ન કર્યાં. એ પછી મેં ફિલ્મી દુનિયા છોડવાનો
નિર્ણય કર્યો. એક-બે બાકી ફિલ્મ પૂરી કરીને અમે મુંબઈ છોડી દીધું. ડૉ. બાલીએ ચેન્નાઈમાં પ્રેક્ટીસ શરૂ કરી
અને મેં નૃત્ય માટેની એકેડેમીની સ્થાપના કરી.

1984માં કોંગ્રેસમાંથી મેં લોકસભાની ચૂંટણીમાં પહેલું ડગલું મૂક્યું. લગભગ 93 સુધી પાર્લામેન્ટમાં
મારું સ્થાન અકબંધ રહ્યું, પરંતુ રાજીવ ગાંધીના મૃત્યુ પછી મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું કારણ કે, મને
લાગ્યું કે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાના મૂલ્યો ખોઈ રહી હતી. એ વખતે એક નવો વિવાદ થયો,
પ્રેસમાં મેં કરેલા નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા.

આજે પાછળ વળીને જોઉ છું તો સમજાય છે કે, કોઈ ભૂલ નથી કરી. ફિલ્મી દુનિયા છોડવાનો
નિર્ણય મારી જિંદગીનો સૌથી સાચો અને સાચી ઉંમરે લીધેલો નિર્ણય હતો. આજે હું ચેન્નાઈમાં ખૂબ જ
ખુશ છું. મારું કામ કરી રહી છું અને એ માટે મને ભારત સરકાર તરફથી અનેક એવોર્ડ્ઝ મળ્યા છે. બહુ
ઓછા લોકો જાણે છે કે, હું ખૂબ સારું ગોલ્ફ પણ રમું છું અને મેં નેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો
છે. મારી એકેડેમીમાં અનેક નૃત્યાંગનાઓ તૈયાર થાય છે, જે વિશ્વભરમાં પોતાના કાર્યક્રમો આપે છે.

આજે ડૉ. બાલી નથી. મારો દીકરો સુચિન્દ્ર બાલી પણ એક અભિનેતા છે અને તમિલ ફિલ્મોમાં
પોતાની જગ્યા બનાવી રહ્યો છે…

નોંધઃ વૈજયન્તી માલા બાલી આજે 90 વર્ષનાં છે. ચેન્નાઈમાં ઓર્ગેનિક ફાર્મિંગ અને ભરત
નાટ્યમની એકેડેમી ચલાવે છે.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *