મૂડસ્વિંગ, વર્કબ્લોક અને ડિપ્રેશનઃ નવા જમાનાના નવા રોગ?

અમિતાભ બચ્ચનને એક કાર્યક્રમમાં મળવાનું થયું ત્યારે મેં એમને પૂછેલું, ‘સર! થકતે
નહીં હો?’ એમણે હસીને જવાબ આપેલો, ‘અગર ઘર પર બૈઠ ગયા તો થકુંગા ઔર ઘરવાલોં કો
જ્યાદા થકા દુંગા.’ જેને આપણે સદીના મહાનાયક તરીકે ઓળખીએ છીએ એ અમિતાભ બચ્ચન,
લતા મંગેશકર, રતન તાતા, આનંદ પંડિત કે એવા કેટલાંય નામ લઈ શકાય જેમણે સફળતાના શિખરો
સર કર્યા પછી પણ કામ કરવાનું છોડ્યું નથી એટલું જ નહીં, એમના છેલ્લા પ્રોજેક્ટ સુધી એમણે એ
જ નિષ્ઠા અને એ જ લગનથી કામ કર્યું છે. એમને થાક કે કંટાળો જેવા શબ્દો વાપરતા આપણે
સાંભળ્યા નથી, બલ્કે એથી તદ્દન ઉલ્ટું આપણે એમની સમયબદ્ધતા, મહેનત અને સંઘર્ષની કથાઓને
‘પ્રેરણા’ તરીકે સાંભળી છે. આ ફર્સ્ટ જનરેશન હતી. મિડલ ક્લાસમાંથી આવેલા એવા લોકો જેમણે
ભયાનક સંઘર્ષ કર્યો.

એ પછી જે પેઢી આવી એમને બધું તૈયાર મળ્યું. સારામાં સારું ઘર, શાળા, જીવનશૈલી
સાથે આ પેઢી માટે કોઈ સંઘર્ષ કે સમસ્યા બાકી રહ્યા નહીં. કદાચ, એટલે જ આ પેઢીમાં (1985
પછી જન્મેલી) બોરિયત, કંટાળો, અણગમો, આત્મવિશ્વાસનો અભાવ, અસુરક્ષા અને સૌથી મોટો
પ્રશ્ન, કન્ફ્યુઝન જોવા મળે છે. સંઘર્ષ કરવા માટે આ પેઢી તૈયાર નથી… એમને ક્યાંય વેઈટ કરવું પડે,
અણગમતું કામ કરવું પડે, અણગમતી જગ્યાએ જવું પડે કે અણગમતી પરિસ્થિતિમાં મૂકાવું પડે તો એ
લોકો તરત ફ્રસ્ટ થઈ જાય છે. ‘ન ફાવે’ એવી કોઈપણ બાબત સાથે સમાધાન કરવાનું આ પેઢીને
અનુકૂળ નથી આવતું. એમના મૂડ તરત બદલાય છે, આખી દુનિયા એમના મૂડને સમજે, ઓળખે
અને એમના મૂડ પ્રમાણે વર્તે એવી આ નવી પેઢીની અપેક્ષા છે. કોઈપણ એક વસ્તુથી એમને ઝડપથી
કંટાળો આવે છે. વ્યક્તિ, વ્યવસાય કે વસ્તુ, એમને માટે બહુ ફરક નથી! કોઈ એક સમય હતો જ્યારે
35-40 વર્ષના લગ્નજીવન પછી પણ પતિ-પત્નીનો એકમેકમાં રસ જળવાઈ રહેતો. આજે જોવા
મળે છે કે, જિંદગીના થોડા વર્ષો સાથે ગાળ્યા પછી પતિ-પત્ની એકબીજાથી ‘બોર’ થઈ જાય છે!

આજ સુધી જે શબ્દો આપણે ક્યારેય સાંભળ્યા નહોતા એવા શબ્દો હવે રોજિંદા
જીવનની ડિક્ષનરીનો ભાગ બન્યા છે. ‘માય સ્પેસ’, ‘મિ ટાઈમ’, ‘માય હોલ્ડ’, ‘માય લાઈફ’ અને
બીજા એવા શબ્દો જેમાં આઈ-મિ અને માય સેલ્ફ સૌથી મહત્વના છે. બાકીના લોકોનો સમાવેશ
ત્યારે જ થઈ શકે જ્યારે એ આ આઈ-મિ અને માય સેલ્ફનો હિસ્સો બને! બીજી એક ન સમજાય તેવી
બાબત છે વર્ક બ્લોક. જેમાં રાઈટર્સ બ્લોક, એક્ટર્સ બ્લોકથી શરૂ કરીને મેડિસિન અને બીજા ગંભીર
વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ ‘બ્લોક’ આવે છે. આ બ્લોકનો અર્થ છે આગળ કામ ન કરી
શકવાની સમસ્યા. એક લેખક વિચારી ન શકે, એક લેખકને અભિનય કરતી વખતે સૂઝ ન પડે, એ
કદાચ સમજી શકાય કારણ કે એ કલા સાથે જોડાયેલા વ્યવસાય છે, પરંતુ એક ડૉક્ટર, એન્જિનિયર કે
આર્કિટેક્ટ પણ જ્યારે એમ કહે કે, એમને કામ કરવાની ‘મજા’ નથી પડતી… ત્યારે એ સમસ્યા વધુ
અઘરી અને વિકટ બની જાય છે.

આજની પેઢીને દરેક વાતમાં ‘મજા’ જોઈએ છે. રોજિંદા કામમાં પણ એક્સાઈટમેન્ટ
વગર જીવવું એમને અઘરું લાગે છે. આજથી થોડા વર્ષો પહેલાંની જિંદગીમાં રોજિંદા જીવનની
ઘટમાળ સાથે વચ્ચે વચ્ચે એક નાનકડા એક્સાઈટમેન્ટના ઉત્સાહના, ઉમંગના, બ્રેકના ટુકડા મળી
જાય તો વ્યક્તિ પોતાની જાતને નસીબદાર માનતી. હવે એવો સમય આવ્યો છે કે, રોજેરોજ
એક્સાઈટમેન્ટ જોઈએ છે. જિંદગીમાં રોજ કશુંક નવું બનવું જોઈએ, સપ્રાઈઝ હોવું જોઈએ. કોઈ
ઉશ્કેરાટ કે ઉન્માદ હોવો જોઈએ. જો એમ ન હોય તો જીવન શુષ્ક અને નિરસ લાગતાં વાર નથી
લાગતી.

આ બધા આક્ષેપ કે ફરિયાદ નથી. એક સામાન્ય ઓબ્ઝર્વેશન છે. આવું થવાનું અથવા
આ પરિસ્થિતિ ઉભી થવાનું કારણ એ છે કે, આજની પેઢીના યુવા પાસે અચિવમેન્ટનો અહેસાસ
નથી. કશું મેળવવાનો અનુભવ દુનિયાના કોઈપણ એક્સાઈટમેન્ટ કરતાં વધારે હોય છે. સંઘર્ષ અને
મહેનત પછી કશુંક પામ્યાની લાગણી માણસને એક અજબ પ્રકારનો સંતોષ, આત્મવિશ્વાસ અને
તૃપ્તિનો અહેસાસ કરાવે છે. હવે જેની પાસે બધું જ હોય એણે સંઘર્ષ કરવાનો જ નથી. ઈચ્છે કે
માગે તે પહેલાં જ્યારે વસ્તુ હાથમાં આવી જાય. કારકિર્દીનો પથ નિશ્ચિત હોય અને જીવનમાં
કોઈપણ પ્રકારની સુવિધાનો અભાવ ન હોય ત્યારે આ કંટાળો, મૂડસ્વિંગ અને ડિપ્રેશન આપણને ઘેરી
વળે છે.

એક જાણીતા અભિનેતાએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહેલું, ‘સવારે ઉઠીને રેશનની લાઈનમાં
ઉભા રહેવાનું હોય, સાંજે ખાવા મળશે કે નહીં એ વિશે અનિશ્ચિતતા હોય ત્યારે ડિપ્રેશન કે
ઈમોશનલ પ્રોબ્લેમ્સ યાદ નથી આવતા કારણ કે, જીવનના મુખ્ય પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે.’
અહીં, જ્યારે કોઈ પ્રશ્ન જ નથી ત્યારે જે પ્રશ્નો ઉભા થાય છે એ માનસિક છે. ઉભા કરેલા છે એવું
ન કહીએ તો પણ એ સમસ્યાને કારણ વગર મહત્વ આપવાનું આપણને સૌને ગમવા લાગ્યું છે. જ્યાં
શારીરિક શ્રમનું મહત્વ હોય ત્યાં મન અને મગજ પણ ઓછી તકલીફ આપે છે, પરંતુ જ્યારે એક
વ્યક્તિએ દિવસભર કશુંક કરવાનું જ ન હોય ત્યારે એનું મગજ એને જાતભાતની સમસ્યાઓમાં
સંડોવવા લાગે છે. ન હોય ત્યાં પ્રોબ્લેમ દેખાય છે. અપેક્ષા પ્રમાણે પરિસ્થિતિ કે વ્યક્તિ ન વર્તે અથવા
ધાર્યું ન થાય ત્યારે નિરાશા થાય છે અને નિરાશામાંથી ડિપ્રેશન આવે છે. અત્યાર સુધી બધું તૈયાર
મળ્યું છે એટલે પોતે જે ઈચ્છતા હોય કે માગતા હોય એ મેળવવાનો પ્રયાસ કરવાને બદલે ‘મળી જ
જવું જોઈએ’ એવી માનસિકતા આ યુવા પેઢીમાં વધુને વધુ ફેલાતી જાય છે. ન મળે ત્યારે જીવન વ્યર્થ
લાગે છે, માતા-પિતા નકામા અને જગત અણગમતું લાગે છે. પોતાની પાસે જે છે તેનો અહેસાસ
નથી માટે ‘જે નથી’ એનો અભાવ બળવત્તર થાય છે.

આજની પેઢીનો એક બીજો પ્રશ્ન સોશિયલ મીડિયા છે. એમના ઉપર જોઈતી-નહીં
જોઈતી, કામની-નકામી, સારી-ખરાબ એટલી બધી માહિતીનો મારો કરવામાં આવે છે જેનાથી
એમનું મગજ સારા અને ખોટા વિચાર, કામના અને નકામા વિચાર વચ્ચેનો ભેદ પાડવાનું ચૂકી જાય
છે. આવા સમયમાં બિનઅનુભવી અને યુવાન મગજમાં વિડ્રોઅલ થાય છે. આપણી પાસે ખૂબ બધું
કામ હોય ત્યારે ક્યાંથી શરૂ કરવું એ ન સમજાય એવી જ રીતે આ યુવા મગજ મૂંઝવણમાં મૂકાઈ જાય
છે. માતા-પિતા ફરિયાદ કરે છે કે ‘એ આળસુ’ છે, પરંતુ સત્ય એ છે કે એની પાસે એટલા બધા
ઓપ્શન્સ છે, મજા કરવાના, સમય વિતાવવાના અને આવેગ, ઉન્માદની ક્ષણોમાં જીવવાના… કે એને
એમાંથી નીકળીને મહેનત, સંઘર્ષ કે સમસ્યાનો સામનો કરવાનું કામ બિનજરૂરી અને બોરિંગ લાગે
છે. આને વર્ક વિડ્રોઅલ કહીએ કે આળસ… અંતે, વાત સરખી જ છે. સોશિયલ મીડિયા સરખામણી
તરફ લઈ જાય છે. બીજાની સરખામણીમાં કે બીજાના જેવું જીવવાના પ્રયાસમાં આજનો યુવા
પોતાના અલગ અસ્તિત્વને કંડારવાનું છોડીને કોઈ ફિલ્મસ્ટાર કે મોડેલ જેવા દેખાવાનો કે બનવાનો
પ્રયાસ કરવા લાગે છે. સ્વાભાવિક છે કે, પોતે અન્ય કોઈ વ્યક્તિ જેવા દેખાય કે બની ન જ શકે-ત્યારે
પણ આજના યુવાને હતાશા-નિરાશા અને નિષ્ફળતાની સાથે ડિપ્રેશન અને વર્કબ્લોક જેવી
સમસ્યાઓ થાય છે.

માતા-પિતાએ એવું સમજવાની જરૂર છે કે, બધું હાથમાં આપી દેવાથી અને દરેક વસ્તુ
પોતાના સંતાનની મરજી મુજબ કરવાથી એ સંતાનનો સારો ઉછેર નથી કરી રહ્યા બલ્કે એને એક એક
હતાશ-નિરાશ-ડિપ્રેસ અને મૂડસ્વિંગ ધરાવતી, સમાજમાં ફિટ ન થઈ શકે એવી વ્યક્તિ બનાવી રહ્યા
છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *