દિલ ધડકને દો…

નવરાત્રિના આઠ દિવસમાં 108 એમ્બ્યૂલન્સ સેવાને હાર્ટની સમસ્યાને લગતા 750
કોલ આવ્યા છે. માત્ર એક સપ્તાહમાં 25થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો છે જેમાં 13થી 35 વર્ષના
લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. તબીબો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે જેમાં, કોવિડથી
શરૂ કરીને બદલાઈ રહેલી જીવનશૈલી સુધીના અનેક કારણો તપાસવામાં આવી રહ્યા છે, પરંતુ માત્ર
નવરાત્રિ જ નહીં, છેલ્લા થોડા સમયથી ભારતમાં યુવા અને બાળ નાગરિકોના મૃત્યુ હૃદય રોગથી
થવાના કિસ્સા વારંવાર સાંભળવા મળી રહ્યા છે…

શું કારણ હોઈ શકે? અને હૃદય રોગ-હાર્ટ ફેલિયિર-કાર્ડિયાકઅરેસ્ટ-એન્જાઈનલ પેઈન
જેવા જુદા જુદા શબ્દોનો શું અર્થ છે એ વિશે આપણે પણ જાણવું જોઈએ. હાર્ટ ફેલિયિર વિશે
વિકિપિડિયા કહે છે કે, હૃદય શરીરનું અત્યંત સંવેદનશીલ અંગ છે, અને આખું જીવન એક ક્ષણ પણ
અટક્યા વગર એ સતત કામ કરે છે. હૃદય આખા શરીરને ચોખ્ખું રક્ત અને ઓક્સિજન પહોંચાડે છે.
મગજમાં જ્યારે ભયાનક દબાણ, ભય કે ટેન્શન થાય ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે, પરસેવો
થાય છે અને ક્યારેક ચક્કર કે ઉલ્ટી જેવી લાગણી પણ થાય છે, આનો અર્થ એ થયો કે હાર્ટ ફેલિયિરનું
સૌથી મોટું કારણ માનસિક દબાણ છે. એની સાથે જોડાયેલા બીજા અનેક કારણો છે. આપણી
જીવનશૈલી, શરાબ, ધૂમ્રપાન, બીજા પ્રકારના નશા વગેરે. મોટેભાગે હૃદય અચાનક બંધ નથી થઈ
જતું, એ પહેલાં નોટિસ આપે છે. શરીરનું કોઈપણ અંગ અત્યંત પીડા કે મુશ્કેલ પરિસ્થિતિ સુધી
પહોંચતાં પહેલાં હંમેશાં સિગ્નલ આપે છે. એન્જાઈના પેક્ટોરિસ જે પ્રિ કાર્ડિયલ સબસ્ટર્નલ
પરિસ્થિતિ છે. જેમાં હૃદયમાં થોડી થોડી વારે ધીમી કે તીવ્ર પીડા થાય છે. ડાબો ખભો અને ડાબો
હાથ પણ દુખી શકે, પરસેવો થાય, ચક્કર આવે અને અચાનક બેહોશ થવા જેવી સમસ્યા પણ ઊભી
થઈ શકે. આ પહેલો સિગ્નલ છે જેના તરફ આપણે મોટેભાગે ધ્યાન આપતા નથી. આ પીડા થોડોક
જ સમય રહે છે, જેમાં માનસિક કે શારીરિક બંને પરિસ્થિતિ જવાબદાર હોઈ શકે છે.

હૃદયને લોહી પહોંચાડતી નસો (આર્ટરી) બહુ રસપ્રદ રીતે આપણા શરીરની રચના છે.
જેમ એક જ ઘરના અલગ અલગ ઓરડા વચ્ચે દરવાજા હોય તેમ હૃદયમાં આવેલા ચાર જુદા જુદા
વિભાગમાં લોહીની અવરજવર માટે દરવાજા જેવા વાલ્વ છે, પરંતુ આ વાલ્વ એક જ દિશામાં ખૂલે
છે અને એમાંથી લોહીની અવરજવર નિશ્ચિત રીતે થતી હોય છે. બે ભાગમાં લોહી દાખલ થાય છે
અને બે ભાગમાંથી લોહી બહાર નીકળે છે. સ્વચ્છ થયેલું લોહી પમ્પની જેમ આખા શરીરમાં ફરતું
રહે છે. એઓર્ટા (સૌથી મોટી ધમની) અને ફેફસાં સુધી જતી ધમનીઓ એટલે પલ્મોનરીઆર્ટરીમાં
લોહીને પહોંચાડવા માટે હૃદયના જે વિભાગ સંકોચાય છે એને ગુજરાતીમાં ક્ષેપક (ventricle)
કહેવાય છે. જે વિભાગમાં આખા શરીરમાંથી અસ્વચ્છ લોહી પ્રવેશે છે તેને કર્ણક (atrium) કહેવાય
છે. જ્યાં સુધી એવોર્ટિક વાલ્વ અને પલ્મોનરી વાલ્વ યોગ્ય સમય સુધી કામ કરતાં હોય ત્યાં સુધી
મોટી સમસ્યા થતી નથી. જમણા અને ડાબા વિભાગ વચ્ચે ટ્રાયકસ્પિડ વાલ્વ હોય છે અને જમણા-
ડાબા વિભાગ વચ્ચે માઈટ્રલ વાલ્વ હોય છે. સુપીરિયર વેનાકેવા અને ઈન્ફિરિયર વેનાકેવા લોહીની
અવરજવરનો રસ્તો છે… હવે જ્યારે અશુધ્ધ લોહી હૃદયમાં પ્રવેશી ન શકે કે, સ્વચ્છ લોહી બહાર ન
નીકળી શકે ત્યારે આ શિરામાં બ્લોકેજ છે એવું કહેવાય. સામાન્ય રીતે લોહીમાં ચરબીના કણો હોય
છે. આ કણો લોહી સાથે વહેતાં રહે ત્યાં સુધી બધું સામાન્ય અને સ્વચ્છ હોય છે, પરંતુ જ્યારે આ
શિરાઓમાં ચરબીના કણ જમા થવા લાગે ત્યારે જેમ રસ્તામાં ટ્રાફિક ભેગો થાય અને આપણી ગાડી
અટકી જાય એવી રીતે લોહીને પસાર થવામાં સમસ્યા થાય છે. હૃદય સુધી પૂરતું લોહી ન પહોંચવું કે
હૃદયમાંથી પૂરતું લોહી બહાર ન આવવું આ બંને પરિસ્થિતિને બ્લોકેજ કહેવાય છે. જ્યારે ‘બાયપાસ’
જેવો શબ્દ વાપરવામાં આવે ત્યારે સમજવું કે લોહીને પસાર થવાનો રસ્તો ખોલવાની પ્રક્રિયા કરવી
પડશે.

જ્યારે આ બ્લોકેજની પરિસ્થિતિ વણસી જાય ત્યારે કાર્ડિયાકઅરેસ્ટની પરિસ્થિતિ
ઊભી થાય છે. આ હાર્ટ એટેક કરતાં અલગ છે. હાર્ટ એટેક કદાચ એવી નોટિસ છે જ્યાં આપણું હૃદય
પોતાની તકલીફ આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કાર્ડિયાકઅરેસ્ટ એક એવી પરિસ્થિતિ છે
જ્યારે હૃદય અચાનક કામ કરવાની ના પાડી દે છે, અટકી જાય છે. સામાન્ય રીતે હૃદય લોહી પ્રવેશે
ત્યારે ફૂલે છે અને લોહી બહાર ફેકાય ત્યારે સંકોચાય છે, પરંતુ અચાનક સંકોચન કે ફૂલવાની પ્રક્રિયા
અટકી જાય તો એને હૃદય સ્તંભતા અથવા કાર્ડિયાકઅરેસ્ટ કહેવાય છે. હૃદયમાં ભરાઈ ગયેલું લોહી
બહાર ન ફેકાય કે હૃદયમાં લોહી દાખલ ન થઈ શકે એ પરિસ્થિતિમાં જો પાંચ મિનિટથી વધુ સમયમાં
સારવાર ન મળે તો મગજને ઈજા થઈ શકે છે. આ તબીબી ઈમરજન્સી છે. એ માટે સીપીઆર
આપવામાં આવે છે. આસપાસના લોકો જો આવી રીતે બેહોશ થઈ ગયેલા કે હૃદયના દુખાવાની
ફરિયાદ કરીને ઢળી પડેલા માણસને પોતાના બંને હાથે પૂરી તાકાતથી આંચકા આપે તો કદાચ બંધ
પડેલું હૃદય ફરી ચાલુ થઈ શકે, જેવી રીતે ખાળમાં બ્લોકેજ હોય અને આપણે વેક્યૂમથી પ્રયત્ન કરીએ
તો પાઈપ ખૂલી જાય એટલું જ સાદું આ વિજ્ઞાન છે.

આપણે જ્યારે કાર્ડિયોલોજિસ્ટ અથવા કાર્ડિયાસર્જન પાસે જઈએ છીએ ત્યારે એ જે
પ્રકારના શબ્દ પ્રયોગો કરે છે અથવા એન્જિયોગ્રાફી અથવા એન્જિયોપ્લાસ્ટીના જે રિપોર્ટ આવે છે
એ મોટાભાગે સામાન્ય માણસ સમજતો નથી. આ માહિતી એક સામાન્ય માણસને સમજાય એવી
અને એને સ્વસ્થ જીવન જીવવા માટે શું કરવું જોઈએ એ સમજાય એવી માહિતી છે. સમજવાની
જરૂરિયાત એ છે કે, હૃદય ચોવીસ કલાક કામ કરતું એક એવું અંગ છે જેના ઉપર આખા શરીરની
સ્વસ્થતાનો આધાર છે. જેનેટિક અથવા આનુવાંશિક કારણોસર બ્લોકેજ હોવા કે હૃદય નબળું હોવું,
એ આપણા હાથમાં નથી, પરંતુ ડાયાબિટિસ, હાઈપરટેન્શન, રૂમેટિઝમ જેવા રોગોથી બચવું તો
આપણા જ હાથમાં છે. નવાઈની વાત એ છે કે, આ બધા જ રોગો સ્વાદ અને માનસિક
સમસ્યામાંથી જન્મ લેતા રોગો છે. આપણે સહુ જે પ્રકારની જીવનશૈલી તરફ ધસી રહ્યા છીએ એમાં
શ્રમ નથી, ભોજન પેસ્ટીસાઈડ્ઝ અને ચરબીથી ભરેલું છે-જેને પચાવવાનો આપણા શરીરને અનુભવ
પણ નથી અને એટલી એની આવડત પણ નથી! જો જીવવું હોય, સ્વસ્થ જીવવું હોય તો હૃદયને
કોઈપણ પ્રકારના અંતરાય વગર ધબકતું રાખવું પડશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *