સૂરિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને બહાર નીકળ્યો ત્યારે થોડી વીકનેસ સિવાય બીજો કોઈ પ્રશ્ન નહોતો. એના ઘાવ ઉપર ડ્રેસિંગ કરેલું હતું. એના કપડાં એટલા બધા લોહીવાળા હતા કે, એને હોસ્પિટલનો ડ્રેસ પહેરીને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી. હોસ્પિટલના પાછળ દોરી બાંધેલા શર્ટ અને લેંઘામાં એ વિચિત્ર લાગતો હતો. બહાર નીકળીને સૌથી પહેલાં એણે એક નજીકની લોકલ દુકાનમાં જીન્સ અને ટી-શર્ટ ખરીદ્યા. ત્યાં જ કપડાં બદલીને એણે હોસ્પિટલનો ડ્રેસ કચરાની ટોપલીમાં નાખ્યો. ઉબર બોલાવીને એમાં બેસી એ પોતાની ખોલી પર પહોંચ્યો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. ખોલીમાં એક ભગવાનનો ફોટો, એક એના મા-બાપની તસવીર, એક પલંગ અને એક કબાટ સિવાય ખોલીમાં કંઈ જ નહોતું. ખૂણામાં એક નાનકડા પ્લેટફોર્મ જેવા કિચન પર ગેસનો ચૂલો, બાજુમાં મૂકેલો ગેસનો બાટલો અને થોડાક વાસણ ધોઈને ઊંધા પાડેલા હતા. પ્રમાણમાં સ્વચ્છ અને કોઈ સંતોષી એકલવાયા માણસનું ઘર લાગતું હતું એ.
પલંગમાં બેસીને સૂરિએ પોતાના નેટવર્ક સાથે સંપર્ક કરવા માંડ્યો. એને ખબર પડી ગઈ કે, આવતીકાલે સવારે દિલબાગની પેશી છે. એનું ચાર્જશીટ તૈયાર છે, પોલીસ રિમાન્ડ પૂરી થઈ ચૂકી છે. આવતીકાલે સવારે દિલબાગ કોર્ટમાં મળશે એ જાણીને સૂરિ આનંદમાં આવી ગયો. એણે તૈયારી કરવા માંડી. કબાટ ખોલીને એમાંથી સફેદ પેન્ટ, શર્ટ અને કાળો કોટ બહાર કાઢ્યાં. એક રિવોલ્વર કબાટમાંથી કાઢી, બીજી પલંગ નીચેની પેટીમાંથી અને ત્રીજી માતા-પિતાના ફોટાની પાછળ આવેલા સ્લાઈડિંગ કબાટમાંથી બહાર કાઢી. પૂરેપૂરી તૈયારી કરીને સૂરિએ ઊંઘી જવા માટે આંખો મીંચી ત્યારે રાતના દોઢ વાગ્યો હતો.
*
આવતીકાલે દિલબાગે કોર્ટમાં જવાનું હતું. ત્રણ હજાર 278 પાનાંની ચાર્જશીટ તૈયાર હતી. પોલીસ કસ્ટડી કે જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરવામાં આવશે એ વાતની દિલબાગને ખબર હતી. કોણ જાણે કેમ એને ઊંઘ નહોતી આવતી. આજે નાર્વેકરની નાઈટ ડ્યૂટી હતી. એ પોતાના ફોનમાં કોઈ પાકિસ્તાની સીરિયલ જોઈ રહ્યો હતો. દિલબાગને આંટા મારતો જોઈને નાર્વેકર એની નજીક આવ્યો, ‘ડર લાગે છે?’ એણે પૂછ્યું.
‘ડર?’ દિલબાગ હસ્યો, ‘હવે ડર નથી લાગતો સાહેબ… બસ! દીકરાની ચિંતા થાય છે. એનું મોઢું જોયા વિના મરવાની ઈચ્છા નથી મારી, પણ જેવી ઉપરવાળાની મરજી.’ એનું ગળું ભરાઈ આવ્યું.
‘તને કઈ નહીં થાય.’ નાર્વેકરે મજાક કરી, ‘બાપ-દીકરો એક જ જેલમાં રહો એવો પ્રયત્ન કરીશ હું.’ દિલબાગ હસ્યો નહીં, એ નાર્વેકર સામે જોઈ રહ્યો. એની આંખોમાં વિચિત્ર ખાલીપો હતો.
‘મને નહીં છોડે સાહેબ.’ એણે કહ્યું, ‘મારા દા’ડા ભરાઈ ગયા.’
‘જો, સૂરિના કોઈ સમાચાર નથી.’ નાર્વેકરે ધીમેથી કહ્યું, ‘એ મરી જાય એટલો કાચો નથી એવું માની લઈએ તો પણ, જો બચી ગયો હશે તો કંઈ આજે…’ એનું વાક્ય અધૂરું રહ્યું.
દિલબાગ હસ્યો, ‘સાહેબ! સૂરિ નહીં તો અમરીશ પૂરી… કોઈકની ગોળી ઉપર મારું નામ લખાઈ ચૂક્યું હશે. મોતનો ડર નથી લાગતો મને.’
‘જાણું છું.’ નાર્વેકરે કહ્યું, ‘પણ, તારી સામે જેટલા કેસ ખૂલ્યા છે એની પૂરી તપાસ થાય તો મુંબઈના બહુ મોટાં માથાં સંડોવાય. મીડિયામાં હોં-હા થઈ જશે. ઈલેક્શન નજીકમાં છે. આ એક બહુ મોટો ટોર્ચબેરર કેસ બની શકે. ફ્લેશ ટ્રેડિંગની એક આખી જાળ ખૂલે.’
‘એટલું બધું નહીં થાય. વિચારશો નહીં સાહેબ.’ દિલબાગ ફરી હસ્યો, ‘આ લોકો થવા જ નહીં દે.’
‘દિલબાગ હું કોઈક રીતે આખી વાતને ખતમ કરવા માગું છું.’ નાર્વેકરે કહ્યું.
‘એક રસ્તો છે સાહેબ.’ દિલબાગે કહ્યું, ‘હું તમને આ ધંધાના મૂળ માણસ સુધી પહોંચાડી દઉં. પછી મારું જે થવાનું હોય તે થાય.’
‘મૂળ માણસ?’ નાર્વેકરના કાન સરવાં થઈ ગયા, ‘કોણ છે મૂળ માણસ? મને તો એમ કે તું જ…’
‘હું?’ દિલબાગે આંખો પહોળી કરી, ‘હું આ શતરંજનો હાથી તો હું જ હોઈ શકું, વજીર તો કોઈક બીજો જ છે. મારી હેસિયત નથી, આવડો મોટો કારોબાર ચલાવવાની. દેશભરમાંથી સ્ત્રીઓ આવે છે સાહેબ. મુંબઈ જ નહીં, દેશના અનેક નાનામોટા શહેરોમાં અત્યારે 70થી 80 લાખ સ્ત્રીઓ આ ધંધામાં છે. સેક્સ વર્કિંગના ધંધાનું કેપિટલ છે આ દેશ.’
‘તો કોણ છે એનો વજીર?’ નાર્વેકરે પૂછ્યું.
‘તમે એને હાથ નહીં લગાડી શકો.’ દિલબાગે કહ્યું, ‘એ ભારતમાં નથી રહેતો, મલેશિયા, દુબઈ, થાઈલેન્ડ, હોંગકોંગ… બધે એના ઘર છે અને બધે એના ધંધા. મારા જેવા લાખ માણસ કામ કરતાં હશે એના માટે, કદાચ વધારે.’ દિલબાગ બોલી રહ્યો હતો અને નાર્વેકર સાંભળી રહ્યો હતો. એવું નહોતું કે, નાર્વેકર નહોતો જાણતો આ બધું. એક પોલીસ તરીકે સેક્સ વર્કિંગના ધંધાના આંકડા એની જાણ બહાર નહોતા, પણ આજે જ્યારે એ ધંધાનો એક માણસ માહિતી આપી રહ્યો હતો ત્યારે પોલીસખાતાએ કરેલી રિસર્ચ ઉપર જાણે એક મોહર લાગી હતી.
દિલબાગની વાત સાંભળી રહેલો નાર્વેકર અને બાકીના બે પોલીસકર્મીઓ અચંબિત હતા, ‘આ ધંધો ક્યારેય બંધ નહીં થાય સાહેબ, કારણ કે ખરીદનારા છે ત્યાં સુધી બજાર બંધ કરવું શક્ય નથી. તમે 25 સ્ત્રીઓને બચાવશો તો બીજી 50 ઠલવાશે આ ધંધામાં. આ એક એવી ગંદકી છે જેની સંપૂર્ણપણે સફાઈ શક્ય જ નથી.’ દિલબાગ શૂન્યમાં તાકી રહ્યો હતો. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તમને શું લાગે છે, ‘મારે પહેલેથી જ આ કરવું હતું? હું મારી મરજીથી આવ્યો છું આ ધંધામાં? શોખ છે મારો? બૈરાં વેચવાં?’ એણે માથું ધૂણાવીને આંખો લૂછી નાખી, ‘આજે નહીં તો કાલે મારું એન્કાઉન્ટર થઈ જશે સાહેબ. રાહુલ નહીં મારે તો મારા ધંધામાંથી જ કોઈક પતાવી દેશે મને. સૂરિ જો નહીં બચ્યો હોય તો કોઈ બીજાને અપાશે મારા નામની સોપારી, પણ હવે મારી ટિકિટ ફાટી ગઈ છે, કન્ફોર્મ થાય એટલીવાર.’
નાર્વેકર ઈમોશનલ થઈ ગયો. એણે આગળ ઝૂકીને લોક-અપની અંદર બેઠેલા દિલબાગના હાથ પર હાથ મૂક્યો, ‘હું તને નહીં મરવા દઉં.’
દિલબાગ ગાંડાની જેમ હસવા લાગ્યો, પછી અચાનક ગંભીર થઈ ગયો. એણે નાર્વેકરની આંખોમાં જોયું, ‘તમારી પાસે કોર્ટ સુધીનો સમય છે. જે પૂછવું હોય એ પૂછી લો, જાણવું હોય એ જાણી લો.’
‘કેમ?’ નાર્વેકરે શંકાથી પૂછ્યું, ‘તને કોઈ ધમકી મળી છે?’
‘ધમકી નથી આપતા એ લોકો.’ દિલબાગના ચહેરા પર ફિક્કુ હાસ્ય હતું, ‘મોટેભાગે આરોપીના પીંજરા સુધી પહોંચવા નહીં દે મને. મારું મોઢું ખૂલે એ પહેલાં આંખો બંધ કરી દેશે એ લોકો.’ દિલબાગે કહ્યું, ‘તમે જાણતા નથી એટલે શું કહું!’
‘તો જણાવો.’ નાર્વેકર ઉશ્કેરાઈ ગયો, ‘ક્યારનો ફિલ્મી સ્ટોરીની જેમ વાતમાં મોણ નાખ્યા કરે છે. કોણ છે તારો વજીર અને એનો બાદશાહ? એના સુધી કેવી રીતે પહોંચાય? તને ખબર જ છે તો બધું કહીને મરી જા, મૂરખ! કોઈનું તો ભલું થાય.’ નાર્વેકરે ગુસ્સાથી કહ્યું.
‘ઓમ અસ્થાના નામ છે એનું. અમારા ધંધામાં એને ડેવિલ કહે છે. સાત-આઠ દેશોમાં નેટવર્ક છે એનું. સૌથી મોટું ભારતમાં. ત્રણ ભાઈઓ છે. ત્રણેય આ જ ધંધામાં…’ દિલબાગ બોલી રહ્યો હતો. નાર્વેકરની નજર સામે ઓમ અસ્થાનાનો ફાઈલ ફોટો તરવરી રહ્યો. ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક હતો એ. આખા દેશમાં અસ્થાના ટ્રાન્સપોર્ટની 50 હજારથી વધારે ટ્રક્સ સામાનની હેરફેર કરતી. ભારતના બંદરો ઉપર ઓમ અસ્થાનાના મોટા મોટા કોન્ટ્રાક્ટ્સ હતા. લોજિસ્ટિકની દુનિયામાં અવ્વલ નંબરે ગણાતી એની કંપની.
‘ઓમ અસ્થાના?’ નાર્વેકરે આઘાત અને આશ્ચર્યમાં પોતાનું ડોકું ‘ના’માં ધૂણાવ્યું, ‘અસ્થાના ગ્રૂપ ઓફ કંપનીઝ?’
‘હંમમ.’ દિલબાગે ડોકું ‘હા’માં ધૂણાવ્યું, ‘માનવામાં નથી આવતું ને?’ દરેક મહાન સામ્રાજ્યના પાયા લોહીમાં ડૂબેલા હોય છે. આનું સિંહાસન તો સ્ત્રીઓની ચામડીથી બનેલું છે.
‘કોઈ સાબિતી? પુરાવા છે તારી પાસે.’ નાર્વેકરે પૂછ્યું.
દિલબાગ ફરી ગાંડાની જેમ હસવા લાગ્યો. હસતાં હસતાં એણે નાર્વેકર તરફ એવી રીતે જોયું જાણે નાર્વેકર બેવકૂફ હોય, ‘પુરાવા? સાબિતી?’ એ ફરી હસવા લાગ્યો.
‘તું સમજતો નથી, કંઈક તો હશે ને?’ નાર્વેકરે પૂછ્યું, ‘એક નબળી કડી, કોઈ જગ્યા, કોઈ થાણું, એનો માણસ… ઓપરેશનની કોઈ વિગતો, કંઈ નથી?’
‘તમે એકલા છો?’ દિલબાગે પૂછ્યું, ‘ઘણા જાણે છે તમારા ખાતામાં.’ આ સાંભળતાં જ નાર્વેકરને નવાઈ લાગી, પણ એક નબળી કડી કે સાબિતી હોત તો છેલ્લા 15 કરતાં વધારે વર્ષથી એ આમ ખુલ્લા સાંઢની જેમ ફરતો હોત?’
‘તું મારી મદદ કર.’ નાર્વેકરે પોતાના બંને હાથે સામે બેઠેલા દિલબાગના હાથ પકડી લીધા, ‘આપણે કોઈપણ રીતે એને…’
‘સાહેબ! તમે બહુ સારા છો. દિલના સાફ અને પ્રામાણિક.’ દિલબાગે પોતાનો હાથ નાર્વેકરના હાથની નીચેથી સેરવી લીધો, ‘આમાં ના પડો. નાના નાના માણસોનું ભલું કરતાં રહેશો ને તો ય તમને દુઆ મળશે.’ એ પછી દિલબાગ બારીની બહાર જોવા લાગ્યો. નાર્વેકર પણ ચૂપ થઈ ગયો, પણ એના મગજમાં ધમાસાણ યુધ્ધ શરૂ થઈ ગયું હતું.
ઓમ અસ્થાના જેવો માણસ, દાનવીર, બિઝનેસ લેજેન્ટ અને લોકોની નજરમાં જેનું નામ ભારતમાં અગ્રણી ઈન્ડસ્ટ્રિયાલિસ્ટમાં આવતું હતું એ માણસ દેહવ્યાપાર સાથે સંકળાયેલો છે એ જાણીને નાર્વેકરનું મગજ ઘૂમરડીઓ ખાતું હતું.
‘સાહેબ!’ દિલબાગે કહ્યું.
‘હંમમ.’ નાર્વેકર ચોંક્યો.
‘કાલે સવારે કોર્ટ જતાં પહેલાં એકવાર મારા દીકરાને મળી શકું?’ દિલબાગે પૂછ્યું.
નાર્વેકર એની સામે જોઈ રહ્યો. દિલબાગની આંખોમાં મોતનો ખોફ નહોતો, પણ એની જિંદગી હવે નહીં ટકે એ વાતની ખાતરી એની આંખોમાં દેખાતી હતી.
‘હું કોશિશ કરીશ.’ નાર્વેકરે કહ્યું.
‘એને મળ્યા વગર નથી મરવું સાહેબ.’ દિલબાગે કહ્યું, ‘એક વાતનો ખુલાસો કરવો છે. એ મને એની માનો કાતિલ માને છે, ગુનેગાર માને છે, મારે એને કહેવું છે કે…’ દિલબાગ ચૂપ થઈ ગયો. નાર્વેકર એની સામે જોઈ રહ્યો. ઘડિયાળમાં રાતના બે વાગ્યા હતા. સવારે 11 વાગ્યે કોર્ટ પહોંચવાનું હતું. જેલમાં બંધ મંગલસિંઘ અને પોલીસ કસ્ટડીમાં બંધ દિલબાગને ભેગાં કરવા અસંભવ લાગતું હતું. એ વિચારવા લાગ્યો.
‘સાહેબ!’ દિલબાગનો અવાજ સાંભળીને નાર્વેકર ફરી ચોંક્યો, ‘હું સમજું છું કે, અઘરું છે. એકવાર વાત કરાવી દો.’ નાર્વેકર દિલબાગની આંખોમાં જોઈ રહ્યો, દિલ્લુ બાદશાહના નામે ઓળખાતા આ ભયાનક ખોફનાક અને મોતને મુઠ્ઠીમાં લઈને જીવતા માણસની આંખો આજે કોઈ મૃતદેહની ખુલ્લી રહી ગયેલી આંખો જેવી જડ અને પત્થરના ટૂકડા જેવી દેખાતી હતી. એને કદાચ પોતાનું મોત દેખાઈ ગયું હતું.
નાર્વેકરે વિચાર્યું, પછી જેલમાં નોકરી કરતાં પોતાના એક પોલીસ મિત્રને ફોન લગાવ્યો. એ ડ્યૂટી પર નહોતો, ઘેર હતો. નાર્વેકરને નિરાશા થઈ. દિલબાગની આંખોમાં દેખાતી આજીજી એને પજવવા લાગી. પોલીસ સ્ટેશનમાં લગાડેલા સીસીટીવી કેમેરાની હાજરીમાં દિલબાગને અહીંથી બહાર કાઢવાની કોઈ શક્યતા નહોતી. જેલમાંથી મંગલસિંઘને અહીં લાવવાની કોઈ શક્યતા નહોતી… વિચારતાં વિચારતાં નાર્વેકરને ક્યારે જોકું આવી ગયું એની એને પોતાને જાણ ન રહી. એની આંખ ખૂલી ત્યારે સવારના સાડા આઠ થયા હતા. એનો કોન્સ્ટેબલ એને ઢંઢોળીને જગાડી રહ્યો હતો, ‘સાહેબ… સાહેબ… સાડે આઠ વાજલે.’ નાર્વેકર ચોંકીને ઊઠ્યો અને પોલીસ સ્ટેશનમાં આવેલા વોશરૂમ તરફ ભાગ્યો.
સૂરિ કોર્ટમાં પહોંચ્યો ત્યારે હંમેશની જેમ ભીડ હતી. વકીલોની અવરજવર, અસીલો અને કોર્ટના પ્રાંગણમાં બેઠેલા એફિડેવિટ કરનારાનો ઘોંઘાટ, ટ્રાફિકના ઘોંઘાટ સાથે ભળીને વિચિત્ર અવાજો સર્જી રહ્યો હતો. સૂરિ સફેદ પેન્ટ, શર્ટ અને કાળો કોર્ટ પહેરીને આવ્યો હતો. એક રિવોલ્વર એણે મોજામાં ખોસી હતી અને બીજી બે રિવોલ્વર કોર્ટના બંને ખીસામાં હતી. દિલબાગ દેખાય કે પતાવી દેવો એ નિશ્ચય એના મગજમાં ખીલ્લાની જેમ ખોડાઈ ગયો હતો. એ ચારેય તરફ જોતો આમથી તેમ આંટા મારી રહ્યો હતો, જાણે પોતાના કોઈ અસીલને શોધતો હોય એમ વચ્ચે વચ્ચે ફોન કાઢીને, ડાયલ કરવાનો, વાત કરવાનો ડોળ કરી રહ્યો હતો. થોડીવાર ચાના ગલ્લે ઊભા રહીને ચા પીતાં પીતાં એણે એક-બે વકીલો સાથે દસેક મિનિટ ગપ્પા પણ માર્યા.
બરાબર ત્યાં જ પોલીસ વાન કોર્ટના પ્રાંગણમાં દાખલ થઈ. પહેલાં નાર્વેકર પછી બે પોલીસકર્મી અને એના પછી દિલબાગ નીચે ઉતર્યા. દિલબાગનો એક હાથ હથકડીમાં હતો અને હથકડીના બીજા છેડે દોરડું બાંધીને એ દોરડું પોલીસકર્મી પોતાના હાથમાં લઈને ચાલતો હતો. નાર્વેકર સાવધાન હતો. દિલબાગ સાથે વાનમાં જે કંઈ વાત થઈ એ પછી એણે પોતાના આંખ, કાન અને મગજના રડાર વધુ ઊઘાડી નાખ્યા હતા. એની છઠ્ઠી ઈન્દ્રિય એને કહી રહી હતી કે, દિલબાગની વાત સાવ ખોટી નહોતી. જો આટલા મોટા માણસો આ ધંધામાં સંડોવાયેલા હોય તો એમના વિશેની નાનકડી માહિતી કે છમકલું પણ એમને ન પોષાય. એમની પ્રતિષ્ઠાને આંચ આવે એ પહેલાં જ એ લોકો દિલબાગનું મૃત્યુ ઈચ્છે એ સ્વાભાવિક હતું.
પગથિયાં ચડીને પોલીસની સાથે ચાલી રહેલો દિલબાગ બેફિકર હતો. એના મનમાંથી જાણે મોતનો ભય નીકળી ગયો હતો અથવા એણે હવે મૃત્યુને સ્વીકારી લીધું હતું. બે પોલીસ કોન્સ્ટેબલ, નાર્વેકર અને દિલબાગ કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોરિડોરના છેક ખૂણે ઊભેલા સૂરિએ એમને જોયા. સૂરિએ પોતાના કોટના ખીસામાંથી રિવોલ્વર બહાર કાઢી. સેફ્ટી કેચ ખોલીને એણે એ રિવોલ્વર દિલબાગ સામે તાકી. એ ફાયર કરે તે પહેલાં વચ્ચેના એક ઓફિસ રૂમમાંથી બે માણસો બહાર આવ્યા. એમના હાથમાં ઓટોમેટિક ગન્સ હતી. દિવાળીમાં ફટાકડાની લૂમ ફૂટે એમ એમણે દિલબાગ પર ગોળીઓ છોડી.
દિલબાગ અને એને સાથે લઈને ચાલતો પોલીસકર્મી બંને વિંધાઈ ગયા. નાર્વેકર ઝૂકી ગયો અને બીજો પોલીસકર્મી નાસી ગયો. ત્રણ સેકન્ડથી ઓછા સમયમાં બની ગયેલી ઘટનાથી કોર્ટની લોબીમાં નાસભાગ થઈ ગઈ. ઝૂકી ગયેલા, સંતાઈ ગયેલા, નાસભાગ કરતાં લોકો ભાનમાં આવ્યા તે પહેલાં પેલા બે જણાં અદ્રશ્ય થઈ ગયા હતા.
(ક્રમશઃ)