‘વેડનેસ ડે’ નામની એક ફિલ્મમાં જ્યારે એક ધમકી આપતા આતંકવાદીને ટ્રેસ કરવાનો છે ત્યારે
એક યુવાન છોકરાને બોલાવવામાં આવે છે. એના પહેરવેશ અને તદ્દન કેઝ્યુઅલ અપ્રોચને જોઈને
પોલીસ કમિશનર ગુસ્સે થઈ જાય છે. એ પોતાના સહકર્મીને પૂછે છે, ‘યે ઢૂંઢેગા?’ અંતે એ છોકરો જ
ધમકી આપતા એક કોમનમેન (નસરુદ્દીન શાહ)નું લોકેશન ટ્રેસ કરી આપે છે! એવી જ રીતે આપણા
ઘરોમાં પણ ઘણીવાર આપણને ન જડે, ન સમજાય કે ન આવડે એવી ઘણી બાબતોમાં આપણને જેના
પર ‘ભરોસો નથી’ એવા ટીનએજ બાળકો રસ્તા ગોતી આપે છે. જિંદગીભર દબાઈ-ચંપાઈને, ફરિયાદો
કરીને જીવેલી માને દીકરી કહે છે, ‘તારે માટે જીવ, તને ગમે એમ કર’ તો બીજી તરફ, યુવાન ટીનએજ
દીકરો પિતાને કહે છે, ‘શું કામ આટલી ચિંતા અને હાય હાય કરો છો. તમે આનંદથી જીવો-હું મારે માટે
કરી લઈશ.’ એની સામે પિતા, દાદાજી, વડીલ કાકા કે કોઈ સગાં, ટીનએજ કે યુવા સંતાનને ‘નવી પેઢી’
માનીને એને કહે છે, ‘ચૂપ રહે, તું હજી નાની છે / નાનો છે. તારે મને સલાહ આપવાની જરૂર નથી…’
આ વાત આપણે અનેકવાર, અનેક લોકો પાસે સાંભળી છે. મોટી ઉંમરના ઘણા વડીલો
પોતાનાથી નાની ઉંમરના યુવાનોને ફક્ત એમની ઉંમરના કારણે આવું કહી નાખે છે. સલાહ આપવાની
કોઈ ઉંમર નથી હોતી. બર્થ સર્ટિફિકેટ સાથે સમજણ કે જ્ઞાનનું સર્ટિફિકેટ જોડાયેલું નથી. આપણે
સામાન્ય રીતે ‘નવી પેઢી’ને અણસમજુ, તોછડી અને બેજવાબદાર કહીને આપણી પેઢીને મહેનતુ,
જવાબદાર અને ચોક્કસ (મેટીક્યુલસ) સાબિત કરવા મથીએ છીએ, પરંતુ આપણે-જે લોકો અત્યારે
ટીનએજ કે એથી મોટા સંતાનોના માતા-પિતા છે એ પણ ક્યારેક બેજવાબદાર અને યુવાન હતા એ વાત
આપણે બધાએ સમજવાની જરૂર છે. કોરોના દરમિયાન ‘વર્ક એટ હોમ’નો સમય હતો ત્યારે કેટલાય યુવાનો
ગોવા અને હિમાચલથી કામ કરતા હતા. માતા-પિતા ઘરમાં પૂરાઈ રહ્યાં, પરંતુ આ યુવાનોએ રજાની મજા માણી, સાથે
કામ પણ કર્યું. આ પેઢી માતા-પિતા કરતાં જુદું વિચારી શકે છે. માત્ર પૈસા કમાઈને ઢગલા કરવા, એ
એમની જિંદગીનો ઉદ્દેશ નથી. પોતાના માતા-પિતાને પણ આ નવી પેઢી જિંદગી જીવતાં શીખવવાનો
પ્રયાસ કરે છે, પરંતુ અસલામત અને સતત હરિફાઈમાં જીવતાં રહેલાં માતા-પિતા એમના સંતાનોની
સલાહ કે સમજણ સ્વીકારતા નથી.
વ્યક્તિ ઉંમરમાં મોટી હોય એટલે એની પાસે અનુભવ વધારે હોય એ વાત આપણે સ્વીકારી
લઈએ, પણ દરેક અનુભવમાંથી એને મળેલું સમજણ અને જ્ઞાન સાચું જ હોય અને સૌને કામ લાગે
એવું હોય એ જરૂરી નથી. ક્યારેક આપણાથી નાની ઉંમરની વ્યક્તિ પાસે કોઈક બાબતમાં આપણાથી વધુ
અનુભવ, આવડત કે જ્ઞાન હોઈ શકે છે અને એની સલાહ આપણાથી વધુ સાચી અને અસરકારક હોઈ
શકે છે. એ વાત સમાજમાં મોટેભાગે કોઈ સ્વીકારવા તૈયાર થતું નથી. એક એવી માનસિકતા આપણા
બધામાં મગજમાં ઘર કરી ગઈ છે કે સલાહ તો ફક્ત વડીલ જ આપી શકે, અનુભવ તો ફક્ત વડીલ પાસે
જ હોય… આ વાત માત્ર હાસ્યાસ્પદ જ નહીં, ક્યારેક મૂર્ખામી ભરેલી લાગે છે.
ટેકનોલોજીની બાબતમાં ભલભલા ‘વડીલો’એ યુવાન બાળકોની મદદ લેવી પડે છે અથવા યુવાન
બાળકો પાસે ગૂગલની મદદથી જે માહિતી મેળવવાની, એકત્ર કરવાની આવડત અને કુનેહ છે એ
મોટાભાગના વડીલો પાસે નથી હોતી. કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવો કે વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ
કાઢવો એ માત્ર મોટી ઉંમરના-ઠરેલ કે વડીલ વ્યક્તિની જ આવડત છે એવું ક્યારેય નહોતું, હવે તો નથી
જ રહ્યું. નવી પેઢી વેલઈક્વિપ્ડ છે, ગ્લોબલ છે, વિચારી શકે છે અને ખૂબ ઝડપથી નિર્ણયો કરી શકે છે.
એકવાર કદાચ એવું સ્વીકારી લઈએ કે, એમના ઉતાવળિયા નિર્ણયને કારણે એમને તકલીફ પડે છે-ક્યારેક
હેરાન થાય છે તો પણ તદ્દન અનિર્ણયની સ્થિતિમાં આમથી તેમ ઝુલતા વડીલો કે પરિસ્થિતિનો સામનો
કરવાનું ટાળતા એમની પહેલાંની પેઢીના લોકો કરતાં આ યુવાનો વધુ સાહસિક અને વધુ પ્રામાણિક છે.
નહીં ગમતી વાત સહજતાથી કહી શકે છે. ગમતી વાતને આનંદથી સ્વીકારી-અપનાવી શકે છે. તો બીજી
તરફ, એથીયે વધુ મહત્વની વાત એ છે કે, આ યુવા પેઢી પાસે એમનો પોતાનો પરસ્પેક્ટિવ વ્યૂ પોઈન્ટ છે
જે એમને એક જુદા પરિમાણથી ઓળખવામાં આપણી મદદ કરી શકે છે.
માત્ર નાના છે માટે, યુવાન છે માટે, આપણી દૃષ્ટિએ બીનઅનુભવી છે માટે એમની વાત કે
સલાહ ન સાંભળવી એ આપણો અહંકાર છે. બદલાતા સમય સાથે પેઢીઓ બદલાય છે. આ વાત અત્યંત
સ્વાભાવિક છે, પરંતુ આપણે બધા અજાણતાં જ એવું માની બેઠા છીએ કે, જે પેઢીના વાળ ધોળા થવા
લાગ્યા છે અથવા જેણે ‘દુનિયા જોઈ છે’ એજ પેઢી પાસે જીવવા-સમજવાની આવડત કે નિર્ણયો
કરવાનો અધિકાર છે. સત્ય તો એ છે કે, જ્ઞાન અથવા સમજણને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. જ્ઞાનદેવ
શંકરાચાર્ય, ગાર્ગી કે લક્ષ્મીબાઈની ઉંમર સાથે એમના સાહસ કે જ્ઞાનને જોડી શકાય ખરા? એવી જ રીતે,
આજના સમયમાં જે પેઢી યુવાન થઈ રહી છે એને વીતી ગયેલી પેઢી સાથે સરખાવી શકાય એમ જ
નથી. નવી પેઢી પાસે જિંદગીની જુદી સમજણ છે… એમને સમજાય છે કે, પૈસા ભેગા કરવાથી ‘મજા’
નહીં મળે, જિંદગી માણી નહીં શકાય!
આ પેઢી જિંદગીને, સંબંધને, ક્ષણોને અને પોતે કમાયેલા પૈસાને ભોગવવામાં, માણવામાં અને
ઉજવવામાં માને છે… એમની સલાહ સાંભળવા, સ્વીકારવા જેવી છે.