યહ કહાની હૈ દીયે કી ઔર તૂફાન કી…

1976માં આવેલી એક ફિલ્મ, ‘ધ ઓમેન’. હોલિવૂડની હોરર ફિલ્મોમાં એક મહત્વની અને
સફળ થયેલી ફિલ્મ, જેમાં ડેમિયન (ડેમોન-રાક્ષસ અથવા શૈતાન)નો જન્મ છઠ્ઠી જૂને સવારે છ વાગ્યે
થયો હતો. એના માથા ઉપર 666નું નિશાન હતું. આ કથાની સિક્વલમાં પછી અનેક ફિલ્મો બની, જેમાં
શૈતાનના પુત્ર તરીકે જન્મેલો આ, ડેમિયન કઈ રીતે શૈતાનનું સામ્રાજ્ય ફેલાવે છે અને ક્રિશ્ચાનિટી
અથવા ધર્મનો નાશ કરવાનો કઈ રીતે પ્રયાસ કરે છે, એની કથા કહેવાતી રહી.

ક્રિશ્ચાનિટી હોય કે હિન્દુત્વ, બૌધ્ધ ધર્મ હોય કે જૈનત્વ, ઈસ્લામ હોય કે જ્યૂ… જ્યાં જ્યાં ધર્મ
છે ત્યાં અધર્મ છે જ. ઈસુને ક્રોસ પર ચડાવવામાં આવ્યા, ભગવાન મહાવીરના કાનમાં શૂળ ખોસી દીધી
તો બુધ્ધ ઉપર ચારિત્ર્યહીનતાનો આક્ષેપ કરવામાં આવ્યો. યજીદના સરદારોએ અને એના અનુયાયીઓને
તરસે માર્યા, પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, જ્યારે જ્યારે ઋષિમુનીઓ યજ્ઞ કરવા બેસતા ત્યારે
રાક્ષસો આવીને એમના ધર્મકાર્યમાં વિઘ્ન ઊભું કરતા… લગભગ દરેક ધર્મ એક જ વાત કહે છે, જેને
ધર્મનું પાલન કરવું છે એમાં વિઘ્ન કે તકલીફ તો આવવાની. કારણ એ છે કે, દુનિયાનો દરેક માણસ
સારાઈ અથવા ‘શુભ’ સાથે જોડાઈ શકતો નથી. મહાભારતની કથામાં જ્યારે ઉત્તંગ ઋષિપત્નીનું કુંડળ
લેવા જાય છે ત્યારે એને સફેદ અને કાળા કપડાં પહેરેલી સ્ત્રીઓ મળે છે. જે 24 ખૂંટા અને 365 આરાનું
ચક્ર સતત ફેરવે છે. આ રાત અને દિવસ છે… સાદી સમજણ એ છે કે, સતત અજવાળું અથવા સતત
અંધારું સંભવ નથી. આપણો દિવસ જેમ અંધારા અને અજવાળાની વચ્ચે વહેંચાયેલો છે, એવી જ રીતે
આપણું મન પણ સારા અને ખરાબની વચ્ચે વહેંચાયેલું છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ જો એમ કહેતી
હોય કે એને ગુસ્સો નથી આવતો, અણગમો નથી થતો કે ક્યારેય પણ મનમાં કડવાશ નથી આવતી-તો એ
જુઠ્ઠું બોલે છે. સંત હોય કે સામાન્ય માણસ, પ્રમાણ અને અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે, પરંતુ
માણસ હોવાના બેઝિક ગુણો પીડા, અણગમો, દુઃખ કે છેતરાયાની લાગણી, કડવાશ કે અભાવ,
ઓછાવત્તા પ્રમાણમાં અનુભવ્યા વગર રહી શકાતું નથી. સામાન્ય માણસ કદાચ પોતાના આવા નેગેટિવ
ભાવોને વધુ ઉત્કટતાથી અભિવ્યક્ત કરે, સંત અથવા સમજુ માણસ પાસે સમતા હોય તો એ શાંત રહી
શકે, સ્વીકારી શકે, પચાવી શકે અને પછી ઓછા શબ્દોમાં સમજણપૂર્વક પોતાની લાગણી અભિવ્યક્ત
કરી શકે.

આપણા સૌનો પ્રવાસ અંધારાથી અજવાળા તરફનો છે. એનો સૌથી મોટો દાખલો એ છે કે,
આપણે ગર્ભના અંધારામાંથી વિશ્વના અજવાળામાં પ્રવેશીએ છીએ. ઈશ્વરે આ મેટાફર-ઉદાહરણથી
આપણને કહ્યું છે કે, આપણે અજવાળામાં આવીને આંખો ખોલીએ ત્યારે માત્ર બહાર જ નહીં, ભીતર
પણ અજવાળું થવું જોઈએ. આપણે જાતે આંખો મીંચીએ, ઊંઘવા માટે કે પ્રાર્થના કરવા માટે ત્યારે પણ
એક અંધારું આપણને ઘેરી વળે છે, પરંતુ એનાથી આપણને ડર લાગતો નથી… બહાર કે અજાણ્યા સ્થળે
જ્યારે અંધારું ઘેરી વળે ત્યારે આપણને ડર લાગે છે એનું કારણ એ છે કે, બહારનું અંધારું આપણા
ભીતરના અજવાળા પર આક્રમણ કરે છે… ધર્મની બાબતમાં પણ આ સત્ય છે. ધર્મ અજવાળું છે,
અંધશ્રધ્ધા-અશ્રધ્ધા કે અર્ધશ્રધ્ધા, અંધારું છે. વિશુધ્ધ ધર્મ રીતિરિવાજ અને કર્મકાંડનો મોહતાજ નથી.
દીવો કરીએ ને પ્રકાશ થાય જ, એટલી સ્પષ્ટતાથી જો આપણે સાચા અને સ્વધર્મનું પાલન કરીએ તો
આપણી ભીતરના અભાવ, તિરસ્કાર, કડવાશ, એકલતા કે અધૂરપના અંધકાર સાથે લડી શકીએ… પરંતુ,
જો એ અંધકાર આપણા પર હાવિ થઈ જાય તો ધર્મનો દીપક ઝાંખો પડીને બૂઝાઈ જાય છે.

ભૂત, પ્રેત, પિશાચ, જીન, ચૂડેલ, ડાકણ કે રાક્ષસનું ફિઝિકલ અસ્તિત્વ છે કે નહીં, એ તો ચર્ચાનો
વિષય છે. કેટલાકને એની અનુભૂતિ થાય છે, તો કેટલાક પૂરા જન્મથી આવી અંધશ્રધ્ધાનો વિરોધ કરે છે.
કોઈની માન્યતા કે શ્રધ્ધા સામે દલીલો કરવાને બદલે જો ફરી એકવાર આપણે મેટાફર-ઉદાહરણથી
વિચારીએ તો સમજાય કે, આ બધું જ આપણી ભીતર છે. જેમ દેવ (પરમતત્વ) આપણી ભીતર નિવાસ
કરે છે એવી જ રીતે આળસ, અહંકાર, સ્વાર્થ અને વેરના દૈત્યો પણ આપણી ભીતર જ છે.

હિન્દુ ધર્મના પુરાણોમાં દેવદાનવોના યુધ્ધની કથા વારંવાર આવે છે. આ શુભ અને અશુભ વચ્ચે
સાચા અને ખોટા વચ્ચે, અંધારા અને અજવાળા વચ્ચેનું યુધ્ધ છે. એ ચાલ્યા જ કરે છે, જ્યારે જ્યારે
આપણને કોઈના ઉપર ગુસ્સો આવે, તિરસ્કાર થાય કે એનું નુકસાન કરવાનો વિચાર આવે ત્યારે દૈત્ય
બળવાન બને છે, જ્યારે ક્ષમા કરવાનો, કરુણા કરવાનો વિચાર આવે, સામેની વ્યક્તિની પરિસ્થિતિ
સમજવાની જરૂરિયાત લાગે, થોડામાંથી થોડો આપવાનો આનંદ થાય ત્યારે દેવ (પરમતત્વ)નો વિજય
થાય છે.

હિન્દુ ધર્મમાં ભક્તની શ્રધ્ધાની પરીક્ષા કરતી અનેક કથાઓ આપણે અવારનવાર સાંભળી છે.
ક્યારેક સવાલ થાય કે જેને આપણે અંતર્યામી કહીએ છીએ, જે કણેકણ અને ક્ષણેક્ષણમાં હાજર છે એવું
આપણે માનીએ છીએ, એને આપણા મનમાં શું ચાલે છે એની ખબર નહીં પડતી હોય? આપણી શ્રધ્ધા
અને પ્રેમ સાચો છે કે ખોટો એની પરીક્ષા ઈશ્વરે શું કામ કરવી પડે? એનો જવાબ એ છે કે, એણે આપણા
મનમાં અંધારું અને અજવાળું બંને મૂક્યાં જ છે, એ આપણા અસ્તિત્વનો હિસ્સો છે… પરંતુ, આપણે
કયાં તત્વ તરફ જવું છે, આપણી ભીતર કયું તત્વ વધુ બળવાન છે અને તક મળે ત્યારે કે પરિસ્થિતિ
ગૂંચવાય ત્યારે, સમસ્યા ઊભી થાય ત્યારે કે સ્વાર્થ સાધવાની લાલચ આવે ત્યારે આપણે કયા તત્વને શરણે
જઈએ છીએ એ એને પણ જાણવું હોય ને?

આપણી જ બનાવેલી રસોઈ આપણે ચાખીએ, ત્યારે કદીક વાહ! ને કદીક આહ! નીકળે છે એવી
જ રીતે ક્રિએટર-સર્જનહાર-પરમતત્વને પણ એણે જ રચેલા આ જગતમાં કોણ, શેની પસંદગી કરે છે એ
જાણવાની ઉત્સુકતા તો હોય ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *