ભાગઃ 3 | પહેલાં ડાકણ, પછી સંતઃ સ્ત્રીનાં સમર્પણની કેવી અવહેલના!

નામઃ જૉન ઓફ આર્ક
સ્થળઃ રૂઆન, ફ્રાંસ
સમયઃ 24 મે, 1431
ઉંમરઃ 19 વર્ષ

ફ્રાંસ, મારો દેશ, મારું વતન, મારી જન્મભૂમિ… મેં મારા દેશની સ્વતંત્રતા માટે જીવ
જોખમમાં મૂક્યો. આટલો રક્તપાત કર્યો. મરણિયા પ્રયાસ કરીને ચાર્લ્સ સાતમાને પાટવી કુંવરમાંથી
કિંગ ઓફ ફ્રાંસ બનાવ્યા. મારે બદલામાં કંઈ જ નહોતું જોતું. મારા દેશની સ્વતંત્રતા અને મારી
જન્મભૂમિની મુક્તિ એ જ મારે માટે કોઈપણ પદવી કે સત્તા કરતા મોટા હતા, પરંતુ આ વાત મારા
રાજાને ન સમજાઈ. એમના એક વિશ્વાસુ મનાતા દરબારી વ્યક્તિએ ……………………એમને એવું
સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, 18 વર્ષની નાની ઉંમરે મારી મહત્વકાંક્ષાઓ ખૂબ મોટી છે. હું ફ્રાંસની
ગાદી પર બેસીને રાજ કરવા માગું છું માટે આવાં યુધ્ધો કરીને પ્રજાના હૃદયમાં મારા માટે આદર અને
ભય ઊભો કરી રહી છું. એમણે ચાર્લ્સ સાતમાને ભડકાવ્યા, અને કહ્યું કે, ‘આજે ભલે તમે રાજા તરીકે
ઓળખાઓ છો, પરંતુ થોડા જ વર્ષોમાં જ્યારે એ આખું ફ્રાંસ જીતી લેશે ત્યારે તમને ગાદી પરથી પદભ્રષ્ટ કરીને
પોતે ગોઠવાઈ જશે.’ એમણે એવું પણ કહ્યું કે, ‘એકવાર જૉન ફ્રાંસ જીતી લેશ પછી પ્રજાના હૃદયમાં
એના માટેનો ભય અને આદર એ હદે વધી જશે કે એને ગાદી પર બેસતાં કોઈ રોકી નહીં શકે.’ આ
વાત તદ્દન અસત્ય અને પાયા વગરની હતી છતાં મારા રાજાના મનમાં એક શંકાનો કીડો પ્રવેશી ગયો.
એમણે એમના દરબારીની વાત માની લીધી અને જેલમાંથી મને છોડાવવાનો કોઈ પ્રયત્ન પણ કર્યો
નહીં.

એ વખતે હું યુધ્ધમાં પુરુષનો વેશ પહેરતી. મેં વાળ ટૂંકા રાખ્યા હતા અને સતત ઘોડા પર જ
પ્રવાસ કરતી રહેતી. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે મારા દેખાવ અને મારી પ્રવૃત્તિઓને ‘ગુનોહ’ ગણાવીને મારી
સામે કેસ ચલાવ્યો. ન્યાયાધિશ પણ એમની જ પસંદગીના અને સગવડના નક્કી કરવામાં આવ્યા.
મને બચાવ માટે કોઈ વકીલ-સાક્ષી કે એક તક પણ આપવામાં આવી નહીં. મારી પર મૂકાયેલા
આક્ષેપો સાચા છે કે ખોટા એટલું કહેવાનો કોઈ હક પણ મને મળ્યો નહીં. એથી આગળ વધીને, ચર્ચ
ઓફ ઈંગ્લેન્ડની જાણમાં, મારા જ દેશમાં મને ખૂબ હેરાન કરવામાં આવી. મારા પરિવારને
સતાવવામાં આવ્યો એટલું જ નહીં, મારી સાથે શારીરિક અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યા.
આ બધા છતાં મારું મનોબળ તૂટ્યું નહીં કારણ કે, મારા સ્વપ્નમાં સેન્ટ કેથરિન, સેન્ટ માઈકલ અને
બીજા સંતો સતત આવતા રહ્યા. એ સૌ મારું માર્ગદર્શન કરતા હતા અને મને હિંમત આપતા હતા.

પુરુષ વેશ પહેરીને પુરુષોની સાથે યુધ્ધ લડવું એ સ્ત્રી માટે ગુનો છે એવું ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને
અને હેનરી સાતમાએ સાબિત કર્યું હતું. મારા ઉપર 27 આરોપ લગાવવામાં આવ્યા, જેના બચાવમાં
મારે કંઈ કહેવું હોય તો પણ મને મોઢું ખૂલવાની છૂટ આપવામાં આવી નહીં. એ લોકોએ અંદરઅંદર
જ કેસ ચલાવીને મને ગુનેગાર સાબિત કરી દીધી. જોકે, મેં એ વાતનો વિરોધ કર્યો. અમારો કેસ
ચાલતો હતો ત્યારે ત્યાં હાજર રહેલા ફ્રાંસના નાગરિકોએ એ કેસને એકતરફી ગણી લીધો. કોઈ
પોતાના જવાબો કે કશું કહેવા માગતું હોય અને એ સાંભળવા પણ તૈયાર ન હોય તો કેટલી તકલીફ
થાય એ મને બરાબર સમજાઈ ગઈ હતી. મેં મારા ઉપરી અધિકારીને વિનંતી કરી કે, મને મારા
પરિવારને મળવા દેવામાં આવે, પરંતુ એ વિનંતી નકારી કાઢવામાં આવી. એ પછી મને ફરજ
પાડવામાં આવી કે, હું સ્ત્રીઓનો પોષાક પહેરું. મને તો કોઈ વિરોધ જ નહોતો. પુરુષ વેશ મને યુધ્ધ
માટે વધુ સગવડદાયક અને સરળ લાગતો હતો, બાકી મને છોકરીઓ જેવા કપડાં પહેરવામાં કોઈ
વાંધો કે વિરોધ નહોતાં જ.

કોર્ટમાં મને આપવામાં આવેલા કાગળમાં લખ્યું હતું, ‘હું હંમેશાં સ્ત્રીનાં જ પોષાક પહેરીશ,
કદી યુધ્ધમાં નહીં લડું.’ સાથે જ મેં કરેલા ગુનાહ માટે માફી માગવાનો, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના
પાદરીઓએ અને રાજાએ આદેશ કર્યો. મેં માફી માગવાની ના પાડી કારણ કે, મારો આત્મા કહેતો
હતો કે, મેં કશું ખોટું કર્યું નથી. મારા ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યા. અંતે એ લોકોએ મને
મોતની સજા ફરમાવી. સાથે જ શરત મૂકી કે, જો હું મારો ગુનો સ્વીકારી લઉ અને માફી પત્ર લખી
આપું તો એ લોકો મારી સજા ઓછી કરશે. મને પીડાદાયક મોત નહીં આપે.

19 વર્ષની હતી હું! પીડાદાયક મૃત્યુના વિચારમાત્રથી ડરી ગઈ. હું યુધ્ધમાં એક વીર શહીદની
જેમ મૃત્યુ પામવા માગતી હતી. પલંગમાં સૂતી સૂતી, દર્દથી રાડો પાડતી, પીડામાં ચૂર ભયાનક મોતને
ભેટવા હું તૈયાર નહોતી. મેં નક્કી કર્યું કે, હવે મરી જઈશ તો પણ સાચું બોલીશ.

મારા સત્યથી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓની સત્તા હચમચી ગઈ. ગઈકાલે, થાકીને, ડરીને
મેં માફી પત્ર પર સહી કરી આપી, પણ બીજે જ દિવસે અનેક લોકોની સામે ભરાયેલા ઈંગ્લેન્ડના
રાજદરબારમાં મેં કહ્યું કે, એ પત્ર પર સહી મેં મારી મરજીથી નથી કરી. મને ડરાવી-ધમકાવીને આ
સહી કરાવવામાં આવી છે. ઓફિસરો ગુસ્સે થઈ ગયા. એમણે મારું ખાવા-પીવાનું બંધ કરી દીધું અને
મને આ અંધારી કોટડીમાં એકલી પૂરી દીધી. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓએ મારા રાજા ચાર્લ્સને
પણ એવું સમજાવ્યું કે, હું જે સંતોની વાત કરું છું એ ખોટી છે, મને શૈતાની શક્તિઓનો સાથ છે જેને
કારણે હું આટલી નાની ઉંમરે આટલા બધા વિજય મેળવી શકું છું. મને ડાકણ, ચૂડેલ, શૈતાનની દીકરી
અને મેલીવિદ્યાઓની જાણકાર તરીકે લોકોની સામે રજૂ કરવામાં આવી. ફ્રાંસના જે લોકો ગઈકાલ
સુધી મને વીરાંગના અને સ્વાતંત્ર્યસેનાની તરીકે બિરદાવતા હતા એ જ બધા આજે મને ડાકણ અને
ચૂડેલ માની બેઠા. હવે મારો બચાવ કરવા માટે કોઈ નહોતું. આવતીકાલે, મારા ભવિષ્યનો નિર્ણય
લેવાશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓ અને ઈંગ્લેન્ડના રાજા મારી સજા નક્કી કરશે.

જે થાય તે, હવે મને ભય નથી… હું મારા ઈશ્વર જીસસની જેમ જ ધર્મ અને સ્વતંત્રતા માટે
મૃત્યુને આલિંગન આપવા તૈયાર છું.

નોંધઃ જૉન ઓફ આર્કની 30 મે, 1431ના દિવસે રૂઆન શહેરના જૂના બજારમાં લાકડાના
બનાવેલા એક માચડા પર ઊભી રાખીને જીવતી સળગાવી દેવામાં આવી. મૃત્યુ પહેલાં જૉને એક
ક્રોસ માગ્યો. એને લાકડાનો ક્રોસ આપવામાં આવ્યો. એ ક્રોસ હાથમાં પકડીને બજારની વચ્ચે
લાકડાની ચિતા પર ઊભેલી જૉનને ચારેતરફથી ‘ડાકણ’, ‘ચૂડેલ’, ‘રાક્ષસી’, ‘શૈતાન’ની બૂમો
સંભળાતી હતી. એની ચિતાને આગ લગાડવામાં આવી. જૉન સળગી ગઈ એ પછી પણ એના બળી
ગયેલા શરીરને ફરીથી બીજી ચિતા પર સૂવડાવીને બાળવામાં આવ્યું. એની રાખ પણ ન બચે એ રીતે
એને સિન નદીમાં વહેવડાવી દેવામાં આવી.

એના મૃત્યુના 25 વર્ષ પછી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની ગાદીએ આવેલા પૉપ કેલિટસે એને નિર્દોષ
જાહેર કરી એટલું જ નહીં, બલ્કે ફ્રાંસના સ્વતંત્રતાના ઈતિહાસમાં એને ‘શહીદ’ તરીકે સન્માનિત
કરવામાં આવી. એના થોડા વર્ષો પછી એને સંતની પદવી આપીને ફ્રાંસના ધાર્મિક ચર્ચમાં એની મૂર્તિ
મૂકવામાં આવી અને આજે જૉન ઓફ આર્ક તરીકે એ ફ્રાંસના ઈતિહાસમાં મહત્વનું પાત્ર ગણાય છે.
ફ્રાંસના ધાર્મિક ઈતિહાસમાં પણ જૉન ઓફ આર્કની ગણના એક સ્વાતંત્ર્ય વીર અને ધર્મ માટે
પોતાની જાન કુરબાન કરી દેનાર સંત તરીકે કરવામાં આવે છે.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *