‘બા’, ‘બૈરું’ અને ‘બેબી’

ગુજરાતી નાટકો અને સ્ટેન્ડઅપ કોમેડિયન્સ ‘ગુજરાતણ’ વિશે બહુ જોક્સ કરે છે. ગુજરાતી
સ્ત્રીઓ જાડી જ હોય, હિન્દી ખરાબ જ બોલે અને મફત કોથમીર લેવાનો મોહ છોડી શકે નહીં, ત્યાંથી
શરૂ કરીને ગુજરાતી મમ્મી અને ગુજરાતી સાસુ સુધી આ મજાક લંબાય છે. આપણે આપણી
આસપાસની દુનિયામાં નજર નાખીએ તો સમજાય કે, એ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ અને ગુજરાતી નાટકોમાં
જે પ્રકારની સ્ત્રીઓનું વર્ણન કરવામાં આવે છે એવી સ્ત્રીઓ હવે ‘એન્ટિક પીસ’ બની ગઈ છે.
નવગુજરાતી સ્ત્રી જીમ જાય છે. વ્યવસાય અને નોકરી કરે છે, એની એક ઓળખાણ છે-અસ્તિત્વ છે અને
સાથે જ એના ગમા-અણગમાની પસંદગી હવે સ્પષ્ટ છે.

આ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ કે ખડખડાટ હસાવતા ગુજરાતી નાટકના અભિનેતાઓ મુખ્યત્વે
પુરૂષો છે. એમને કદાચ ખબર જ નથી કે, ગુજરાતી સ્ત્રી 180 ડિગ્રી બદલાઈ ગઈ છે. સીત્તેરના દાયકા
પછી જન્મેલી લગભગ બધી સ્ત્રીઓ હેલ્થ કોન્સિયન્સ, વેલ ટ્રાવેલ્ડ અને અપડેટેડ હોય છે. પોતાની
આસપાસના જગતને ઓળખે છે, સમજે છે… ને, એથીય આગળ વધીને પોતાની મરજીને પૂરી હિંમત
અને આત્મવિશ્વાસથી પ્રગટ કરી શકે છે. ‘કોને, કેવું લાગશે…’ એવું વિચાર્યા વગર આજની સ્ત્રી પોતાના
સમયની સાથે કદમ મિલાવી રહી છે ત્યારે એક રસપ્રદ નિરીક્ષણ એવું છે કે, સ્ટેન્ડઅપ કોમેડી કરતી
સ્ત્રીઓ ‘ગુજરાતી’ નહીં, સામાન્ય પુરૂષ વિશે મજાક કરે છે. એને જાતિ, જ્ઞાતિ, ભાષા કે બીજી કોઈ વાત
સાથે ઝાઝી કોઈ લેવાદેવા નથી, જ્યારે ગુજરાતી પુરૂષ માટે ‘ગુજરાતણ’ આજે પણ ‘બૈરું’ છે.

આવા પુરૂષો સાવ ખોટા નથી-પરંતુ, એ હજીયે ભૂતકાળમાં જીવે છે એટલું તો કહેવું જ રહ્યું.
ગામડાંમાં કે બી ટાઉનમાં વસતી સ્ત્રીઓ પણ હવે મોબાઈલને કારણે અપડેટેડ થતી જાય છે. ઓનલાઈન
શોપિંગ એમને પણ આવડે છે. આખા જગતના સમાચારો જાણીને એમના સપનાંએ પણ પાંખો ફેલાવી
છે. નાના ગામડાંમાં રહીને પણ આવી સ્ત્રીઓ પોતાની આવડત અને શક્તિ મુજબ આર્થિક પ્રદાન કરીને
પોતાના સંતાનનું ભવિષ્ય સુધારવાનો કે બદલવાનો પ્રયાસ કરી રહી છે. એની સામે પુરૂષ કદાચ હજીયે
એક દાયકો પાછળ જીવે છે. સ્ત્રીએ શું કરવું અને શું ન કરવું એ વિશેની સ્ત્રીની પોતાની માન્યતાઓ નાના
શહેરમાં કે મેટ્રોમાં જુદી હોઈ શકે, પરંતુ ભારતીય પુરૂષ હજી પણ એના વિચારોને અપગ્રેડ કરતાં અચકાય
છે.

એંસીના દાયકા પછી જન્મેલા પરિવારોની દીકરીઓ અને પુત્રવધૂઓ માત્ર હિન્દી જ નહીં,
અંગ્રેજી પણ ચોખ્ખું બોલે છે. એમની પાસે સક્ષમ કહી શકાય એવી ડિગ્રી, વ્યવસાય કે નોકરી છે… એ
સ્ત્રી છે, વુમન-બૈરું નહીં ! નેવુંના દાયકા પછી જન્મેલી સ્ત્રી તો બૈરું કે વુમન કોઈ કક્ષામાં નથી
આવતી… એ ‘બેબી’ છે. એકબીજાને ‘બ્રો’ કે ‘બેબ્સ’ કહેતી આ છોકરીઓ પ્રેમી, પતિ, પિતા કે પુરૂષ પર
આધારિત રહેવાનું પસંદ કરતી નથી. એને ત્રીસ વર્ષની આસપાસ પોતાનું ઘર, ગાડી અને આગવી
ઓળખ જોઈએ છે. આ છોકરીઓ ‘લગ્ન’ કરીને ‘સેટલ’ થવામાં માનતી નથી બલ્કે, ‘સેટલ’ થયા પછી
‘લગ્ન’ કરવાનું પસંદ કરે છે. જોઈન્ટ ફેમિલી સામે આવી છોકરીઓને કોઈ વાંધો નથી, પણ એમની
મમ્મી કે સાસુ જેટલું ઘસાયાં એટલું ઘસાવાને બદલે આ છોકરીઓ સગવડ ભોગવવામાં અને આપવામાં
માને છે. નવાઈની વાત એ છે કે, સાંઈઠના દાયકામાં જન્મેલી ‘સાસુ’ કે ‘મમ્મી’ને આ સ્વતંત્રતા ભોગવતી
દીકરી કે પુત્રવધૂ સામે બહુ ઝીણો કે પછી જબરજસ્ત વાંધો છે ! પોતે જે નથી કરી શક્યાં એ નવા
જમાનાની છોકરીઓ કરે છે. પતિને ‘બેબી’, ‘જાનુ’ કે ‘ડાર્લિંગ’ કહે છે. એને સહજતાથી કામ સોંપી દે છે.
બાળક કે સામાજિક પ્રસંગે ઓફિસમાંથી કોણ રજા લેશે એ વિશે ખુલ્લા દિલે ચર્ચા કરી શકે છે. એ પતિ કે
પ્રેમીની કમ્પેનિયન, ક્રિટીક અને કેરટેકર હોઈ શકે છે, પરંતુ ઓબિડિયન્ટ અને સરેન્ડર કરતી સબોર્ડિનેટ
નથી જ !

આજની સ્ત્રી ‘સ્વમાન’ નો અર્થ આર્થિક અને માનસિક સ્વતંત્રતા સાથે જોડે છે. 5-25 રૂપિયા
વાપરવા માટે પતિ કે પિતાની રજા ન લેવી પડે, એ સ્થિતિ એને અનુકુળ છે. સામે જો એને સન્માન
આપી શકાય તો એ બને ત્યાં સુધી કોઈનું અપમાન કરવાનો પ્રયાસ નથી કરતી. (દરેક બાબતની જેમ
આમાં પણ અપવાદો હોય, હશે જ !) બને છે એવું કે, સિંગલ ચાઈલ્ડના પરિવારમાં ‘પપ્પાની પરી’ અને
‘રાજા બેટા’ ના લગ્ન થાય છે ત્યારે બંને જણાં પોતપોતાના પરિવારના લાડકા હોય છે. માતા-પિતા
દીકરીની ઉછેરતી વખતે કન્વિનિયન્ટલી એવું ભૂલી જાય છે કે એણે કોઈ બીજાના ઘરે જવું પડશે, બીજા
પરિવાર સાથે અડજેસ્ટ કરવું પડશે… બીજી તરફ દીકરીના માતા-પિતા પણ, એવું માનીને દીકરાને ઉછેરે
છે કે આવનારી છોકરી એના દીકરાને ‘મમ્મી’ની જેમ સાચવશે… બંને ખોટા છે !

દીકરીને નવા જમાના પ્રમાણેના કપડાં પહેરવાં દેવાં કે દીકરાની ગર્લફ્રેન્ડને સ્વીકારવી એ ‘મોર્ડન’
હોવાની નિશાની નથી… મોર્ડન હોવા માટે આજની આધુનિક સ્ત્રીને સમજવી પડશે. દીકરાને એ
આધુનિક સ્ત્રી સાથે જીવતા શીખવવું પડશે, તો બીજી તરફ દીકરીને પોતાના પરિવારનું મહત્વ
સમજાવીને એક સારો સમાજ પરિવાર દ્વારા જ ઊભો થઈ શકે એનું શિક્ષણ પણ આપવું પડશે.

આપણે એક ટ્રાન્ઝિટના સમયમાં છીએ. પૂરા આધુનિક નથી બની શક્યા, કે નથી આપણી
પરંપરાઓને સમજી શક્યા. રૂઢિ અને જડતા હજી છૂટ્યા નથી ને મોર્ડન થવાનો મોહ જતો નથી ! આવી
કોઈ ખીચડી માનસિકતામાં ઉછરી રહેલી પેઢીઓ વધુને વધુ કન્ફ્યુઝ વ્યક્તિઓનું નિર્માણ કરી રહી છે.
આજના સમાજે સમજવું પડશે કે, આજની સ્ત્રી ‘બૈરું’ નહીં બની શકે. ગઈકાલની સ્ત્રી અને આજના
પુરૂષોએ સ્વીકારવું પડશે કે, સ્ત્રી બદલાઈ છે એની સાથે આખો સમાજ બદલવો પડશે. બીજી તરફ,
ભારતીય સ્ત્રીએ પણ સમજવું પડશે કે, સતત ‘બેબી’ બનીને નહીં જીવી શકાય. આપણી પરંપરાઓ અને
પારિવારિક બોન્ડ્સ હજી અકબંધ છે, અને આવનારા થોડાક દાયકા સુધી તો રહેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *