દાંડી: માર્ચનો મીડિયા મહોત્સવ

1930ની 12મી માર્ચે ભારતના ઈતિહાસનું એક મહત્વનું પાનું લખાયું. મોહનદાસ કરમચંદ ગાંધીએ સાબરમતી આશ્રમથી એ દિવસે નવસારી નજીક આવેલા દાંડીના દરિયાકિનારા તરફ જવા માટે 79 લોકોને લઈને કૂચ કરી. દાંડીના દરિયાકિનારે એમણે મીઠું પકવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લાગ્યો!

તે દિવસે ગાંધીજીએ કહ્યું હતું, “યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે…. જે મનુષ્ય સત્યપરાયણ રહે છે અને એ જે કહે છે તે કરે છે, તે બહાદુર માણસ છે. છેતરનાર માણસ બહાદુર નથી…. જન્મમરણ એ (નિરંતર ચાલતી) ઘટમાળ છે. આ મહા ધર્મયુદ્ધ છે. એક મહાવ્યાપક યજ્ઞ કરીએ છીએ. અને એમાં સૌએ હોમાઈ જવાનું છે. તમારી અશક્તિ હોય તો ખસી જજો. તમારી અશક્તિ એ તમારી શરમ નથી, પણ મારી શરમ છે. કારણ મને પ્રભુએ જે શક્તિ આપી છે એ તમારા સૌમાં છે. આત્મામાત્ર એક છે.” (‘મહાદેવભાઈની ડાયરી’, પુ.13, પૃ.259-260.)

લોકોની માન્યતા હતી કે ગાંધીજીને કૂચ આરંભ કરતા પહેલા જ સરકાર એમને પકડી લેશે. ખુદ ગાંધીજીને પણ એવી આશંકા તો હતી જ 11મી માર્ચે સાંજે પ્રાર્થનામાં તેમણે કહ્યું: “એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય, સવારના જો સરકાર મને કૂચ કરવા દેશે તોપણ આ સાબરમતીને પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ વ્યાખ્યાન હશે. અથવા મારી જિંદગીનું પણ આ છેલ્લું ભાષણ હોય.”

મીરાંબહેનની ડાયરીમાં 11 માર્ચની સાંજથી 12 માર્ચ સવાર સુધીનું વર્ણન કંઈક આવું છે…. “લગભગ બધા જ ધારતા હતા કે ગમે તે ઘડીએ બાપુને પકડી લેશે…. અમદાવાદના લોકો થોકેથોક ઊભરાવા માંડ્યા. સ્ત્રીપુરુષો અને બાળકોનાં ટોળેટોળાં નદી ઓળંગીને આ કાંઠે ઊભરાયા…. રાત્રિનો અંધકાર ફેલાયો. કોઈ પોલીસ બાપુને પકડવા આવી નહીં. અમે બધા શું થશે શું નહીં એના વિચારમાં હતાં. પણ બાપુતો તદ્દન સ્વસ્થ હતા. અને પોતાનું રોજનું કામ જાણે કાંઈ અવનવું બનતું ન હોય એવી રીતે કર્યે જતા હતા. તેઓ સૂવાને તૈયાર થયા ત્યારે બાએ તેમના માથામાં તેલ ઘસ્યું અને પગને તળિયે ઘી ઘસ્યું. બાપુ વિચારમાં હોય એવું લાગ્યું એટલે અમે ચૂપ રહ્યા. થોડી વારમાં તો તેઓ શાંતિથી ઊંઘી ગયા.”

ગાંધીજીની સાથે કૂચમાં જનાર 79 જણાની યાદી મહાદેવભાઈએ ‘નવજીવન’માં છાપી અને દરેકનો અત્યંત ટૂંકો પરિચય પણ આપ્યો હતો. આ ટુકડીમાં ગુજરાતના 32, મહારાષ્ટ્રના 13, સંયુક્ત પ્રાંતના 7, કચ્છના 6, પંજાબના 3, સિંધના 1, કેરળના 4, રાજપૂતનાના 3, આંધ્રના 1, કર્ણાટકના 1, મુંબઈના 2, તમિલનાડુના 1, બિહારના 1, બાંગાળના 1, ઉત્કલના 1, ફીજીના 1 (અસલ સંયુક્ત પ્રાંતના પણ ફીજીમાં જન્મેલ), નેપાળના 1 હતા. તેમાં બે મુસલમાન, એક ખ્રિસ્તી અને બાકી હિંદુઓ હતા. યાત્રીઓમાં 12 યુનિવર્સિટીના સ્નાતકો હતા. કૂચ દરમિયાન ટુકડીમાં બેનો ઉમેરો થયો હતો : શંકર કાલેલકર અને નેપાળના ખડગ બહાદુર સિંહ. (ગુગલ પર તમામ નામ, ઉંમર ઉપલબ્ધ છે.)

12 માર્ચ 1988ના દિવસે આવી જ એક દાંડીયાત્રા રાજીવ ગાંધીએ યોજી હતી. સાબરમતી આશ્રમથી એમણે પણ આવી જ એક કૂચ કરી હતી. ત્યારે આઝાદીના 40 વર્ષ પૂરા થયા હતા. એ સમયના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની કડક સિક્યોરીટી તોડીને એમની સાથે ચાલતાં ચાલતાં મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, “થોડાક લોકો ભેગા થઈને ફરી એક વાર સાબરમતી આશ્રમથી દાંડી સુધી ચાલતાં જશે… એનાથી શું પ્રસ્થાપિત થશે? આપની સિક્યોરિટી, આ ઊજવણીનો ખર્ચ અને બીજા બધા ખર્ચ જરૂરી છે? દેશને એનાથી શું મળશે?” પૂર્વ પ્રધાનમંત્રી ત્યારે ચિડાઈ ગયેલા. એમણે મારા પ્રશ્નોનો ઉત્તર આપ્યો નહોતો!

સાચું પૂછો તો આ પ્રશ્નનો ઉત્તર કોઈ પાસે નથી. ઊજવણી, કઈ રીતે અને શેની થવી જોઈએ, એ વિશે સૌ પાસે પોતપોતાના આગવા અભિપ્રાય છે. સૌ પોતપોતાના રોટલા શેકી રહ્યાં છે ત્યારે સવાલ માત્ર ખર્ચનો નથી, આઝાદીનો છે… માનસિકતાનો છે… લોકશાહી વ્યવસ્થા અને વિશ્વભરમાં ભારતની જે છબી ઉપસાવવાનો પ્રયાસ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે એની સફળતાનો પણ છે જ. આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એની ઊજવણીનો પ્રારંભ ફરી એક વાર સાબરમતી આશ્રમથી શરૂ થનારી દાંડી યાત્રા દ્વારા થશે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ દેશના દરેક રાજ્ય પોતાની રીતે ઊજવશે, સાથે સાથે દેશવ્યાપી ઊજવણી થશે.

આમ, જોઈએ તો હવે દેશ આઝાદ છે. આપણે વિશ્વની સહુથી મોટી લોકશાહી તરીકે ગૌરવ લઈ શકીએ એમ છીએ, પરંતુ આઝાદીના 75 વર્ષે આપણે પાછા ફરીને જોઈએ તો સમજાય કે બ્રિટિશ સરકાર આપણી ઉપર કેટલી ઊંડી અને ગહેરી અસર છોડી ગઈ છે. આપણા મન અને મગજ હજી ગોરી ચામડીને જોઈને અહોભાવ અનુભવે છે. ટુરિઝમ હોય કે ટ્રેડ ફેર, વિદેશી – ગોરા લોકોને જોઈને મોટાભાગના ભારતીય માનસ મનોમન એકને સિત્તેર સાથે ગુણાકાર કરવા લાગે છે. કેટલાકને બ્રિટિશ, યુરોપિયન અને અમેરિકન વચ્ચેનો તફાવત પણ ખબર નથી. તેમ છતા, એમને માટે આ ‘અંગ્રેજ’ એકદમ અભિભૂત કરી નાખતી ત્વચા છે. આપણા દેશમાં આટલા અદભુત ઈન્સ્ટિટ્યુટ્સ હોવા છતા વિદેશી ડિગ્રીનું મૂલ્ય આજે પણ વધારે આંકવામાં આવે છે.

આપણા દેશનું હવામાન અને બ્રિટન કે યુરોપનું હવામાન અલગ છે. એમના વસ્ત્રો એમના હવામાન પ્રમાણે બરાબર છે, પરંતુ આપણા દેશમાં ડોકટર્સ, IAS કે બીજા અફસરો ભારતની આટલી ગરમીમાં પણ ટાઈ અને બ્લેઝરમાંથી છુટી શક્યા નથી. એવી જ રીતે, મોટાભાગના સમારંભોમાં ખોટા વ્યાકરણ અને શબ્દપ્રયોગો સાથે પણ ‘અંગ્રેજી’ બોલવાનો આપણો આગ્રહ હજી ઘટ્યો નથી. છરી કાંટાથી ખાવાની પરંપરા આપણી નથી, આપણે મોમ અને ડેડ નહોતા કહેતા, આપણે આપણા ઉત્સવોને ભૂલી ગયા છીએ, પણ ક્રિસમસ અને ન્યૂ યર ઈવ જોરશોરથી ઊજવીએ છીએ. આપણા બાળકોને પંચતંત્રની વાર્તા ખબર હોય કે નહીં પણ સિન્ડ્રેલા, પિનોકીયો અને સ્નો વ્હાઈટ ખબર છે. માતૃભાષામાં શિક્ષણ કાં તો મધ્યમ વર્ગ અથવા નીચલા મધ્યમ વર્ગમાં જ સ્વીકાર્ય છે. ઉચ્ચ મધ્યમ વર્ગમાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એટલું જ નહીં એમને માતૃભાષા આવડતી નથી, અને એ બાબતનો કોઈ અફસોસ માતા-પિતા કે સંતાનોને નથી. પશ્ચિમથી આવેલી ખોટી અને અણસમજુ બાબતોને આપણે ‘ફેશન’ કે ‘ટ્રેન્ડ’ તરીકે સ્વીકારી છે. શરાબ કે સિગારેટ આધુનિક હોવાનો પુરાવો નથી, એ વાત આપણે ભારતીયો ભૂલી ગયા છીએ. આપણા સંતાનોને આપણે જ વેદો અને પુરાણોનો ભવ્ય વારસો આપી શક્યા નથી, કારણ કે, આપણે જ આપણી પરંપરાના પુસ્તકો વાંચ્યા નથી.

આપણે ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે, “અમે તો હિન્દી સિનેમા કે હિન્દી સીરિઝ જોતા જ નથી…” એથી આગળ વધીને વળી કેટલાક તો ગુજરાતી વિશે પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. આપણે ત્યાં જે સિનેમા, સંગીત, કલા અને સાહિત્યનો વારસો છે એ વિશે આવા લોકોને કશી જ ખબર નથી! એ તો બ્રિટિશ અને અમેરિકનોની માનસિક ગુલામીમાંથી હજી આઝાદ નથી થયા.

આપણું બંધારણ હજી એ જ છે જે આજથી 75 વર્ષ પહેલા બ્રિટિશ બંધારણના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. કાયદામાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ એક મુખ્ય બદલાવ જે આવવો જોઈતો હતો એની હજુ સુધી પ્રતિક્ષા છે. ભારતીય બંધારણ એક સામાન્ય માણસને પોતાના અધિકાર અને ફરજ સમજાય એવી રીતે લખાવું જોઈએ. આજે ન્યાયાલયમાં ન્યાય માંગવા જનાર વ્યક્તિને કાયદાની અટપટી ભાષા સમજવા માટે અનિવાર્યપણે વકીલની જરૂર પડે છે. એવી જ રીતે સરકારી કાગળો, કોન્ટ્રાક્ટ કે નોંધ વાંચવા માટે પણ એક સામાન્ય માણસને સરળતાથી સમજાય એવી ભાષા વપરાવી જોઈએ. બ્રિટિશ સરકારે આ કાયદા કે અટપટી ભાષા એટલા માટે ગોઠવી હતી જેથી એક સામાન્ય નાગરિકને આવી સરકારી ભાષા સમજવા માટે કોઈ સરકારી અફસરની જરૂર પડે જ… પણ હવે, જ્યારે આપણે 75 વર્ષથી એક આઝાદ દેશ છીએ ત્યારે કાયદા, બંધારણ, સરકારી કાગળો, દસ્તાવેજ કે સૂચનાઓ એક સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં લખાવા જોઈએ.

એક ખૂબ મહત્વની વાત એ છે કે આપણે ભારતીય તરીકે હજી એક નથી. બ્રિટિશ સરકારે જતાં પહેલાં આપણને ધર્મથી જુદા પાડ્યા, પ્રાંતથી જુદા પાડ્યા, ભાષા અને ભોજનથી જુદા પાડ્યા… બ્રિટિશ સરકાર તો ચાલી ગઈ પણ આપણે હજી જુદા જ છીએ! જ્ઞાતિ, જાતિ, ઊંચ, નીચ, ભાષા અને ભોજન… સુધી તો સમજી શકાય પરંતુ ધર્મની દ્રષ્ટિએ પણ એકબીજા વિરુદ્ધ જે અસલામતી અને ઝેર બ્રિટિશ સરકારે આપણા મન અને મગજમાં નાખ્યું એનાથી આપણે મુક્ત થઈ શક્યા નથી.

જો સાચે જ 75 વર્ષની ઊજવણીનો અમૃત મહોત્સવ કરવો હોય તો એક ભારતીય નાગરિકે જાતે, પોતે પોતાના દેશ, ભાષા અને રાષ્ટ્રીય સન્માનનું ગૌરવ કરવું પડશે. આઝાદીના 75 વર્ષ પછી જો આપણી આવનારી પેઢીને રાષ્ટ્રધ્વજમાં કયો રંગ ઉપર અને કયો રંગ નીચે આવે, એમાં પણ ભૂલ પડતી હોય, સિનો-ઈન્ડિયા વોરથી શરૂ કરીને કારગિલ સુધીના શહીદોમાંથી કોઈના નામ પણ યાદ ન હોય કે એમને આજે પણ ‘ત્યાં અને અહીંયા’ વચ્ચેનો ફરક સતત ખૂંચ્યા કરતો હોય તો 75 વર્ષ કે 750 વર્ષ… કોઈ ફરક પડે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *