‘સંવેદના’…
આ શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. કવિતાથી શરૂ કરીને સાદા સંવાદમાં, ભાષણમાં અને
લેખનમાં ‘સંવેદના’ની વાતો અવારનવાર વાંચવા મળે છે. સંતાન ધાર્યું કરે તો માતા-પિતાની સંવેદના
ઉપર ઉઝરડો પડે, પતિ કે પત્ની જો જરાક અપેક્ષા વિરૂધ્ધ વર્તે કે પોતાના ગમા-અણગમા ખુલ્લા દિલે
વ્યક્ત કરે તો જીવનસાથીની સંવેદના ઘવાય, કોઈ જરાક પોતાની મરજી કે ઈચ્છાથી પોતાના અંગત
વિચારો કે અભિપ્રાય વ્યક્ત કરે ત્યારે વારંવાર ધાર્મિક લાગણી અને સંવેદનાઓ દુભાઈ જવાની ફરિયાદ
આપણે સાંભળતા રહીએ છીએ. બીજી તરફ, અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓ ‘સંવેદના’ શબ્દનો
પ્રયોગ એટલી બધી વાર કરે છે કે હવે એ શબ્દ આપણા સૌ માટે એક મુઠ્ઠી ચણા ફાકવા જેટલો સસ્તો
અને રોજિંદો થઈ પડ્યો છે. વાતેવાતે જાહેરમાં ‘સંવેદના’ દુભાવાની ફરિયાદો શરૂ થઈ છે… મજાની વાત
એ છે કે, આવી દુભાયેલી સંવેદના ‘જાહેર માફી’ મંગાવવા પૂરતી જ હોય છે. સેલિબ્રિટી કે જાણીતી
વ્યક્તિઓ પાસે જાહેર માફી મંગાવવાની આ ફેશનમાં ધર્મ, સમાજ કે જાતિ-જ્ઞાતિ સહિત એવા અનેક
લોકો છે જે આ શબ્દનો પ્રયોગ કરીને સામેની વ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા થયા છે. કેટલાક
લોકોને આમાં મજા આવે છે, કેમ ? કારણ કે પોતે ભલે સફળ કે પ્રસિધ્ધ ન હોય, પરંતુ અન્ય સફળ કે
પ્રસિધ્ધ વ્યક્તિને ‘ઝૂકાવવા’ નો આનંદ આ ‘દુભાયેલી સંવેદના’ ના નામે એમના અહંકારને પંપાળે છે !
આમ જોવા જઈએ તો આપણે બધા જ સમજ્યા વગર અનેક શબ્દનો પ્રયોગ કરીએ છીએ. બહુ
ઓછા લોકો એવા છે કે જે સાચા અર્થમાં યોગ્ય શબ્દ પ્રયોગ સાથે પોતાની વાત મૂકી શકે છે. જે વારંવાર
દુભાઈ જાય છે અને એ જાહેર માફીથી પાછી રીપેર થઈ જાય છે એવી આ સંવેદના છે શું ? આમ જોવા
જઈએ તો, ‘સંવેદના’ શબ્દ સમજવા જેવો છે. આપણે એ શબ્દનો પ્રયોગ આપણી વાતચીતમાં કરીએ એ
પહેલાં જો શબ્દ સમજાય તો કદાચ એનો સાચો અને વધુ સચોટ, થોડો સંભાળીને પ્રયોગ કરતાં શીખી
શકીએ.
સમ-વેદના… એટલે સંવેદના ! સામેની વ્યક્તિની વેદના એની જ તીવ્રતાથી અને એની જ
સચ્ચાઈથી સમજવાની આવડત કે આપણી પ્રામાણિકતા અથવા કુશળતા એટલે ‘સંવેદના’. સમ એટલે
સરખી… આપણને સરખી વેદના થાય છે ખરી ? જો પ્રામાણિકતાથી જવાબ આપીએ તો, ના! આપણે
ઘણીવાર સામેની વ્યક્તિને કહીએ છીએ, “હું તમારું દુઃખ સમજી શકું છું, અનુભવી શકું છું.” પરંતુ, દુઃખ
કે પીડા સામાન્ય રીતે અંગત હોય છે. કોઈના સ્વજનના મૃત્યુ પ્રસંગે આપણે કદાચ એની લાગણી કે પીડા
સમજી શકીએ, પણ અનુભવી શકતા નથી એ સત્ય છે. મોટાભાગના લોકો તો એને સમજવામાં પણ
ભૂલ કરે છે. કેટલીકવાર એવું થાય કે આપણે સામેની વ્યક્તિની વેદનાનો અર્થ કાઢવા જઈએ પણ
આપણને એની વાત ન સમજાય કારણ કે, આપણે એની પીડા કે દુઃખમાંથી પસાર થયા નથી.
છેલ્લા થોડા સમયથી પણ થોડાં વર્ષોથી માણસ માત્ર પોતાનો જ વિચાર કરતો થયો છે. પોતાના
દુઃખ સિવાય એને કશું જ સમજાતું નથી. આને સ્વાર્થ કહીએ ? કે માણસની બુઠ્ઠી થતી જતી સંવેદના
કહીએ ? બાળકી ઉપર બળાત્કાર કે આખા પરિવારના આપઘાતના સમાચાર વાંચીને આપણી સંવેદનાને
ખાસ કંઈ થતું નથી, પરંતુ જો કોઈ ઈશ્વર કે જાતિ-જ્ઞાતિ ઉપર સાદી વાતમાં એકાદ ટકોર પણ કરવામાં
આવે તો જેને લેવાદેવા નથી એવા માણસો પણ પોતાની ઘવાયેલી સંવેદના લઈને બજારમાં નીકળી પડે
છે. આમાં સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે, એ લોકો જેના નામે ઝઘડે છે એવા દરેક ‘ધર્મ’ વ્યક્તિ
સ્વાતંત્ર્યના હિમાયતી છે, લગભગ દરેક ધર્મમાં અન્યની લાગણી અને સન્માનનું ધ્યાન રાખવાની વાત
કહેવામાં આવી છે ! કદાચ કોઈ ખોટું વર્તે, ખરાબ બોલે કે આપણા ધર્મ વિશે ઘસાતું – કડવું વિધાન કરે
તો એને ‘ક્ષમા’ કરવાની દરેક ધર્મમાં સૂચના છે… પરંતુ, જે લોકોને ‘સંવેદના’ શબ્દનો અર્થ જ ખબર નથી
એ લોકો ધર્મ-જ્ઞાતિ કે જાતિના નામે, બીજા ઉપર અંગત પ્રહારો કરીને પોતાની ‘સંવેદના’ ની દુહાઈ
આપતા રહે છે !
સમ-વેદના એટલે… સામેની વ્યક્તિની વેદના સમજી શકે એ, ‘સંવેદના’ છે. કોઈ જ્યારે કડવું,
ઘસાતું બોલે છે, ગુસ્સામાં કોઈ વિધાન કરે છે ત્યારે એ વ્યક્તિના મનમાં શું ચાલતું હશે અથવા એણે શું
કામ આવું કહ્યું હશે એવો વિચાર કરીને એની સાથે વર્તન કરવું એ ‘સંવેદના’ છે. બળાત્કાર થયો હોય એવી
દીકરીને કોર્ટમાં પૂછાતા સવાલો વખતે સમજણપૂર્વકનું વર્તન કરે એ વકીલની સંવેદના છે… રસ્તા પર
કચરો ન ફેંકવો, જાહેરમાં ન થૂંકવું કે માસ્ક પહેરીને ફરવું એ એક સામાન્ય નાગરિકની સંવેદના છે. આપણી
પાસે દરેક વ્યક્તિના વર્તન, વાણી કે વિચારનો એક ડેટા હોય છે. એણે ભૂતકાળમાં કોઈ દિવસ કોઈને
નુકસાન ન પહોંચાડ્યું હોય, કે કડવાં-ઘસાતાં જાહેર વિધાન ન કર્યાં હોય, જો દરેક ધર્મ-જાતિ-જ્ઞાતિને માન
આપ્યું હોય… તો અચાનક એ વ્યક્તિની સામે ઊભા થયેલા લોકોની ઘસાતી સંવેદનાને ચકાસવી જોઈએ,
એવું નથી લાગતું ? આવી ઘસાયેલી-ઘવાયેલી-દુભાયેલી સંવેદનાનો ઝંડો લઈને નીકળી પડતા લોકોનો
ઈરાદો શું છે એ સમજ્યા વગર એની સાથે જોડાઈ જતા લોકો ખરેખર તો સમાજની અને દેશની
સંવેદના ઉપર બહુ મોટો ખતરો છે…
સંવેદના, ભીતરની એક ઋજુ અને અંગત લાગણી છે. આપણે હવે પછી જ્યારે પણ ‘સંવેદના’
શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે સમ (સરખી અથવા સમાન) વેદનાની વાત કરીએ છીએ એટલું યાદ રાખીએ
તો સારું.