‘તાલી’ એક એવી વ્યક્તિની બાયોપિક છે જેણે પોતાના અસ્તિત્વના સ્વીકાર માટે સમાજની
સામે પડકાર ફેંક્યો. આજે એ જ ગૌરી સાવંત દેશ-વિદેશમાં જઈને પોતાના અનુભવો અને જીવનની
ચર્ચા કરે છે. ‘ટેડ ટૉક’ જેવા સન્માનનીય પ્લેટફોર્મ પર પણ એમણે પોતાની વાત રજૂ કરી છે.
એલજીબીટીનો વિષય સમજણ અને સંયમ માગી લે એવો વિષય છે, પરંતુ છેલ્લા થોડા વખતથી
સિનેમા અને ઓટીટી ઉપર એલજીબીટી જાણે વિષય માટેની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે.
મારી-મચેડીને ગમે ત્યાંથી વાર્તાના વિષયવસ્તુને ત્યાં સુધી પહોંચાડવું એ લેખક કે દિગ્દર્શક માટે કોઈ
ઘેલછાની હદે વધી રહેલો એક મૂર્ખતાપૂર્ણ પ્રયાસ છે. ઓટીટી ઘરમાં, ટેલિવિઝન પર જોવાય છે. હવે
જ્યારે મોટાભાગની ફિલ્મો ઓટીટી ઉપર મૂકી દેવાય છે ત્યારે થિયેટરમાં જનારો વર્ગ ઘટી રહ્યો છે.
કેટલાક લોકોને એવી પણ ટેવ પડી છે કે, ‘ઓટીટી પર આવશે ત્યારે જોઈ લઈશું’ આ પરિસ્થિતિમાં સતત
લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરનો વિષય ક્યારેક કુતૂહલ, ક્યારેક જુગુપ્સા જગાડે તો
ક્યારેક તદ્દન બિનજરૂરી લાગે તેમ છતાં વાર્તાઓમાં ઉમેરવામાં આવે છે ત્યારે પારિવારિક મનોરંજન
રહેતું નથી.
નવાઈ લાગે એ હદે અચાનક જ આ વિષયમાં બધાને રસ પડવા લાગ્યો છે. એવું નહોતું કે,
આ પહેલાં આપણે આવી બાબતો વિશે જાણતા નહોતા, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં અચાનક જ
‘એમને ન્યાય અપાવવા માટે’ કે ‘એમનો સ્વીકાર થવો જોઈએ’ એવી કોઈ ક્રાંતિના વિચાર સાથે બધા
જ એલજીબીટીના વિષયને ચૂંથી રહ્યા છે. કોઈ વ્યક્તિ કેવી છે, એની શારીરિક પસંદગી શું છે એ વિશે
નક્કી કરવાનો અધિકાર અને સ્વતંત્રતા બંને માત્ર એ જ વ્યક્તિને મળવી જોઈએ-ત્યાં સુધી સાચું છે,
પરંતુ અત્યારે જે રીતે આ એલજીબીટીના વિષયને રજૂ કરાય છે એનાથી એક મોટો ખતરો સમાજ પર
તોળાય છે. 10-12-14 વર્ષના કિશોર અને કિશોરીઓ આ શારીરિક સંબંધને જુએ છે, કારણ કે
ઓટીટી પર કોઈ સેન્સર નથી. સજાગ માતા-પિતા ‘પેરેન્ટલ ગાઈડ’ કે ‘ચાઈલ્ડ લૉક’નો ઉપયોગ કરે
છે, પરંતુ આજની ટેકનોલોજી જાણતી પેઢી માટે એ દિવાલ તોડવી સાવ સરળ છે. વળી, જેના ઉપર
મનાઈ ફરમાવવામાં આવે એ બાબત વધુ કુતૂહલ જગાડે એ માનવસ્વભાવ છે. ટૂંકમાં, નાની ઉંમરના
છોકરા-છોકરીઓ આવા શારીરિક સંબંધોને ખુલ્લમખુલ્લા જુએ છે, એનાથી એમના મનમાં કુતૂહલ
જાગે છે. ‘આ શું છે’ના સવાલનો જવાબ મેળવવા માટે સમજાય તે પહેલાં આ લોકો એલજીબીટીની
મૂંઝવણમાં સપડાઈ જાય છે.
સિગરેટ કે ગાંજાની શરૂઆત કુતૂહલથી જ થાય છે, એ પછી જ આદત અને અંતે વ્યસન બની
જાય છે. એવી જ રીતે, એલજીબીટી પણ આજના સમયમાં સમાજમાં બહુ ધીમે, પરંતુ ભયજનક
રીતે વિસ્તરતું જાય છે. આપણે એ વિશે કોઈ ટેબૂ કે અણગમો રાખવાની જરૂર નથી. સદીઓ પહેલાં
બનેલા ખજુરાહોના શિલ્પમાં પણ આપણને બે સ્ત્રીઓ, બે પુરુષો વચ્ચેના સંભોગના શિલ્પ જોવા
મળે છે. ટુસમ, થ્રીસમના શિલ્પો પણ ત્યાં છે જ એટલે આપણા દેશમાં એ વિશે કોઈ છોછ નહીં હોય
એવું આપણે માની શકીએ, પરંતુ સાથે સાથે એટલું પણ સમજવું જોઈએ કે, આ શારીરિક પસંદગી
કરવાની ઉંમર કિશોરાવસ્થા નથી બલ્કે, પુખ્તવયના થઈને જ જ્યારે વ્યક્તિને પોતાની જરૂરિયાત કે
પોતાના શરીર વિશે સમજણ આવે ત્યારે જ આ બાબતે નિર્ણય લઈ શકાય. આજે એવું થતું નથી,
એનું કારણ ઓટીટી અને સિનેમામાં અનસેન્સર્ડ-બહેકાવેલાં, બહેલાવેલાં દ્રશ્યોની ભરમાર છે જેને
કારણે વ્યક્તિ સમજણ પહેલાં જ આવા કોઈ સંબંધમાં પ્રવેશી જાય છે.
એથી આગળ વધીને સમસ્યા એ છે કે, ભારતીય ઘરોમાં માતા-પિતા સાથે આવાં કોઈ કુતૂહલ
વિશે પ્રશ્નો પૂછીને ચર્ચા કરી શકાતી નથી. એમાં ‘સંસ્કાર’ આડા આવે છે! સત્ય તો એ છે કે, જ્યારે
ચારેતરફ આવાં ભયજનક દ્રશ્યો, પ્રશ્નો કે સમસ્યાઓ વિખરાયેલા પડ્યા હોય ત્યારે આપણું બાળક
કોઈ ખોટી દિશામાં ધકેલાઈ જાય એ પહેલાં એની સાથે આવી બાબતો વિશે દિલ ખોલીને ચર્ચા થવી
જોઈએ. એનું કુતૂહલ બહાર મિત્રો પાસે કે અણઘડ અજાણ્યા માણસ પાસે જઈને સંતોષે એને બદલે
પુખ્ત, સમજદાર માતા-પિતાએ સંતાનના પ્રશ્નો સ્વીકારવા જોઈએ અને એમને એટલી સ્વતંત્રતા
અને સમજણ આપવી જોઈએ જેનાથી એ પુખ્તવયના થાય તે પહેલાં આવી કોઈ બાબતમાં ફસાઈ
ન જાય.
આપણા દેશમાં આજે પણ મુખ્યત્વે પૈતૃક સમાજ વ્યવસ્થા છે જેમાં ગે દીકરાને સ્વીકારવો
અઘરો જ નહીં, અસંભવ લાગે છે. લેસ્બિયન દીકરી, માતા-પિતાને ‘બિમાર’ કે ‘મનોરોગી’ લાગે છે
ત્યારે લગભગ દરેક માતા-પિતાએ પોતાના સંતાનના મિત્રો અને એમની સાથેના સંબંધો વિશે થોડી
આંખો ઉઘાડી રાખવાનો આ સમય છે. શંકા નહીં, પરંતુ સાવધાની આપણા સંતાનો સાથે બનતી
કેટલીક ઘટનાઓમાંથી એમને ચોક્કસ બચાવી શકે છે. એ કોની સાથે ફરે છે, કેટલો સમય વિતાવે છે,
ક્યાં રાતની પજામા પાર્ટી કે ગ્રૂપ સ્ટડી માટે જાય છે, એ વિશે માતા-પિતાને જાણ હોવી જ જોઈએ.
જો શક્ય હોય અને ઘર મોટું હોય તો બધા બાળકો આપણે ઘરે ભેગા થાય એવો પ્રયત્ન આપણા
બાળકને આવી સમસ્યામાંથી બચાવવાનો સરળ રસ્તો છે. બીજી એક મહત્વની બાબત એ છે કે,
આપણા કિશોરાવસ્થાના બાળકને જ્યારે કોઈ વડીલથી ડરતા કે એમને મળવાનું ટાળતા જોઈએ ત્યારે
એની સાથે વાત કરવી જરૂરી બને છે. આપણે સ્વીકારતા નથી, પરંતુ સત્ય એ છે કે, સાવ નાની ઉંમરે
બાળકોનું શોષણ ઘરની જ કોઈ વડીલ વ્યક્તિ કે પિતાના મિત્ર, ભાભી અથવા માતાની મિત્ર દ્વારા
થઈ શકે છે. આવા સમાચાર મળે કે, જાણ થાય તો પણ ‘પ્રતિષ્ઠા’ની બીકે માતા-પિતા પોતાના
સંતાનને ચૂપ રહેવાનું શીખવે છે. આ તદ્દન ખોટું અને ભયાનક અપમાનજનક છે.
આપણું સંતાન આપણા માટે કોઈ ‘પ્રતિષ્ઠા’ કે ‘માન-સન્માન’ નહીં, બલ્કે વહાલ અને
સમજદારીનો સંબંધ હોવો જોઈએ. શારીરિક પસંદગીની સ્વતંત્રતા હવે આપણને બંધારણ પણ આપે
છે, પરંતુ એ પસંદગી કરવા જેટલા પુખ્ત થાય ત્યાં સુધી આપણા સંતાનને સુરક્ષા અને સલામતીની
સાથે સાથે સમજણ આપવી એ પ્રત્યેક માતા-પિતાની જવાબદારી છે. ચૂંબનના દ્રશ્યો, કે
એલજીબીટીના દ્રશ્યો વખતે ફાસ્ટ ફોરવર્ડ કરી દેવાથી આપણું બાળક એટલું સમજી જશે કે આપણી
સાથે એ વિશે ચર્ચા નહીં થઈ શકે. એ પોતાના કુતૂહલ અને સવાલોના જવાબો શોધવા માટે બહાર
ભટકશે, ત્યારે એ ભય અને શોષણ માટે તદ્દન સરળ શિકાર બનશે. ખોટી શરમ કે પ્રતિષ્ઠાને બાજુએ
મૂકીને હવે દરેક માતા-પિતાએ ઘરમાં જે ચર્ચા કદી નહોતી થઈ, એની શરૂઆત કરવી પડશે.